તું…!! – એષા દાદાવાળા

તું આધાર છે, એવું નહીં કહું

નહીંતર આધારિત થઈ જવાનો ભય લાગશે મને…

તું દીવાલ છે એવું પણ નહીં કહું

નહીંતર બારી કે દરવાજાની જરૂર ઊભી થશે મને…

તું આકાશ છે એવું પણ નહીં કહું

આકાશ અનંત છે અને અનંતતાથી નફરત છે મને

એક શરૂઆત અને અંત તો હોવો જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.

તું છત છે એવું પણ નહીં કહું

છત આભ સાથેનો સંબંધ તોડી આપે છે અને આભ સાથે જોડાયેલા રહેવું

મારી જરૂરિયાત છે

તો પછી તને શું કહું ?

હવા ? ના, એ તો બધાની જરૂરિયાત હોય…

શ્વાસ ? ના, એ તો બંધ થઈ જાય…

પાણી ? ના, એ તો સૂકાઈ જાય…

અગ્નિ ? ના, એ તો ઓલવાઈ જાય…

તો પછી હું તને કહું શું ?

શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો સમય…?

કદાચ હા જ…!

તને ખબર છે ?

જિંદગી જીવવા માટે

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો સમય ખૂબ અગત્યનો હોય છે

એ ખોરવાઈ જાય તો

જિંદગી દાવ પર લાગી જાય છે…

એટલે મારા માટે તું શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો એ સમય જ છે સાચે જ…!!

 .

( એષા દાદાવાળા )

Leave a comment