આખરી પડાવ(continue)

Indigoની બે ફ્લાઈટ સાથે થઈ ગઈ હતી એટલે અમારો સામાન આવતાં થોડી વાર લાગી. બધી બેગ આવી ગઈ પછી અમે એરપોર્ટની બહાર નીકળ્યા. અમારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન જવાનું હતું. એરપોર્ટની બહાર ઘણાં બધાં ટેક્ષીવાળા અમને ઘેરી વળ્યા. મામાએ એક હિન્દીભાષી ભાઈ સાથે ટેક્ષીનું નક્કી કર્યું. એ તરત એની બે ટેક્ષી લઈ આવ્યો. અને અમે મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યા. રેલ્વે સ્ટેશન પહોંચીને પહેલા કંઈક ખાવાનું વિચાર્યું. અમે ગોવાથી જમીને ન્હોતા નીકળ્યા અને પ્લેનમાં પણ કંઈ આપ્યું ન્હોતું. ખાવા માટે કંઈ શોધવાની જરૂર ન પડી. સ્ટેશન પર McDonalds જોઈને મારા બન્ને કઝિન ખુશ થઈ ગયા.

McDonalds on Mumbai Central

McDonalds on Mumbai Central


થોડો નાસ્તો કરીને પ્લેટફોર્મ પર ફ્લાઈંગ રાણીની રાહ જોઈને ઉભા રહ્યા. થોડીવારમાં જ ટ્રેન આવી.

Mumbai Central

Mumbai Central

૧ અને ૨ નંબરની સીટ મારા મમ્મી-પપ્પાની હતી. મેં તેમને બેસાડ્યા અને સામાન ગોઠવ્યો. 3 નંબરની સીટ બીજા કોઈની હતી અને બારી પાસેની ૪ નંબરની સીટ મારી હતી. પણ ૩ અને ૪ નંબરની સીટ પર વૃધ્ધ કાકા-કાકી બેઠા હતા. મેં તેમને મારી સીટ વિશે પૂછ્યું તો તેમણે મને તેમની ૬ નંબરની સીટ પર બેસવા કહ્યું. તે સીટ પણ બારી પાસે જ હતી તેથી હું ૬ નંબરની સીટ પર બેસી ગઈ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી. મેં હેડફોન લગાવી ગીત સાંભળતા સાંભળતા પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ક્યારે બોરીવલી આવ્યું તે ખબર ન પડી. ત્યાંથી ઘણાં મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. મારી બાજુની સીટ પર પણ કોઈ આવ્યું. મેં જોયું તો ટીવી અને તખ્તાના જાણીતા કલાકાર અલીરઝા નામદાર. હું તેમને તરત ઓળખી ગઈ. કારણ કે આ પહેલા કલકત્તામાં પણ મેં તેમને જોયા હતા. અને રોજ ટી.વી. સિરિયલોમાં તો જોતી જ હતી. તેઓ વાપીમાં અમે મસ્તીના મતવાલા નાટક કરવા માટે જતા હતી. અમે ઘણી વાતો કરી. કમ્પાર્ટમેન્ટમાં ઘણાંએ તેમને ઓળખી લીધા હતા. હાલ સ્ટાર પ્લસ પર આવતી બિદાઈ સિરિયલમાં પણ તેઓ અભિનય કરી રહ્યા છે. વાપી સુધી એક ઉમદા કલાકાર સાથે વાત કરવાનો મને મોકો મળ્યો.

with Aliraza Namdar

with Aliraza Namdar

ઉપસંહાર:

મેં મારા મોટેભાગના પ્રવાસો વલસાડના દુર્ગેશ ટુરિસ્ટમાં કર્યા છે. એના સ્થાપક શ્રી અનિલભાઈ પારેખ વ્યવસાયે શિક્ષક હતા. હાલ તો નિવૃત્ત છે અને પ્રવાસનું આયોજન કરવામાં જ પ્રવૃત્ત છે. અનિલભાઈ એવું વિચારે કે દરેક વ્યક્તિ કંઈ વારંવાર આ સ્થળોએ આવી નહીં શકે. એટલે એમનો મુખ્ય ભાર સ્થળો બતાવવામાં વધારે હોય. રસ્તામાં પણ કંઈ અગત્યનું સ્થળ આવે તો બસ ઉભી રાખીને તે સ્થળ બતાવી દે. કંઈ પણ અગત્યનું જોવાનું ચૂકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખે. દરેક જગ્યાએ હોટલ પણ મુખ્ય વિસ્તારની નજીક જ હોય. એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે જાતે પણ તમે ફરી શકો. હું આ રીતે ફરવા ટેવાયેલી.

આ વખતે થોડો જુદો અનુભવ હતો. આ અગાઉ અમદાવાદની નવભારત ટુર્સમાં કેરાલા જવાનું થયેલું ત્યારે પણ લગભગ આવો જ અનુભવ થયો હતો. રીસોર્ટ મતલબ સંપૂર્ણ આરામ અને સારું સારું ખાવાનું. પણ ફરવાના કે સ્થળો બતાવવાના નામે મીંડુ. રીસોર્ટની પોતાની દુનિયા હોય. ત્યાં તમારો સમય પસાર કરવા માટે ઘણીબધી પ્રવૃત્તિ હોય. જો તમને તેમાં રસ પડે તો.

અમે ગોવા ગયા પણ ખાસ કંઈ જ જોઈ શક્યા નહીં. કારણ કે રીસોર્ટ એવી જગ્યાએ હતું કે ત્યાંથી જાતે ક્યાંય પણ જવાનું શક્ય ન્હોતું. અમે રીસોર્ટમાં બરાબર આરામ જ કર્યો. ક્યારેક આરામ પણ જરૂરી હોય છે. બાકી એકદમ ફરવાનો મૂડ હોય કે વધારે સ્થળો જોવાની ઈચ્છા હોય તો રીસોર્ટમાં ન જવું. અને જેને સખત આરામની આવશ્યકતા હોય તેણે તો રીસોર્ટમાં જ જવું.

