માછલી સંદર્ભે – નારાયણ જોશી

.

(૧)

માછલીઓ

એ બીજું કોઈ નથી

પણ પૂર્વજન્મમાં

અવગતે ગયેલી

હોડીઓ જ છે !

 .

(૨)

એ સત્ય છે કે :

પાણી વગર,

પાણી બહાર

માછલી તરફડે જ,

પણ…

માછલી વગર

પાણી અંદર

પાણીને તરફડતા

તમે ક્યારેય જોયું છે ?

 .

(૩)

આપણે

જે દરિયાનો ઘૂઘવાટ

સાંભળીએ છીએ

એ ખરેખર તો

માછલીના મૌનનો પડઘો છે !

 .

( નારાયણ જોશી )

ભાષાન્તર કરું – અજય પુરોહિત

.

પગતળે ઈચ્છાનું ભાષાન્તર કરું

થાકના ચ્હેરાનું ભાષાન્તર કરું

 .

ફૂલથી કોમળ હવાની છું શરત-

રેશમી ટહુકાનું ભાષાન્તર કરું

.

હું સમયની રેતમાં ઊંડે ગયો-

ધૂળમાં પગલાંનું ભાષાન્તર કરું

 .

હું અજાણ્યા સૂર્યની નજીક ડૂબ્યો-

સાંજ છું, તડકાનું ભાષાન્તર કરું

.

હું જ મારી સંધિ ને મારો સમાસ

શૂન્યથી ઘટનાનું ભાષાન્તર કરું

 .

કોઈ સુક્કા પાંદની છું ઓળખાણ

વૃક્ષના નકશાનું ભાષાન્તર કરું

 .

( અજય પુરોહિત )

ઈશ્વર તો લહેરી લાલો છે – પ્રવીણ દરજી

.

ઈડિપસ, ઓડિસિયસ કે ઈફેજેનિયા

તમે સમજો, જરા નિરાંતે વિચારો

આપણે માટે હવે એક જ વિકલ્પ રહ્યો છે :

ઈશ્વરની સાથે સમાધાન કરી લેવાનો.

આપણે જિંદગીને આપણી માની લેવાની

એક મોટી ભૂલ કરી બેઠા છીએ

પણ હજી બહુ મોડું થયું નથી.

સત્યનો સ્વીકાર કરીએ અને સમજીએ

કે

જિંદગી ઈશ્વરે એની મરજીથી આપેલું

એક બંધ કવર છે.

એને ખોલવાનું નથી તેમ એ આપણી

સંપત્તિ નથી.

એને સાચવી રાખીએ એ જ ગનીમત.

ઈશ્વર તો લહેરી લાલો છે.

આપણે તંબૂઓમાં વસવા મથામણ કરતા

હોઈએ છીએ

ત્યારે એ મહેલ પધરાવી દે છે !

અને આપણે જ્યારે હસવાની ક્ષણ ઉપર

આવીએ છીએ

ત્યારે એ ડૂસકાં મોકલી આપે છે !

માગી શકે એવા માણસને તે મૂક કરી દે છે

અને મૂંગા માણસને તે વાણીના

ચમત્કારના પાઠો શીખવે છે !

આપણે ઊંચી ડોકે બ્રહ્માંડના નકશાઓ

લઈને ભલે ફર્યા કરીએ

આપણે માટે તો તેમાં નથી કોઈ ટપકું કે

નથી કોઈ તોફા

આપણે માટે તો છે તોપ, ધણધણતી તોપ

જે ક્યારેય પણ ફૂટી શકે છે, ક્યારેય

પણ આપણને ફૂંકી મારી શકે છે.

આપણે તો પેલા બંધ કવરને સાચવી

રાખીએ એ જ ગનીમત !

દીવાલ પાછળના આપણા વિશ્વને

તેથી જ ખુલ્લું કરવાની ના કહું છું.

ત્રિકમ-પાવડા મૂકી દો, એને ખોદવાની

વાત જ મિથ્યા છે.

‘નર્કાગાર’ કે ‘વેદનાગાર’ શબ્દો

ઈશ્વરના કોશમાં સદા પ્રતિબંધિત છે.

હે મારાં વ્હાલાં ભાઈ-બહેનો !

ચાલો, ઈશ્વરની સાથે આપણે સમાધાન

કરી લઈએ !

ઈશ્વર તો લહેરી લાલો છે !

 .

( પ્રવીણ દરજી )

પ્રાર્થના – સુરેશ દલાલ

.

