થઈ શકે.. – ભરત ભટ્ટ “તરલ”

મારો ખયાલ છે કે હવે યુધ્ધ થઈ શકે;

અથવા જગતનાં લોક બધાં બુધ્ધ થઈ શકે.

કહેવાનો ભાવ ત્યારે અણીશુધ્ધ થઈ શકે,

કૈં ઝંખના સિવાય તું સમૃધ્ધ થઈ શકે.

રથનાં તમામ ચક્ર મનોરથ બની જશે,

પોતાનું મન લગામની વિરુધ્ધ થઈ શકે.

પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે,

પ્રત્યેક અશ્વ એક વખત વૃધ્ધ થઈ શકે.

ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડો,

ખુદનો પહેરવેશ છે અવરુધ્ધ થઈ શકે.

( ભરત ભટ્ટ તરલ )

Leave a comment