તારામાં ચાલે છે – મુકેશ જોશી

તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

અજવાળા જેવા અજવાળાએ કીધી છે

શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી…

.

ગાડાં ભરીને કોઈ તારલાઓ ઠાલવે

એનાથી બમણું છે તેજ તારે ચહેરે

ઝગમગતાં ઝળહળતાં વસ્ત્રો છે પાસ

છતાં કેમ તારું મન આમ અંધારાં પહેરે

તારામાં ચાલે છે એક જણ ઢાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તલવારો જેવી તલવારોએ તૂટીને

રણના મેદાન ઉપર માની છે હાર ભઈ

.

તારામાં હજ્જારો યુદ્ધો લડવાની છે

હજારો હાથીઓથી બમણી તાકાત

એક વ્હેંત તારાથી જીત હોય છેટીને

એવે ટાણે જ કેમ માને તું મ્હાત

તારામાં ચાલે છે એક જણ વ્હાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

ખડકો જેવા કૈંક ખડકોએ માન્યું છે

એકધાર જળ સામે આપણું કામ નહીં

.

તારામાં લાગણીના ઘૂઘવતા દરિયાઓ

દરિયામાં ફાટફાટ પ્રેમનાં જ મોજાં

તારાથી કોઈ તને સાતગણું ચાહે ને

તોય કાં જુદાઈના રાખે છે રોજા

એક જણ ચાલે છે તારો ખયાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તારા રસ્તા પરથી કાંટા હટાવતાં

એની હથેળીયું કંકુ શી લાલ થઈ…

.

( મુકેશ જોશી )

4 thoughts on “તારામાં ચાલે છે – મુકેશ જોશી

  1. છતાં કેમ તારું મન આમ અંધારા પહેરે?
    તારામાં ચાલે છે એક જણ ઢાળ લઇ ને…

    એ હું છું…અને રહીશ જ…હંમેશા…

    Like

  2. છતાં કેમ તારું મન આમ અંધારા પહેરે?
    તારામાં ચાલે છે એક જણ ઢાળ લઇ ને…

    એ હું છું…અને રહીશ જ…હંમેશા…

    Like

Leave a comment