પ્રાર્થના – સુરેશ દલાલ

તારું જે ક્ષણે સ્મરણ કરું તે ક્ષણે મને એમ લાગે છે કે હું જીવું છું. શ્વાસ લેવો પડે એટલે લઉં છું. પ્રત્યેક પળના કાફલામાં જોડાઈ જાઉં છું પણ કોઈક પળે આ કાફલામાંથી અલગ થઈ તારી લગોલગ પહોંચી જાઉં છું. તું વિઘ્નહર્તા છે. તારાથી અલગ છું એ જ મોટામાં મોટું વિઘ્ન છે. આ સંસારમાં રહેવાનું અને તારી સાથે જીવવાનું – અગ્નિ અને જળ – બંનેનો એકી સાથે અનુભવ કરવાનો. તારા સ્મરણમાત્રથી હું બધાથી છૂટો થઈ જાઉં છું અને જઈ રહું છું તારા સાવ અજાણ્યા પ્રદેશમાં. જે પ્રદેશ જોયો નથી એનું પણ સ્મરણ હોય એનો અર્થ જ એવો કે આપણો સંબંધ એ સ્મરણ પહેલાંનું સ્મરણ છે. આપણી વાત એ સ્મરણ પહેલાંના સ્મરણની વાત છે.

 * * *

મારી પ્રાર્થના એ મારાથી મારા સુધી અને એ રીતે તમારા સુધી પહોંચવાનો એક રસ્તો છે. આ રસ્તા પર મેં આંસુ સીંચીને સ્મિતનાં ફૂલ ઉગાડ્યાં છે. આસપાસ લહેરે છે લાગણીનું લીલુંછમ ઘાસ. આ ઘાસમાંથી પવન પસાર થાય છે. એ દેખાતો નથી-પણ ઘાસના સ્પંદન દ્વારા એની અનુભૂતિ થાય છે. ભમરાઓને સોંપી દીધું છે તમારું નામ ગુંજવાનું કામ. મારા હોઠ પરથી તમારું નામ વહે છે અને એ ભમરાઓની ચંચલતામાં સ્થિર થાય છે. આંખ મીંચીને હું મારા અંધકારની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરું છું. ક્યાંક દેખાય છે ઝાંખો ઝાંખો દીવો. આ દીવો ક્યારેક દૂર લાગે છે, ક્યારેક નજદીક. ઘણી વાર એવું પણ થાય છે કે હું પગ વિના પંથ વિનાના પંથ પર ચાલ્યા કરું છું અને પાંખ વિના આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું. પાળેલા ગુલામ જેવા શબ્દો તારી પ્રાર્થનામાં કામ નથી આવતા, મારા માલિક.

 

( સુરેશ દલાલ )

1 thought on “પ્રાર્થના – સુરેશ દલાલ

Leave a comment