સમયનો…ધૂળ ડમરીનો

સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,

તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે.

પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી?

ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.

પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ;

પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,

ત્યજી દે, મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

ઉદાસીને તું જાણી લે, ઉદાસીથી રહીને દૂર…

બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.

તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,

તું બિંદુ છે, સમષ્ટિનો પીછો કરવાનું છોડી દે.

તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

 

( ડો. રઈશ મનીઆર )

2 thoughts on “સમયનો…ધૂળ ડમરીનો

  1. તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

    આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

    સુંદર અર્થપૂર્ણ રચના.

    Like

  2. તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

    આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

    સુંદર અર્થપૂર્ણ રચના.

    Like

Leave a comment