અમસ્તું પણ બહાર જવું હોય તો માણસે ઉંબરો છોડવો જોઈએ. ક્યાંક પહોંચવું હોય તો ઘરની દીવાલને વળગી ન રહેવાય. બહાર જવા માટે જો આટલું કરવું પડતું હોય, કશુંક છોડવું પડતું હોય –તો તને પામવા માટે, ભીતર પ્રવેશવા માટે માણસે કેટલું બધું છોડવું જોઈએ… પહેલાં તો છોડી દેવા જોઈએ છઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધો. આ સંબંધો જ આડે આવે છે. રચી આપે છે મોહ અને માયાનું વાતાવરણ. આપણે આપણા જ સરોવરમાં માછલી થઈને તર્યા કરીએ છીએ. અને આપણો જ એક અંશ કિનારે માછીમાર થઈને ઊભો છે અને એ જાળ ફેલાવે છે આમ આપણે જ આપણી જાળમાં ફસાયેલા છીએ. જાળમાંથી મુક્ત થઈએ અને જળમાં જ જીવીએ એનાથી બીજી પ્રાર્થના કઈ હોઈ શકે !

 .

 .

તારી સાથે જોડાવા માટે જગત સાથેથી છૂટવું અનિવાર્ય હોય તો હું તને એ પણ કહી દઉં કે જગત છોડીને આવ્યો છું હું તારી પાસે. તારી સાથે મારે યુક્ત થવું છે, સંયુક્ત થવું છે. તારી સાથે મારે સાધવો છે યોગ. હવે નર્યો સંયોગ. વિયોગનું નામોનિશાન નહીં. તારા વિના યોગભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ અર્થ નથી. બધાંને છોડીને આવ્યા પછી તું મને હવે તરછોડી નહીં શકે. મને સ્વીકારવાની હવે પૂર્ણ જવાબદારી તારી. મારી તો આ નિતાન્ત શરણાગતિ.

 .

 .

પ્રાર્થના મારા એકાન્તનું જતન કરે છે, રક્ષણ કરે છે. પ્રાર્થના મારા ઈશ્વરનું લાલનપાલન કરે છે. પ્રાર્થના મારા હૃદયની ભક્તિપીઠ છે. પ્રાર્થના પિષ્ટપેષણ કે પીંજણ નથી કરતી. બુદ્ધિની આતશબાજી ફૂટતી હોય એમ પ્રાર્થના દલીલ નથી કરતી કે પ્રાર્થના નથી કરતી કોઈ ઘોંચપરોણા. પ્રાર્થનાના શબ્દો ધરતીમાંથી ફૂલનો દીવો થઈને પ્રગટે છે અને આકાશમાંથી સૂર્યકિરણ થઈને અવતરે છે. પ્રાર્થના એ મારો હિમાલય છે અને મારી અલકનંદા છે. કદીયે ન વીંખાય કે ચૂંથાય એવી મારી પ્રાર્થનાનો માળો તો તારા વૃક્ષમાં બંધાયો છે. ત્યાંથી જ મારા દિવસની ગતિ આરંભાય છે અને પાછો આવું છું ત્યારે જ મારી ગતિને સ્થિતિ મળે છે. પ્રાર્થના મારી શરણાગતિ છે. મને મારી પ્રાર્થના ગમે છે કારણ કે એની સાથે બીજું કોઈ જ નહીં પણ તું સંકળાયો છે.

 .

( સુરેશ દલાલ )

પહેચાન કાયમ રાખીએ – શોભિત દેસાઈ

.

આવનારા કાળની પહેચાન કાયમ રાખીએ

વીત્યા સાથેનું અનુસંધાન કાયમ રાખીએ

 .

ધોમ તડકામાં ધર્યો હો છાંયડો જેણે અહીં

માથે એ સૌ વૃક્ષનું અહેસાન કાયમ રાખીએ

 .

ખૂબ અંગત લાગણીઓ પણ ન ઓળંગે સીમા

જાત પૂરતું એટલું સન્માન કાયમ રાખીએ

 .

જાણીએ કે જિંદગીની ડોલને તળિયું નથી

માંહ્યલો મબલક, સભર, વિદ્વાન કાયમ રાખીએ

 .

ટેકવી જેના ખભે માથું, મરી-રોઈ શકાય

સાવ પાસે એવું એક ઈન્સાન કાયમ રાખીએ

 .

જાણીતા-અણજાણ્યાની બુરાઈઓ દફનાવવા

જાગતું ભીતરમાં કબ્રસ્તાન કાયમ, રાખીએ

 .

( શોભિત દેસાઈ )

એ હિમાલય ગયો – સુરેશ દલાલ

.

