હજીયે – યોગેશ જોષી

પેલી તરફ જવા

હું

દાખલ થયો

અરીસાની અંદર

ને

મારું પ્રતિબંબ

આ તરફ

નીકળ્યું બહાર…

.

અમે બંને

એકમેકમાંથી

પસાર થયા

આરપાર…

.

તોય

કેમ

હજીયે

સાવ

અજાણ્યા ?!

.

( યોગેશ જોષી )

ચાર કાવ્યો – લાભશંકર ઠાકર

(૧)

તારી પીઠની બરાબર મધ્યમાં

ધારદાર ચાકુ પકડીને લંબાવીને

ખંજવાળવાના શૌર્યને હવે અટકાવ.

ના, મારે એ ખાજખૂજલીનું કાઢવું છે.

એ નથી માનતો અને દદડતું લોહી

દદડતું

દદડતું મારા દિવાસ્વપ્નને

રક્તિમ રક્તિમ કરી રહ્યું છે.

હાસ્તો ગાઉં છું ઘાયલા કી ગત ઘાયલ જાને

ઔર ન જાને કોઈ.

દિવાસ્વપ્નની પૂંછડી મેં પકડી લીધી છે

ને શ્વસું છું નિજમાં નિમગ્ન.

.

(૨)

મૃત્યુ મારા બારણા પાસે આવીને ઊભું છે.

ક્યારનું ?

છું ત્યારનું.

એ મારી નિદ્રા-જાગૃતિની સરહદમાં

આવીને બુચકારા સાથે મને ચૂમે છે.

અમે બે-હદ સચ્ચિદાનંદની ક્રીડા મલક મલક મલકાવે છે.

.

(૩)

ઊંઘના ઘોડિયામાંથી મા, મને ઊંચક નહિ.

મારું સ્વપ્નસુખ ઢોળાઈ જશે.

.

(૪)

પરીક્ષાની કરવતથી મને વહેરી નાખનારાઓ

રહેમ કરી મને ડસ્ટબિનમાં ફેંકી દો.

.

( લાભશંકર ઠાકર )

અંતર – સંદીપ ભાટીયા

(૧)

મારા ઘરથી

તારા ઘર સુધીના

રસ્તા કરતાં

તારા ઘરથી

મારા ઘરા સુધીનો

રસ્તો

કેમ

વધુ લાંબો હોય છે

હંમેશાં ?

 .

(૨)

I miss you,

તેં કહ્યું.

.

ખાલી થઈ ગયેલા

ગામની વચ્ચે

વરસોથી અપૂજ

દેરીમાં

કોઈએ

દીવો પ્રગટાવ્યો

જાણે.

.

( સંદીપ ભાટીયા )