હે પરમાત્મા-કુન્દનિકા કાપડિયા

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/01/04-Track-4.mp3|titles=04 – Track 4]

.

હે પરમાત્મા,

.

અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર

તમે તમારા હાથમાં લો

અને અમને સંપૂર્ણપણે દોરો.

.

અમારાં સઘળાં કાર્યો

અમારી બુદ્ધિ, અમારી ઈચ્છા, અમારા અહંકાર વડે નહિ

પણ તમારી ઈચ્છા વડે પ્રેરિત થાઓ.

.

કોઈ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા

તમારી યોજના મુજબ જ બની આવે છે

એ સમજવા ને સ્વીકારવા જેટલી

નિર્મળતા ને નમ્રતા અમને આપો.

.

અમે કશાને માટે ઝાંવા ન મારીએ

કશાને માટે વ્યાકુળ ન થઈએ

તમે જે સ્થિતિમાં અમને રાખો, તેમાં

ફરિયાદ કર્યા વિના, આનંદપૂર્વક રહી શકીએ

એવી સ્થિર શ્રદ્ધા ને સમર્પણબુદ્ધિ આપો.

.

અંતે તો તમને પામવા એ જ અમારું લક્ષ્ય છે.

.

એ માર્ગે દિવસરાત અમારી યાત્રા આગળ વધતી રહે

તમારી ચૈતન્યધારામાં, અમારી જડિમાની રજ

રોજેરોજ ધોવાતી રહે, એવા અમને આશીર્વાદ આપો, પ્રભુ !

.

( પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી )