એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

એક ‘દિ પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવને હું યે
ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં…

મનમાં મારાં એમ કે એમાં શું ?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ..યને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સહેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ !
ટગલી ડાળે સિંચવાનું જળ આટલું અદ્ધર ઝટ દેતાં લઉં પગ ખેંચી, થૈ કામ
આ મારું, જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં.

( ઉષા ઉપાધ્યાય )

જે સરનામું છે-અદી મિર્ઝા

એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !

એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !

તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !

એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !

પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?

એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !

તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !

આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?

( અદી મિર્ઝા )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

અમે પ્રેમને પંથ પડ્યા,તો હતા જાણતા અંત;
ઊભાં છીએ દ્રઢ, પ્રભુ પામવા જેમ ઊભે છે સંત !
આપોઆપ જ લાભ અમોને થયો, શ્યામ જો ગયા;
વિરહ-ઉત્સવો ઊજવવાની કલા જાણતા થયા !

મોર લગીરે નથી પામ્તો દુ:ખ, પીંછું ખરવાથી !
જે જે ગોકુળ નથી વસ્યાં, એ અમને ભાસે શૂન્ય !
માધવનાં પદરવ સાંભળતાં, બારી-બારણાં ખૂલે;
મઘમઘતુંઘર આખ્ખું, એમાં કોઈ અ-ગોચર ઝૂલે !

થાય છલોછલ ઘડો, શ્યામનું મોહક સ્મિત ભરવાથી !
નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી;
પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી !
રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે;
વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે !

ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી દ્યો દીપમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

પણે જઈ માખણ-મિસરીના શત શત કુંડ ભરાવો;
તમે બેઉં, રાધાને આલંબન આપી લઈ આવો !
નંદ-જશોદાને કહેજો કે જાય નહીં એ ક્યાંયે;
લઈ આવશું કહાનો; જોતાં-રમતાં બહું ધરાયે !

આજ ફરીથી શુષ્ક અમારા ઓષ્ઠ થશે પરવાળાં !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

( વીરુ પુરોહિત )

બાકી છે-હર્ષદ ચંદારાણા

વળોટ્યા છે સમંદર પાંચ, બે આસાન બાકી છે
રમત છે, બાવડામાં જોર દે… જુવાન બાકી છે

વદન પર ઝુલ્ફની લટ જેમ શોભે છે, તું ઝરણાંથી
તું પર વારી ગયો ઓ ટેકરી ! બસ…જાન બાકી છે

તળે ડૂબાડતા ધસમસ પ્રવાહો, છટકવા ના દે
ઉગારે કોણ ? એવો આવવો બળવાન બાકી છે

વિચારોનો સમંદર ખૂબ ઊંડો, હર-વખત મોતી
તું લૂંટ્યે રાખ, તળને ખોટ ના, ધનવાન બાકી છે

તટે તું દૂર ઊભેલી, મને લાગી દીવાદાંડી
તરત ત્યાં વ્હાણ ફંટાવ્યું, થવી પીછાન બાકી છે

તટે મસ્તીથી રેતીમાં સૂતેલું વ્હાણ શું જાણે ?
વમળ છે રાહ જોતાં, મધ્યમાં તોફાન બાકી છે

( હર્ષદ ચંદારાણા )

પ્રેમ માટે ભય-કાબેરી રાય

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે-
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

( કાબેરી રાય )

શ્રી મણિબહેન પટેલ-દિવ્યા સોની “દિવ્યતા”

Manibahen-Patel
.
લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હમણાં ઘણું ચર્ચિત બન્યું છે. આ નામની આડ નીચે ઘણા મરવા અને મારવાની વાતો કરી રહ્યા છે. એ ભાઈ બહેનોને એક સવાલ પૂછવો છે કે શું આ લોહપુરુષ વિશે અને એમના પરિવાર વિશે કંઈ જાણો છો ખરા ? સરદાર વલ્લભભાઈ પાછળ પણ કોઈ નારીનો હાથ હોઈ શકે એવું વિચાર્યું ? આ નારી એમના પત્ની ન હતા. એમના પત્ની શ્રી ઝવેરબા તો એમના બાળકો મણિબહેન ઉ. વ. ૭ અને ડાહ્યાભાઈ ઉ.વ. ૫ ના થયા ત્યારે જ દેવલોક પામ્યા. ત્યારબાદ શ્રી વલ્લભભાઈ બીજા લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આ પુરુષ પાછળની તાકાત કઈ નારી બની એ જાણવું છે ? એ હતા સરદાર વલ્લભભાઈના પુત્રી શ્રી મણિબહેન પટેલ.