આખરી પડાવ

જાન્યુઆરી ૧૦, ૨૦૦૯

આજે અમારે ઘર તરફ પાછા વળવાનું હતું એટલે Dona Sylviaના રૂમમાં વિખરાયેલો સામાન પાછો બેગમાં ભરવામાં અમે સૌ મંડી પડ્યા. બધું એકદમ તૈયાર કરીને બ્રેકફાસ્ટ કરવા ગયા. ત્રણ દિવસ દરમ્યાન અહીં અમને ભરપૂર ખવડાવવામાં આવ્યું હતું. એમાં કોઈ જાતની કસર કરવામાં આવી ન્હોતી. અમારા પરિવાર સિવાય બીજા પણ બે-ત્રણ ગુજરાતી ગ્રુપ ત્યાં હતા. ગુજરાતી દુનિયાના ગમે તે છેડે જાય એને ગુજરાતી વાનગીઓની યાદ તો આવવાની જ. ત્યાં અનેક વાનગીઓના રસથાળ પીરસવામાં આવતો હતા. તેમ છતાં મને થોડી ગુજરાતી વાનગીઓની યાદ આવતી હતી. મેં ગઈકાલે સવારે Seagull Restaurantના મેનેજર ફ્રાન્સીસ ડિકોસ્ટાને જો શક્ય હોય તો થોડી ગુજરાતી વાનગી બનાવવા વિનંતી કરી હતી. મેં એને એક-બે ગુજરાતી વાનગીના નામ પણ કહ્યા હતા. કેવી રીતે બનાવવું તે અંગે એ મામી પાસે જાણકારી મેળવી ગયો હતો. એના પ્રામાણિક પ્રયત્નો હોવા છતાં બીજી તો કોઈ ગુજરાતી વાનગી શક્ય ન્હોતી બની. પણ ગઈકાલે રાત્રે એણે અમારા માટે ખીચડી-કઢી બનાવી હતી. અમે આજે જવાના હતા તે જાણીને ફ્રાન્સીસ ડિકોસ્ટા અમને મળવા આવ્યો. અને અમને સફર માટે શુભેચ્છા આપી.

Seagull Restaurant

Seagull Restaurant

બ્રેકફાસ્ટ કરીને અમે બધો સામાન રૂમમાંથી ખાલી કરાવી રીસેપ્શન કાઉન્ટર પાસે બેઠા. ૧૧.૦૦ વાગ્યે અમારે નીકળવાનું હતું. અમારા હાથ પરથી લીલા રંગનો Wrist Band કાઢી લેવાયો. ૧૧.૦૦ વાગ્યે અમે ગાડીમાં ગોઠવાયા અને Dona Sylvia અને Cavelossim Beachને આવજો કહીને ગોવા એરપોર્ટ જવા નીકળ્યા. લગભગ ૪૫ મિનીટના ડ્રાઈવ પછી ગોવા એરપોર્ટ પર પહોંચ્યા. બેગનું ચેકિંગ કરાવ્યું અને અમારું ચેકિંગ પણ કરાવ્યું. હવે હેન્ડબેગ બાકી હતી. બાકી બધાની હેન્ડબેગ તો ફટાફટ ચેક થઈ ગઈ પણ મારી બેગ અટકાવાઈ. ફળ વગેરે કાપવા માટે મેં હેન્ડબેગમાં નાનકડું ચપ્પુ રાખ્યું હતું તેનો વાંધો હતો. મેં ચપ્પુ કાઢીને સિક્યુરીટી ઓફિસરને આપી દીધું. ત્યારે મને આગળ વધવાની લીલી ઝંડી મળી. અમારે C2 ગેઈટથી જવાનું હતું. એટલે પહેલા માળે પ્રતીક્ષાખંડમાં જઈ ગોઠવાયા. અમારી Indigo Flight No. 6E 275નો ઉપડવાનો સમય ૧૩.૪૫નો હતો. મુંબઈથી Indigoનું વિમાન મુસાફરોને લઈને આવ્યું. અને તમામ મુસાફરો ઉતર્યા તે પછી થોડીવાર રહીને અમને વિમાન તરફ પ્રસ્થાન કરવા જણાવાયું. વિમાન નજીકમાં જ હતું એટલે ચાલીને જ ત્યાં લઈ જવામાં આવ્યા. અને અમે વિમાનમાં ચઢ્યા. મારી સીટ બારી પાસે હતી. બીજી બે ફ્લાઈટ આવવાનો સમય થયો હોવાથી રન-વે ખાલી ન્હોતો. થોડીવાર રાહ જોવી પડી. બન્ને ફ્લાઈટ આવી ગઈ એટલે Indigoએ મુંબઈ તરફ ઉડાન ભરી. મને બારીમાંથી જોવાની બહુ મજા પડી. સૂર્યના પ્રકાશમાં ચમકતું દરિયાનું પાણી ખૂબ જ સરસ દેખાતું હતું. વાદળોની ઉપર જ્યારે વિમાન પહોંચ્યું ત્યારે વાદળો હિમાલયની પર્વતમાળા જેવા દેખાતા હતા. મેં મારા મોબાઈલથી ફોટોગ્રાફસ લીધા. ૫૦ મિનીટની હવાઈ સફર બાદ અમે મુંબઈ પહોંચ્યા.

Goa Airport-1

Goa Airport-1

Goa Airport-2

Goa Airport-2

Goa Airport-3

Goa Airport-3