હિમાલય ગયો.

હિમાલયને જોવાનું ભૂલી

બરફને વીણવામાં ખોવાઈ ગયો.

 .

એ ગયો

ઘૂઘવતા સમુદ્ર પાસે

સમુદ્રને જોયા વિના

એ મોજાંઓને છીણવામાં

ધોવાઈ ગયો.

 .

એ લીલાછમ્મ વનમાં ગયો.

ન જોયું વનશ્રીનું સૌંદર્ય

એ ઝાડી-ઝાંખરાઓમાં

અટવાઈ ગયો.

 .

હવે શું કરવું

એની ખબર પડી નહીં,

એટલે તેજાબથી એણે

આંખોને ધોઈ નાખી.

.

( સુરેશ દલાલ )

 .

૨૭.૧૧.૨૦૦૪

મને મારો – સુરેશ દલાલ

.

મને મારો રસ્તો વ્હાલો લાગે છે,

કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.

મને કવિતા પ્રિય છે,

કારણ કે હું રસ્તાની વચોવચ રહ્યો છું.

 .

અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ :

તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે

કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.

 .

દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે

અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.

 .

હું નકશાનો માણસ નથી

રસ્તાનો માણસ છું

એટલે ચાલ્યા કરું છું.

 .

ચાલવાની મારી રીત જુદી છે.

ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું

તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથી.

 .

આંસુને જોયા પછી ક્યારેક

મારામાં સંતાડી દઉં છું હું નદીને

અને ઝરણાને જોયા પછી

પર્વતના મૌનને ક્યારેક

મારામાં બંદીવાન કરું છું.

 .

( સુરેશ દલાલ )

આ સૂર્યોદય – સુરેશ દલાલ

.

આ સૂર્યોદય, આ પ્હાડ, નદી, ઝરણ, સમુદ્ર

પસાર થતાં માણસો

આમાંનું કશુંયે મને મિથ્યા નથી લાગતું.

નથી લાગતો હું પણ મને મિથ્યા

આ બધું જ સત્ય છે.

જે દેખાય છે તે બધું જ સત્ય.

દેખાય છે ફૂલ

અનુભવાય છે ફોરમ.

ફોરમ ભલે દેખાતી ન હોય.

 .

જે કૈં નથી દેખાતું

તેનું હોવાપણું પરમસત્ય.

 .

મારે માટે કશું જ મિથ્યા નથી

જન્મ, મરણ, સ્મરણ કે વિસ્મરણ.

રૂપ કે અરૂપ

બધે જ ઈશ્વરનું સ્વરૂપ.

સમય કે કાળ

કશુંજ મિથ્યા નથી.

‍ॐ સત્યમ શરણં ગચ્છામિ !

 .

(સુરેશ દલાલ)

 .

૧૫.૦૯.૨૦૦૩

હું તારી પાસે – સુરેશ દલાલ

.

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને રસ્તામાં

ફૂલોના દરિયાએ રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને પ્હાડોના પ્રાણે રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

.

હું તારી પાસે આવતો હતો

ત્યારે હું મને પણ રોકતો હતો

પણ મેં કોઈનું પણ કશું માન્યું નહીં

ને નીકળી પડ્યો તે નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવ્યો તો ખરો

પણ તારા બંધ દરવાજા જોઈ

હું થીજી ગયો-

હવે, હું અહીંથી ક્યાંય પણ જઈ શકું એમ નથી.

 .

( સુરેશ દલાલ )

.

૧૭.૦૭.૧૯૮૬

દરિયો કહો તો – સુરેશ દલાલ

.

દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

જંગલ ને ઝાડ-પાન વીંધી હું દઉં પણ પાણીને વીંધવા સ્હેલાં નથી.

.

એક એક ફૂલની આપું ઓળખ

પણ સૌરભને કેમ આપું સારવી ?

બહુરૂપી વાદળાંને આંખમાં વસાવું

પણ વીજળીને કેમ કરી ધારવી ?

કહો તો આ અજવાળાં ઓઢાળી દઉં પણ અંધારાં પીંજવા સ્હેલાં નથી.

    દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

 .

શબ્દો જો હોય તો કાગળ પર મૂકું

પણ મૌનને હું કેમ આપું વાચા ?

તારી સંગાથે સાચો સંબંધ : પછી

લાગે સંબંધ બધા કાચા.

કહો તો આ પ્હાડને ઊંચકી હું લઉં પણ ઝરણાંને ઝીલવાં સ્હેલાં નથી.

દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

 .

( સુરેશ દલાલ )