જયારે સરદાર પટેલ નિર્ણય લે છે કે હું બીજા લગ્ન નહીં કરું ત્યારે આ પ્રતિજ્ઞાની પાછળ માત્ર અને માત્ર તેમના બાળકો પ્રત્યેની તેમની લાગણી હતી, અને જયારે મણિબહેન પોતે લગ્ન અવસ્થાએ પહોચ્યાં ત્યાં સુધી તેઓ પિતાના મંત્રી, ધોબી, રક્ષક, ચાકર તરીકે સ્વતંત્રતા ચળવળના પડછાયા સમાન બની રહ્યા હતા. એ સારી રીતે જાણતા હતા કે પિતાને હમણાં એમની ખુબ જ જરૂર છે અને આ નવયૌવનાએ પોતે પણ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી. આ નિર્ણય વિશે જયારે મણિબહેન શ્રી વલ્લભભાઈને જણાવે છે ત્યારે વલ્લભભાઈ ખુબ જ દુ:ખી થાય છે, અને તેઓ ગાંધીજીને કહે છે કે તમે મણિબહેનને સમજાવો. પૂજ્ય બાપુ આ વિષયે મણિબહેન સાથે વાત કરે છે અને એમના દ્રઢ નિર્ણય ને મનોમન વંદન કરે છે. ત્યારબાદ પિતાનો પડછાયો બની શ્રી મણિબહેન પટેલ પોતાનું આખું જીવન દેશ માટે કુરબાન કરે છે. ચાલો આજે આ સરદાર પુત્રી વિશે વધુ જાણીએ.

ઈતિહાસ ગવાહ છે કે આપણને મોટી મોટી વાર્તાઓ ગમે છે. જે બડાઈ મારે એની ચર્ચાઓ પણ ઘણી થાય છે. રાવણના રાજ્ય વિષે ઘણું લખાયું છે. રામે લંકા પર જીત મેળવી અને વિભીષણને આ રાજ્ય સોપાયું ત્યાર પછી લંકાનું શું થયું એ વિશે લોકોને જાણ નથી. કારણ કે વિભીષણ કર્મ કરવામાં માનતા હતા, બડાઈ કરવામાં માનતા ન્હોતા. મણિબહેન પટેલ પણ લોકમાનસમાં ‘વિભીષણ’ના દુલારા નામે ઓળખાતા હતા. લોકો ને એમના માટે ખુબ જ માન હતું. એક નાનો કિસ્સો એમના વિશે જાણવા જેવો છે. દેશ પર જયારે ઇન્દિરાજીએ કટોકટી લાદી હતી તે સમયનો આ કિસ્સો છે. ત્યારે મણિબહેન સંસદસભ્ય હોવાથી દિલ્હીમાં રહેતા હતા. સંસદસભ્ય હોવા છતાં એમની પાસે કોઈ અંગત વાહન ન હતું, એક દિવસ એમને બે બહેનો મળવા આવ્યા. તેઓને મણીબહેને વિનંતી કરી કે, “તમે જો કૈલાસનગર તરફથી નીકળવાના હોય તો મને લેતા જાવ. મારે ત્યાં મારા ભાણેજને ત્યાં જવાનું છે.” આ બંને બહેનોએ તરત જ કહ્યું : “અમે એ તરફથી જ જઈ રહ્યા છીએ તમે સુખેથી અમારી સાથે બેસી જાવ.” જયારે મણિબહેનને કૈલાસનગર ઉતારી તેઓએ ટેક્ષીચાલકને આગળ જવા કહ્યું તો ડ્રાઈવરે પૂછ્યું કે પેલા ઉતરી ગયા એ માજી કોણ હતા ? જયારે બહેનોએ જણાવ્યું કે તેઓ મણિબહેન પટેલ છે, તો તરત તે ટેક્ષી ચાલકે નીચે ઉતરી મણિબહેન જે રસ્તે ચાલી ને ગયા હતાં તે ધૂળ માથે ચઢાવી, અને કહ્યું મણિબહેન દિલ્હી ના વિભીષણ છે. તેઓ વિનાની દિલ્હી લંકા કરતાય ખરાબ છે. આટલું માન હતું આપણાં આ સરદારપુત્રીનું.

