એ વાત – શૈલા પંડિત

૨૩.

હે ઈશ્વર,

એ વાત હું સારી પેઠે સમજ્યો છું કે

-એ જ મા

પોતાના વહાલસોયા બાળકને

કડવાં ઓસડ કચડીને પાય છે,

જેથી તેનું સંતાન તંદુરસ્ત ને ખુશખુશાલ રહે.

 .

-એ જ હળ

જમીન પર ઉઝરડા પાડે છે,

જેથી તેમાંથી દાણાદાર પાક ઊતરે.

 .

-એ જ સર્જન

પોતાના દરદીના પેટ પર

છરી ફેરવી તે ચીરે છે,

જેથી તે શારીરિક પીડાથી મુક્ત થઈ જાય.

 

-એ જ સ્થપતિ

પોતાનાં ટાંકણાં ને હથોડી વડે

પથ્થર પર ઘા પર ઘા કરતો રહે છે,

જેથી એક સોહામણી મૂર્તિ સર્જાય.

 .

-એ જ સોની

સોનાને અગ્નિમાં તાવે છે,

જેથી તેને મનોહર આભુષણનું રૂપ સાંપડે.

કદાચ,

એ બાળકને માનું સત્કૃત્ય દુષ્કૃત્ય ભાસે,

એ દરદીને સર્જનની છરી અરેરાટી ઉપજાવે,

પણ

ઉપલક નજરે અકારા લાગતાં કૃત્યો પાછળ

હેતુ તો ઉમદા જ રહેલો છે.

 .

તે જ પ્રમાણે

કનડતી મુશ્કેલીઓ પાછળ તારો હેતુ

મને સફળતા માટે

વધુ ને વધુ લાયક બનાવવાનો હોય.

તત્ક્ષણે હું ન સમજી શકું તોય,

તારો હેતુ પામી શકું

તેટલી મારામાં સૂઝ પ્રગટાવ.

જેથી હું,

મારા જીવનસાફલ્ય માટે

વિશેષ લાયકાત સિદ્ધ કરી શકું,

ને તે સારું સાચી રીતે,

ગર્વ અને ગૌરવ અનુભવવા સમો સમર્થ બનું.

 .

૨૪.

હે ઈશ્વર,

મારે મારી સાચી ઓળખાણ કરવી છે.

હું મારે વિષે કેટલાંક સત્યો જાણવા ઈચ્છું છું.

ભલે તે મને કડવાં લાગે તો પણ

એની કડવાશ જીરવી શકું

એ સારુ મને પૂરતું બળ આપજે.

 .

મને મારા દોષ સમજવામાં સહાય કર.

પણ એ ખોજ વેળા,

હું એ વૃત્તિના ભારથી દબાઈ ન જાઉં

એવી મારી પ્રાર્થના છે,

જેથી મારી હિંમત નાહિંમત ન થઈ જાય.

હું મારા દોષને પારખતાં પારખતાં

જાતને ચાબખા ન મારી બેસું

તે માટે મને મદદ કરતો રહેજે.

તે સારું, મને યાદ આપ્યા કરજે કે

મારામાં કેટલાક સદગુણો પણ છે જ.

 .

હે પ્રભુ,

મારા દોષ સમજવા મદદ કરે ત્યારે

તેને નિવારવા મને હિંમત આપતો રહેજે.

હું મારી મર્યાદા જાણું છું એટલે

બધા દોષોથી એક સાથે મુક્ત થઈ જવાનો

મને કોઈ લોભ નથી.

એક એક કરતાં હું તેમને વેગળા કરી શકું

તો મને સંતોષ છે.

હું મારા સૌથી કનિષ્ઠ દોષને

પડકારી શકું એ પ્રકારે

મને બળ અને હિંમત આપતો રહેજે.

મને મહાત કર્યા બાદ,

બીજાને, ત્રીજાને, ચોથાને

તેમ કરી શકું એ માટે

મને પૂરતી ધીરજ આપજે.

 .

મારા દોષ છતાં,

જાત સાથેની સહિષ્ણુતા ખોઈ ન બેસું,

એટલી સમજ આપતો રહેજે.

હું જાણું છું કે

દોષનિવારણનો પુરુષાર્થ મારે જ કરવાનો છે.

તે માટે મને

સતત શક્તિ ને બળ પૂરાં પાડતો રહે તો

મારે માટે તેટલું બસ છે.

 .

( શૈલા પંડિત )

Leave a comment