ઋતુ – મનીષા જોષી

મારા ઘરની અગાશી પર હું ખાસ જતી નથી.

ગયા વર્ષે પાનખરમાં ખરેલાં પાંદડાં,

હજી પડ્યા છે, ત્યાં

મેં એમના રંગ બદલતા જોયા હતા.

ગયા શિયાળની એ બરછટ ઠંડી પણ

પડી છે હજી, કોઈ પ્રેક્ષકની જેમ,

મારા ઘરની ભીંતોમાં.

મારી શુષ્ક ત્વચા, આ દીવાલો જેવી,

પાસે છતાં દૂર દૂર.

રાત્રે હું મારી ત્વચાથી બચીને

એમ સંકોરાઈને સૂઈ જઉં છું

જાણે વરસાદમાં

કોઈ અજાણ્યા ઘરમાં આવી ચડેલા જીવડા

નજર બચાવીને બારીએ બેસી જાય.

ગયા ચોમાસામાં

હું આંગણામાં બહાર ભૂલી ગઈ હતી

એ પ્યાલામાં વરસાદનું પાણી ભેગું થયું હતું

એ પણ છે હજી, મારી પાસે

તો એ ઉનાળામાં મારા ઘરની આસપાસ ખીલી ઊઠેલા

ગરમાળાનાં પીળા ફૂલોની સાથે સાથે

મારા શરીરનો રંગ પણ પીળો થઈ ગયો હતો

તે પણ હજી ક્યાં બદલાયો છે ?

ઋતુઓ બદલાય છે એ વાત સાચી

પણ ક્યારેક ઋતુઓને રોકાઈ જવું હોય છે.

ઋતુઓ આવે કે જાય

પીળા થઈ ગયેલા મારા શરીર પર

બારેમાસ શોભે છે,

પીળા, સુવર્ણના અલંકાર

અને મારા વાળમાં

બારેમાસ શોભતા રહે છે,

પીળા, ગરમાળાનાં ફૂલો.

 .

( મનીષા જોષી )

Leave a comment