

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
“સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ‘ઓતરાતી દીવાલો’એ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હ્રદયમાં મને પ્રવેશ આપ્યો છે.
આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઈન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે”.
-કાકાસાહેબ કાલેલકર
જેલવાસના દીવસોને કાકાસાહેબે પ્રેમાનંદથી માણ્યા હતા. જેલની અંદરની મનુષ્ય સિવાયની સજીવ સૃષ્ટિની દિનચર્યાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. કાગડો, કાબર, કબુતર, ચકલી, હોલા, સમડી, નીલકંઠ(ચાસ પક્ષી), સારસ, કીડી, મંકોડા, માકડ, વંદા, કાનકજૂરા, પતંગિયું, ગરોડી, દેડકો, બિલાડી, વાંદરા, ખિસકોલી, પીપડો, અરીઠાનું ઝાડ, તુલસીનો છોડ, બારમાસી, લીમડો, જાંબુડાનું ઝાડ.…વગેરેનું માત્ર અવલોકન ન કર્યું પણ તેની સાથે તાદાત્મ્યપન અનુભવ્યું. અને એ વિશે આ પુસ્તિકામાં ખૂબ જ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. નાનકડી પણ વાંચવા ગમે એવી આ પુસ્તિકા છે.
કાકાસાહેબની કલમે આ પુસ્તિકામાંથી જ એક ઝલક મેળવીએ…
“હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. ‘શાકુન્તલ’માં જ્યારે વાંચ્યું ‘अन्यैद्विजै: परभृत पोषयन्ति’ ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝગડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ તેટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, ‘બોલ કા…. કા …. કા’. પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, ‘કુઊ…. કુઊ…. કુઊ’. કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, ‘કા…. કા …. કા’. પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું ‘કુઊ…. કુઊ’ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર-અથવા સાચું કહીએ તો પાંખભર-થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोડत्र दोष:I
એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’. “
ઓતરાતી દીવાલો-કાકાસાહેબ કાલેલકર
પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર
પૃષ્ઠ: ૯૯
કિંમત: રૂ. ૩૦.૦૦