આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

મિત્રો, આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ?

Savitri

કથા તંતુ

‘સાવિત્રી’ની સમગ્ર કથા મહાભારતના આરણ્યક પર્વમાં ૨૪૮ અધ્યાયથી શરૂ થાય છે.

 .

સંતાન વિહોણો રાજવી અશ્વપતિ અઢાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાને અંતે ભગવતી સાવિત્રી દેવી પ્રસન્ન થઈ વરદાન આપે છે કે તેને ત્યાં અદ્વિતિય પુત્રી થશે. સાવિત્રી દેવીના વરદાનથી પ્રાપ્ત થયેલી પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવે છે. સત્યવાનના અલ્પાયુષ્યને જાણવા છતાં તે તેને જ જીવનસાથી તરીકે પસંદ કરે છે. લગ્ન પછી એક જ વર્ષમાં મૃત્યુ જેના ભાવિમાં છે એવા સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાન પાછો મેળવે છે. આ સમગ્ર કથાતંતુને ગૂંથીને શ્રી અરવિંદે તેમની અમર ‘સાવિત્રી’ રચી છે.

 .

સાવિત્રી આંકડાશાસ્ત્રમાં

‘સાવિત્રી’ ૮૧૬ પાનાનો ગ્રંથ છે.

‘સાવિત્રી’માં ૧૨ પર્વ છે.

‘સાવિત્રી’માં ૪૯ સર્ગ છે.

‘સાવિત્રી’માં ૪૯માંથી ૨૨ સર્ગ એકલા અશ્વપતિની યાત્રાના છે. એટલે કે ૮૧૬માંથી ૩૭૦ પાનાં માત્ર અશ્વપતિને ફાળવ્યાં છે.

‘સાવિત્રી’માં ૨૩૮૬૪ પંક્તિઓ છે.

બરાબર ૩૬૫મી પંક્તિએ સત્યવાનનું મૃત્યુ થાય છે.

સાવિત્રીનું ટાઈટલ ૨૪ અક્ષરોનું બનેલું છે.

શ્રી અરવિંદે સાવિત્રીનું પાંચ વખત પ્રૂફરીડિંગ કરેલું છે.

સાવિત્રીની કેટલીક પંક્તિઓ ૧૧ વખત મઠારવામાં આવી છે.

૪૦૦ પંક્તિઓ એવી છે જે શ્રી અરવિંદે એકીસપાટે ઉતરાવી છે.

૧૬૪૬માં ‘સાવિત્રી’ પર ૪૬૦ ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું.

સાવિત્રીમાં ૭ પ્રકારનાં અજ્ઞાનની ચર્ચા થઈ છે.

 .

સાવિત્રી શું નથી ?

(૧) સાવિત્રી મહાકાવ્ય સામાન્ય અર્થમાં જેને સાહિત્યકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તેવી કોઈ સાહિત્યકૃતિ નથી.

(૨) મહાકવિ શ્રી અરવિંદનો કેવળ કલ્પનાવિહાર નથી.

(૩) મનોમય ચેતનાના સ્તરે સર્જાયેલી કોઈ કવિતા માત્ર નથી.

(૪) શબ્દોની સુમેળભરી લયબદ્ધ રચનામાત્ર નથી.

.

શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ

એક તફાવત

‘સાવિત્રી’ મહાકાવ્યનો અભ્યાસ કરતી વખતે શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ વચ્ચેનો તફાવત સમજી લેવો ખૂબ જરૂરી છે. આ અંગે ટૂંકમાં ત્રણ મુદ્દા યાદ રાખવા જેવા છે.

(૧) ‘સાવિત્રી’ મહાકાવ્યમાં ‘અશ્વપતિ’ નામ સતત આવ્યા કરે છે. ‘સાવિત્રી’ ઉપર લખાયેલાં લગભગ તમામ પુસ્તકોમાં આ શબ્દપ્રયોગ થતો રહ્યો છે. અને હવે તો તેમ કરવું એક પરંપરા થઈ ગઈ છે. સામાન્ય વાચકો પરંપરાને સત્ય તરીકે સ્વીકારતા થઈ જાય છે.

(૨) વાસ્તવમાં અશ્વપતિની જગ્યાએ શ્રી અરવિંદ એક વંચાવું જોઈએ. અશ્વપતિ શબ્દપ્રયોગનો અભ્યાસ આપણને સતત પ્રાચીન વાર્તા તરફ લઈ જાય છે. ખરા અર્થમાં મહાકાવ્યનો પહેલો અર્ધો ભાગ અને એક મહાન ભાવિના પાયા નાખવાની મથામણરૂપે આલેખાયો છે. અશ્વપતિ ભૂતકાળની દંતકથાનું પાત્ર છે. જ્યારે શ્રી અરવિંદ માનવીના મહાન ભાવિનું પ્રતીક છે.

