લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

શિયાળાના ઠંડાગાર આકાશમાં

સવારના  પ્હોરમાં સૂરજ

પાછલી રાતનો કામળો ઓઢીને

વાદળના પથ્થર જેવા પગથિયાં

ચડતાં ચડતાં હાંફી ગયો…

એની હૂંફ હજીયે

હવામાં સંભળાય છે.

 .

(૨)

કેટલાક લોકો,

‘આવતીકાલ’ના વચનને ભરોસે હોય છે

અને વર્ષો સુધી એને દરવાજે

ભટક્યા કરે છે.

પણ ‘આવતીકાલ’ કદી આવતી નથી.

 .

(૩)

કોઈક વાર હું એને કહું છું, શરાબ

કોઈક વાર કહું છું, જામ

કોઈક વાર કહું છું, ઈશ્વર

કોઈક વાર બીજ, કોઈક વાર છોડ

કોઈક વાર શિકાર, કોઈક વાર…

હું તને તારા નામે ન બોલાવું

ત્યાં સુધી આ બધું રહસ્ય જ રહે છે.

 .

(૪)

કેટલાંયે રહસ્યો વિસ્ફોટિત થઈ રહ્યા છે

પણ એમને પ્રકટ કરીને

અને ઉઘાડાં પાડીને

હું એમને હાંસીપાત્ર નહીં કરી શકું.

મારી ભીતર કશુંક આનંદથી

વિસ્ફોટિત થઈ રહ્યું છે,

પણ ત્યાં હું મારી આંગળી મૂકી નહીં શકું.

 .

(૫)

એક વખત પ્રિયતમાએ એના પ્રિયતમને પૂછ્યું :

પ્રિય,

તેં તો દુનિયામાં ઘણાં સ્થળો જોયાં છે !

હવે-આ બધામાંથી શ્રેષ્ઠ શહેર કયું ?

એણે કહ્યું : ‘જ્યાં મારી પ્રિયતમા રહે છે તે’.

.

(૬)

પ્રેમીઓ

શરાબ પીએ છે

રાત ને દિવસ, દિવસ ને રાત

અને ચીરી નાખે છે મનના નકાબ,

જ્યારે પ્રેમના નશામાં ચકચૂર થાય

ત્યારે શરીર અને આત્મા એક જ થઈ જાય.

 .

(૭)

પ્રેમ,

એક એવી જ્વાળા છે

કે જ્યારે એ પ્રકટે છે

ત્યારે બધું જ બાળી નાખે છે.

કેવળ રહે છે ઈશ્વર.

 .

(૮)

હું કવિ નથી,

કવિતાથી મારો જીવનનિર્વાહ કરતો નથી

મારા જ્ઞાનની ડંફાસ મારવાની પણ

મને જરૂરિયાત જણાઈ નથી.

કવિતા પ્રેમનો શરાબ છે

અને મારી પ્રિયતમાના હાથે જ

એને સ્વીકારું છું.

.

(૯)

હું મરણ પામું ત્યારે

મારો અગ્નિસંસ્કાર કરજો

આ મારા શરીરમાંથી

પ્રકટતો ધુમાડો

હવા પર લખશે :

તમારું નામ… તમારું નામ…

 .

(૧૦)

રોજ સવારે

મારી આંખમાં

તારો ચહેરો ઊગે છે

મને ખબર નથી પડતી

કે આકાશ મારી આંખમાં છે

કે મારી બારી બહાર ?

 .

( સુરેશ દલાલ )

Leave a comment