તને ચાહું છું-કિશન શાહ

તને ચાહું છું, ચાહું છું એટલું બધું

મારી પાસે કહેવાને કોઈ વાણી નથી

જળમાં વહે છે છાયા આ ઝાડની

એમાં અંકાઈ ક્યાંક માયા ઉઘાડની

મૂંગા છે હોઠ અને બોલે છે આંખ

મારી આંખોમાં ઝાકળનું પાણી નથી

પંખીની પાંખમાં અંકાશી વ્હાલ છે

વનમાં વસંત છે ને પંચમનો તાલ છે

આટલી આ ખૂબસુરત દુનિયા હશે

એવી તો વાત કદી જાણી નથી

( કિશન શાહ )

વહેવું..-કરસનદાસ લુહાર

એક લીલું રણ વહે છે મારાથી તારા સુધી

રેશમી રણઝણ વહે છે મારાથી તારા સુધી

જે સદીના ચીર નિચોવો છતાં ટપકે નહીં-

એક એવી ક્ષણ વહે છે મારાથી તારા સુધી

લે પરસ્પરના ચહેરા ધોઈએ ને જોઈએ

જો નર્યા દર્પણ વહે છે મારાથી તારા સુધી

એકબીજામાં મળી જઈએ, ભળી જઈએ હવે

હું વહું, તું પણ વહે છે મારાથી તારા સુધી

( કરસનદાસ લુહાર )

સાંજનો શમિયાણો-વેણીભાઈ પુરોહિત

સમીસાંજના શમિયાણામાં

ધીમો ધીમો ધૂપ જલે છે!

તગતગ તારક અંગારા પર

ભભરાવેલો

પ્રીતવિરહનો ધૂપ જલે છે!

સમીસાંજના શમિયાણામાં

ધીમો ધીમો ધૂપ જલે છે!

મંદ મુરત ને ધૂમ્રસેર નિજ અંગ મરોડે…

આશાભંગ બની અટવાતી ઊંચે દોડે-

સુગંધ એની સર્યા કરે છે સોડે સોડે:

વહાલાં જેને જાય વછોડી

તે હૈયું ગુપચુપ જલે છે:

સમી સાંજના શમિયાણામાં…

તેજ-તિમિરની આછી આછી રંગબિછાતે,

મોતી વચકી જાય નયનથી વાતે-વાતે

ધબકારના પડે હથોડા દિવસે-રાતે:

યૌવનનું ઉપવન છે સૂનું,

ને કામણના કૂપ જલે છે?

સમી સાંજના શમિયાણામાં…

ઊની ઊની આવનજાવન કરે નિસાસા,

સપનાંઓના કંઠ રહ્યા છે પ્યાસા પ્યાસા:

દિલને ગમતા નથી હવે તો કોઈ દિલાસા:

ઘેરી ઘેરી હસે ઉદાસી,

લીલું લીલું રૂપ જલે છે:

સમી સાંજના શમિયાણામાં…

( વેણીભાઈ પુરોહિત )

વોટર કનેકશન-દિનેશ દેસાઈ

તમારા સમ

મારો જળસ્ત્રોત ખૂટી ગયો છે

વોટર કનેકશન મેળવવાનો

કરાર કરવા હું

આવ્યો છું-

તમારી પાસે.


( દિનેશ દેસાઈ )