તૂટી ગયેલી ચપ્પલને-કૈલાસ પંડિત

તૂટી ગયેલી ચપ્પલને કાઢી નાંખતા પહેલા, 

પહેરવાના કેટલા મરણિયા પ્રયાસ, 

કર્યા હતા મેં.

 

ક્યારેક સ્કૂલના કે કોલેજના કોઈ ફ્રેન્ડને, 

કોઈ વાતે ઓછું આવી જતું ત્યારે, 

કેટકેટલા ખુલાસા કરતો હતો હું?

આજે નોકરીએ લાગ્યા પછી,

મારી પાસે ચપ્પલ બૂટના ઢગલા છે,

કોઈ ખોવાઈ પણ ગયા હોય,

મને યાદ પણ નથી.

હું હવે ફોનના ડાયલમાં કેટલાયને,

બર્થ-ડે વિશે કહી હાશ કરી દઉં છું,

એક વાર વીડિયો જોતા જોતા જ,

જમ્યા વગર સૂઈ ગયો ત્યારે,

તૂટેલું ચપ્પલ સ્વપ્નામાં આવ્યું અને

હું ઝબકી ગયો.

હવે ગોળી ખાઈ સૂઈ જવાની,

આદત પડી ગઈ છે મને.

( કૈલાસ પંડિત )

6 thoughts on “તૂટી ગયેલી ચપ્પલને-કૈલાસ પંડિત

Leave a comment