Skip links

તેં બધું જ – સુરેશ દલાલ

તેં બધું જ આપ્યું છે. જે છે એ ભલે રહે. વધુ ને વધુ કશું જોઈતું નથી. ઈશ્વર પાસે સતત માગ માગ કર્યા કરીએ એટલે પ્રાર્થના તો ભીખમંગી થઈ જાય છે. પ્રાર્થનાના શબ્દો તો સસલા જેવા સુંવાળા હોવા જોઈએ. ઈશ્વર એ શબ્દોને ખોળામાં બેસાડે, એને પંપાળે, એને લાડની ટપલી મારે – પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઈ જશે – એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હોય મયૂરમુખી નાવ જેવી – જે ઈશ્વરનાસરોવરમાં તર્યા કરે.

 .

આ સંસારમાં ચાલવાની જવાબદારી મારી પણ અમને સંભાળવાની જવાબદારી તારી. આ વન, એનાં ઝાડીઝાંખરાં, એમાં ભમતાં હિંસક પશુઓ – આ બધાંથી તું નહીં ઉગારે તો કોણ ઉગારશે ? એવું નથી કે આ પશુઓ અમારી બહાર જ હોય છે. અમારી ભીતર પણ જે પશુ છે એને તું તારે માર્ગે વાળ – અને પશુમાંથી કંઈ નહીં તો માણસ તો બનાવ. માણસ થઈને જન્મ્યા છીએ તો કમમાં કમ અમે માણસ તરીકે તો જીવી શકીએ. અમારે નથી થવું દેવ કે નથી થવું દેવદૂત. અમે જે છીએ તે સારા છીએ. અમારે પૃથ્વી પર સ્વર્ગ નથી જોઈતું. પૃથ્વી પૃથ્વી રહે અને અમે માણસ માણસ જ રહીએ તો પણ તેં અમને અહીં જે કર્મ માટે મોકલ્યા છે એની સાર્થકતા અનુભવાય અને જિંદગી સ્વયં પ્રાર્થના થઈ જાય.

 .

( સુરેશ દલાલ )

Leave a comment

  1. શ્રી સુરેશ દલાલે સરસ વાત કરી.
    પ્રાર્થના કદી યાચના ન બની જવી જોઈએ. પ્રાર્થના એ તો ઈશ્વરની સાથેનો સંવાદ છે – ઈશ્વરનું સામીપ્ય અનુભવવાની રજૂઆત છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર અને તેના પ્રેમનો એકરાર છે. ભીખમંગી પ્રાર્થના કદાચ ઈશ્વરને ય પ્રિય નહીં હોય.

  2. શ્રી સુરેશ દલાલે સરસ વાત કરી.
    પ્રાર્થના કદી યાચના ન બની જવી જોઈએ. પ્રાર્થના એ તો ઈશ્વરની સાથેનો સંવાદ છે – ઈશ્વરનું સામીપ્ય અનુભવવાની રજૂઆત છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર અને તેના પ્રેમનો એકરાર છે. ભીખમંગી પ્રાર્થના કદાચ ઈશ્વરને ય પ્રિય નહીં હોય.