તમને લઈ જવા માટે
રસ્તો તો તૈયાર છે : પણ થાક્યા છો
અહીં બેસો તો ખરા.
.
દોડ દોડ શું કર્યા કરો છો ?
આવતી કાલની સલામતી માટે
આટલું બધું શું તરફડ્યા કરો છો ?
થોડીક વાર તો આકાશ જુઓ
થોડીક વાર તો જુઓ ધરા
અહીં બેસો તો જરા.
.
આકાશના કોઈક ટુકડાને
તમારી સાથે જીવવું છે
રોજ રોજ તમારે જ આંગણે ઊગેલા ફૂલને
તમને કૈંક કહેવું છે.
.
તમે સ્હેજ
થોડીક ક્ષણ પણ ઊભા રહેશો
અમસ્તા પણ મૂંગા રહેશો
તો તમારી જ ભીતર
રહેલા પંખીને ટહુકવું છે.
.
તમે થોડાક તો તમારા પ્રત્યે
ઓછા ક્રૂર થાવ
તમે દુનિયાદારીથી થોડક તો દૂર થાવ
ખાતરી આપું છું
કે તમને લઈ જવા માટે
રસ્તો તો તૈયારછે : પણ થાક્યા છો –
તો અહીં બેસો તો જરા.
.
( સુરેશ દલાલ )