(૩) અશ્વપતિ એ વાર્તાનું એકમાત્ર પાત્ર છે જ્યારે શ્રી અરવિંદે સાવિત્રીમાં પોતાની નક્કર આધ્યાત્મિક અનુભૂતિનું વર્ણન કર્યું છે. તે તેમના અનુભવો અથવા તેમની આત્મકથા છે. આમ શ્રી અરવિંદ અશ્વપતિ કરતાં વિશેષ એવી બાબત છે જેનું વર્ણન થઈ શકે એમ નથી.

.

મહાકાવ્યનાં પ્રતીકો અને પાત્રસૃષ્ટિ

સાવિત્રી:

મહાકાવ્યમાં સાવિત્રી જગદંબાના અવતારનું પ્રતીક છે. પ્રકાશ અને જ્ઞાનની દેવી છે. અને તે સત્યવાનને મૃત્યુના સકંજામાંથી મુક્ત કરવા અને વિશ્વને દિવ્ય જીવન બક્ષવા અવતાર લે છે.

 .

સત્યવાન :

સાવિત્રીનો પતિ છે. તેનો આત્મા મૃત્યુલોકમાં અવતરે છે. તે જગત આત્માનું પ્રતીક છે.

 .

અશ્વપતિ :

સાવિત્રીનો પિતા છે. તે સમગ્ર માનવ સમાજનો પ્રતિનિધિ છે. તે મા ભગવતીને પ્રસન્ન કરે છે. તે પૃથ્વી પર દિવ્ય જીવન અવતરે તે માટે અંધકારનાં પરિબળો સામે લડે છે. તે યોદ્ધાનું પ્રતીક છે.

 .

રાણી:

રાજા અશ્વપતિની પત્ની અને ‘સાવિત્રી’ની માતા છે. તે સામાન્ય સ્ત્રીનું પ્રતીક છે. મહાભારતમાં તેનું નામ માલવી છે. સાવિત્રી મહાકાવ્યમાં તેનું નામ નથી.

 .

નારદ :

ત્રિકાલજ્ઞ નારદમુનિ, સાવિત્રી અને સાવિત્રીની માતાને અલગ અલગ રીતે અસર પહોંચાડે છે. તે સાવિત્રીના તેજસ્વી ધ્યેયને આકારબદ્ધ કરી આપે છે. પ્રેમની શક્તિ મારફતે અજ્ઞાન પર વિજય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને ક્રિયાવંત કરે છે. નારદ ટીખળનું પાત્ર નથી.

 .

દ્યુમત્સેન :

સત્યવાનનો પિતા છે. સાલ્વા દેશનો રાજવી છે. તેનું રાજ છીનવી લેવામાં આવ્યું છે. તે અંધાપો ભોગવે છે. તે માનવ અંધકારનું પ્રતીક છે. તે માનવ મનનું પ્રતીક છે.

 .

રાણી :

સત્યવાનની માતા અને સાવિત્રીના સાસુ છે. તે પણ અંધાપો ભોગવે છે.

 .

યમદેવ :

ભારતીય સંસ્કૃતિમાં યમને પણ દેવ ગણવામાં આવ્યા છે. યમ માત્ર મૃત્યુનું પ્રતીક નથી, અજ્ઞાનતા, અંધકાર અને દિવ્યતા સામે લડનારું કોઈ પણ તત્વ યમ છે. યમદેવનું બીજું નામ ધર્મરાજા છે.

 .

‘સાવિત્રી’ મહાકાવ્યમાં જુદી જુદી ઋતુઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. શ્રી અરવિંદને વસંત ઋતુ ઘણી ગમતી હતી. આ બધી ઋતુઓ પણ પ્રતીક છે.

 .

ઉનાળો : પૃથ્વીની અભીપ્સાનું પ્રતીક છે.

 .

ચોમાસું : સ્વર્ગમાંથી ઊતરતું વરદાન.

 .

વચગાળાની મોસમ : વિકાસની પ્રક્રિયાનું પ્રતીક છે.

 .

વસંત ઋતુ : ફળ અથવા નવા બાળકના જન્મનું પ્રતીક

 .

સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ : ૧૩૮

કિંમત : ૧૦૦/-

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૧, પુન:મુદ્રણ : ૨૦૦૩

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.