પ્રથમ પડાવ(continue)

મોડી સાંજે સાંઈબાબાના દર્શન કરવા જવાના હતા એટલે એકાદ કલાક આરામ કર્યો. ત્યાં મામાએ આવીને કહ્યું કે શાવરમાં ગરમ પાણી સરસ આવે છે એટલે શાંતિથી શાવરમાં નાહવાનો લાભ લીધો.


શિરડી જતાં પહેલા મેં એ માહિતી મેળવી હતી કે સિનિયર સિટીઝનના માટે દર્શનની અલગ સુવિધા છે. અને એક સિનિયર સિટીઝન તેની સાથે બીજી એક વ્યક્તિને લઈ જઈ શકે. એ માટે જન્મતારીખનો પુરાવો આપીને પાસ કઢાવવો પડે. સાંજે ૭ વાગ્યે દર્શન કરવા માટે નીચે ઉતર્યા તો રીસેપ્શન પરથી જાણવા મળ્યું કે પરદેશીઓ પોતાનો પાસપોર્ટ રજૂ કરે તો તેને પણ સિનિયર સિટીઝનની જેમ જ દર્શન માટે પાસ આપવામાં આવે છે. મમ્મી પપ્પા સિનિયર સિટીઝનનો પાસ કઢાવીને અને મામાનો પરિવાર પાસપોર્ટ બતાવીને દર્શન કરવા જશે અને હું લાઈનમાં પ્રતીક્ષા કરીને દર્શન કરવા જઈશ એવું નક્કી થયું.


મંદિરમાં મોબાઈલ ફોન ઈલેક્ટ્રોનિક ગેઈમ્સ લેડિઝ પર્સ વગેરે કંઈ લઈ જવા દેવામાં આવતું નથી. આ અંગેની સૂચના અમારી હોટલ સહિત ઘણી જગ્યાએ વાંચવા મળી. અમે તે બધું હોટલના રૂમમાં જ મૂકી જવાનું મુનાસિબ સમજ્યું.


શ્રધ્ધા ઈનની ગાડી અમને મંદિર સુધી મુકવા આવી ત્યારે તેના ડ્રાઈવરે જણાવ્યું કે આ સમયે દર્શન માટે થોડી ઓછી ભીડ હોય છે. પાસ કઢાવવા જશો તો એમાં સમય જશે. એના કરતા લાઈનમાં જશો તો ૧૦-૧૫ મિનિટમાં દર્શન થઈ જશે. એટલે અમે પાસ કઢાવવાની પળોજણમાં પડ્યા વિના ગેઈટ નં. ૨ થી પ્રવેશ્યા. સાંઈનો જયઘોષ કરતાં કરતાં લાઈનમાં સૌ ચાલતા હતા. બાબાના દર્શન થયા ને હ્રદય એકદમ ભાવવિભોર બની ગયું.


મારી ઘણાં સમયથી ઈચ્છા હતી કે મમ્મી-પપ્પાને શિરડી લઈ જઈ બાબાના દર્શન કરાવીશ. પણ કોઈક ને કોઈક કારણથી નીકળાતું જ ન્હોતું. મામા સાથે જવાનું નક્કી તો કર્યું પણ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરને બતાવ્યું અને બે વખત રીપોર્ટ પણ કઢાવ્યા તો પણ મમ્મીને રાહત ન્હોતી. નીકળવાને અઠવાડિયું બાકી હતું અને મામા પણ USAથી આવી ગયા હતા તોય મમ્મી તો હજુ પથારીમાં જ હતી. મને કંઈ સૂઝતું ન્હોતું અને ચિંતા થતી હતી કે હવે શું કરીશું? પણ જ્યાં કંઈ જ કામ ન કરે ત્યાં શ્રધ્ધા કામ કરે છે. મેં બાબાને પ્રાર્થના કરી કે તારા દર્શન કરવાની મમ્મીની ખાસ ઈચ્છા છે તો એને તારા દર્શન કરવા માટે જરૂરથી બોલાવજે. અમે શિરડી જવા નીકળ્યા ત્યારે તો મમ્મીની તબિયત ઘણી સારી  થઈ ગઈ હતી અને આખી સફર દરમ્યાન પણ એને ખાસ કોઈ જાતની તકલીફ ન થઈ. આ બાબાની કૃપા નહીં તો શું?


મુખ્ય મંદિરમાં દર્શન કરી અમે બાબા જે લીમડા નીચે બેસતા હતા તે લીમડાના દર્શન કર્યા. નાનાવલી વગેરે બાબાના અંતેવાસીઓની સમાધિ જોઈ. બાબા રાત્રે જ્યાં સૂવા માટે જતાં તે ચાવડી અને બાબા જ્યાં રહેતા હતા તે દ્વારીકામાઈના પણ દર્શન કર્યા. દ્વારીકામાઈની ધૂણીમાં વર્ષોથી અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે. તેની ઉદી મેળવવા માટે મંદિર તરફથી અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાંથી ઉદી લીધી. આ બધું જોતાં અમને ૮.૩૦ વાગ્યા. ત્યાં સુધીમાં પ્રસાદના લાડુનું કાઉન્ટર બંધ થઈ ગયું હતું. અમે પાછા શ્રધ્ધા ઈનમાં જવા માટે નીકળ્યા.


શ્રધ્ધા ઈનમાં અમે ડિનર અને બ્રેકફાસ્ટનું પેકેજ લીધું હતું. ત્યાં પહોંચીને બુફે ડિનર લીધું. વલસાડથી શિરડી સુધીની સફર કરીને બધા થાકી ગયા હતા તે સૌ જલ્દી જ સૂઈ ગયા.

4 thoughts on “પ્રથમ પડાવ(continue)

Leave a comment