પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી

(૧)

પીલુડીના ઝુંડમાં

પતંગિયાંની પાંખ તળે

નિરાંત પાથરીને

બેસેલો તડકો

કેવો હરખાતો હોય છે

ધોરિયે વહેતા જળમાં થનગનતા

આભને જોઈને !

 .

(૨)

પવન સંગે

ડોલતા મકાઈના ડૂંડે

કાન માંડીને બેઠો હોય છે

વહેલી સવારનો તડકો

રણકતા શેઢાના

માધુર્યને માણવા.

 .

(૩)

રોઢે

ખેતર ભાત દઈને

ગામ પાછી ફરેલ મીઠ્ઠીની

ચૂંદડીનો છેડો જાલીને

અરે ! ક્યારે આવી ચઢ્યો

મારા ખોરડા લગી

લીલી બાજરીનો

મહેક ભીનો તડકો !

 .

(૪)

જેઠ મહિનાના ખરે બપોરે

સુકાયેલ તળાવના બાવળ તળે

બેસેલ ભેંશની પીઠે ચઢી

સાદ પાડે તડકો,

‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ…’

 .

(૫)

ઢળતી સાંજથી

ઠાકોરજીને ભેટવા

ઝાલર રણકવાની રાહ જોતો

ચોરાની ઓસરીમાં

ઊભો હોય છે તડકો…

 .

( પ્રીતમ લખલાણી )

Share this

2 replies on “પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી”

  1. અદભુત અને કોંકણવરણી રચનાઓ .

    ચાલો એ બહાને હું થોડો તડકો ખાતો આવું 😉

  2. અદભુત અને કોંકણવરણી રચનાઓ .

    ચાલો એ બહાને હું થોડો તડકો ખાતો આવું 😉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.