સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા. અહીં મંદિર જેવું કંઈ ન હતું. દરિયાકિનારે કુદરતી રીતે બનેલ ખડકની નીચે પાંચ શિવલીંગ હતા જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી બધા શિવલિંગને અભિષેક કરે છે એવી માહિતી અમને શ્રી અનિલભાઈએ આપી. અમે ૭.૦૦ વાગ્યે ગયા ત્યારે ભરતીનો સમય ન્હોતો. બસની બહેનોએ ભજનો ગાયા અને ઉપર મોટો ચોક હતો ત્યાં ગરબાની રમઝટ બોલાવી. ત્યારબાદ અમે દીવ હોટલ પર પહોંચ્યા. ભોજન તૈયાર જ હતું એટલે તેને ન્યાય આપ્યો. બીજા દિવસે સવારે આગળની યાત્રા માટે નીકળવાનું હતું અને અમારી ઈચ્છા દીવનો ફોર્ટ વગેરે જોવાની હતી એટલે મન જરા કચવાતું હતું. ત્યાં અનિલભાઈ આવીને કહ્યું ‘ચાલો’. રીક્ષામાં બેઠા ત્યારે જ ખબર પડી કે અમે (અનિલભાઈ પારેખ, જયસિંગભાઈ ચૌહાણ, અલકામાસી અને હું) ફરી ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. ભરતીનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યાનો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જામનગર ઈન્ડિયન એરફોર્સના એક પાયલટ અને તેનો પરિવાર ત્યાં હાજર હતો. તે સિવાય બીજું કોઈ જ ન હતું. એ લોકો તો અમે સાંજે ૭.૦૦ વાગ્યે પહેલીવખત દર્શન કરવા ગયા ત્યારે પણ ત્યાં જ બેઠા હતા. એ ભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે “હું તો આજે નક્કી કરીને જ આવ્યો છું કે અભિષેક ના થાય તો આખી રાત બેસી રહીશ. પણ અભિષેક જોઈને જ જઈશ”. ભરતીની શરૂઆત થઈ હતી પણ શિવલિંગ સુધી પહોંચતા હજુ વાર લાગશે તેવું લાગ્યું. છતાં અમે બધા પાણીની રાહ જોઈને ગોઠવાયા. મારે ફોટોગ્રાફ્સ લેવાના હતા એટલે મેં શિવલિંગની સામે ઉપરના ખડક પર જમાવ્યું. જેમ જેમ ભરતી વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે થોડું પાણી આવતું ગયું. દરેક શિવલિંગ એક સીધી લાઈનમાં હતા અને પાંચ પાંડવોના કદ પ્રમાણે હતા. નકુલ અને સહદેવ દ્વારા સ્થાપિત શિવલિંગો નાના હતા અને જે તરફથી પાણી આવવાનો માર્ગ હતો એ તરફ જ હતા. તેથી તેના પર જલ્દી અભિષેક થઈ ગયો. પાયલોટ ફેમિલીના બાળકો ભૂખ્યાં થયા હતા એટલે એ બધા હોટલ જવા નીકળ્યા. પાયલોટ જતાં જતાં કહી ગયો કે “ હું પાછો આવું છું”. પાણીના મોજા આવતા ગયા અને અર્જુન અને યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત શિવલિંગો પર પણ અભિષેક થઈ ગયો. ભીમભાઈ જ જરા મથાવતા હતા. છેવટે બે-ત્રણ મોટા મોજા આવ્યાં અને ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ પર અભિષેક થઈ ગયો અને અમે સૌએ હર્ષોલ્લાસ કર્યો. અને હર હર મહાદેવનો જયકાર કર્યો. આ તમામ સમય દરમ્યાન કંઈ નવી જ અનુભૂતિ થતી હતી. કોઈ અલૌકિક સ્થળ પર અમે સૌ હતા અને કુદરતનો જીવતોજાગતો ચમત્કાર જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. ઘડિયાળનો કાંટો ૧૦.૦૦ વાગ્યાથી ઉપર પહોંચી ગયો હતો. રીક્ષાવાળો ઉતાવળ કરાવતો હતો. કારણ કે આ સ્થાન પર રાત્રે કોઈ રહી શકતું નથી એવી સૂચના ત્યાં બોર્ડ પર લખવામાં આવી છે. એટલે અમે સૌએ પ્રણામ કરીને કુદમ ગામ છોડ્યું.
ગંગેશ્વર મહાદેવના પૌરાણિક માહત્મ્ય અંગે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.