પત્નીના નિધનના એકાદ વરસ બાદ શ્રી વલ્લભભાઈને બેરિસ્ટરના અભ્યાસ અર્થે બ્રિટન જઈ ભણવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બંને બાળકોને પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં મુંબઈ મોકલાવ્યા. જ્યાં મણિબહેનને ફાવ્યું નહિ. જયારે શ્રી વલ્લભભાઈ પાછા ભારત પાછા ફર્યા ત્યારે તેઓ મણિબહેનને લઇને અમદાવાદ આવ્યા. ત્યારે મણિબહેનની ઉંમર આશરે દસેક વર્ષ હશે. ૧૯૧૬માં શ્રી વલ્લભભાઈ ગાંધીજીને મળ્યા અને કલબના પત્તા છોડી રેટિયો કાંતતા થયા. ૧૯૧૭માં પ્લેગ ફાટી નીકળ્યો અને ૧૪ વર્ષની કાચી વયે જ મણિબહેને લોકસેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. અસરગ્રસ્તોની સહાય કરવા તેઓએ સર્વ પ્રથમવાર જાહેર જીવન માં પ્રવેશ કર્યો.

જયારે મણિબહેન હાઇસ્કુલની પરીક્ષાની તૈયારીઓમાં પડ્યા હતા ત્યારે બાપુએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. મણિબહેન ગવર્મેન્ટ સ્કુલ છોડી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યારબાદ ૧૯૩૦ સુધીનો તેમનો જીવનગાળો લોહપુરુષની જીવનગાથા સાથે જોડાયેલો છે. ૧૯૩૦માં વિદેશી છોડો સ્વદેશી અપનાવોની લડતમાં આ ઓછાબોલી, નબળીને અશક્ત લાગતી મહિલા કંઈક નવા જ સ્વરૂપે ઉભરી આવી. તેઓ એક નારી શક્તિને સ્વતંત્રતા સામે જગાડનાર પરીબળ પુરવાર થયા. ગાંધીજી પણ આ નવા મણિબહેનને જોઈને આશ્ચર્ય પામ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાનંી પેકેટીંગ આ કામોમાં મણીબહેને આગેવાની લીધી. બાપુ એમના કાર્યને બિરદાવતા એક પત્રમાં લખે છે કે “તારી આ કાર્યશક્તિ જોઈ મને ખરેખર નવાઈ લાગી.” મણિબહેનની ધરપકડ થઈ અને તેમને જેલમાં પણ પુરવામાં આવ્યા. જેલમાં જયારે મહિલાઓની ચૂડી ઉતારી લેવડાવવામાં આવી ત્યારે મણીબહેને સત્યાગ્રહ કરી સુતરની ચૂડી બનાવી.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં પણ તેઓ સામેલ હતા. મણિબહેન, ભક્તિબહેન, મીઠુંબહેન વગેરેની ટુકડીઓ ખેડૂતોને કર ન ભરવા સમજાવતી, આ બહેનો એ કર વિરુદ્ધ લાઠી ઝીલી.

૧૯૩૮માં રાજકોટની પ્રજાએ ત્યાંના ઠાકોરોએ કરેલ વચનભંગ સામે પૂજ્ય બાપુની મદદ માંગી. બાપુ કોંગ્રેસના કામમાં વ્યસ્ત હતા અને કસ્તુરબાની તબિયત નાદુરસ્ત હોવાથી બાપુ તેમને એકલા મોકલવા માંગતા ન હતા. ત્યારે મણિબહેન એમની સાથે જવા તૈયાર થયા, ત્યાં રસ્તામાં જ કસ્તુરબાની ધરપકડ કરવામાં આવી. કસ્તુરબાની નાજુક તબિયતને લીધે મણીબહેને જેલમાં તેમની સાથે રહેવા આગ્રહ કર્યો. પણ અમલદારોએ એમની વાત ના માની. તો મણિબહેન ઉપવાસે ઉતર્યા અને ત્યાં સુધી ના જંપ્યા જ્યાં સુધી તેઓને કસ્તુરબા સાથે ખસેડવામાં ના આવ્યા, ત્યાં જઈ બાના હાથે જ એમને ઉપવાસના પારણાં કર્યા. ૧૯૪૨માં ફરી તેઓ હિન્દ છોડો આંદોલનના કારણે જેલમાં ગયા. ૧૯૩૦ થી ૧૯૪૨ સુધી મણિબહેન મુંબઈની લગભગ બધી જ જેલમાં પુરાયા હશે, ઉપરાંત સાબરમતી, થાણા, યરવડા, આર્થર રોડ અને હિંડલગાની જેલમાં તેઓ એટલું લાંબુ રહ્યા હતા કે તે જેલોનો બધી સગવડોની માહિતી એમની પાસેથી મળી રહેતી. એમને મન ‘કમ ખાના અને ગમ ખાના’ જેલની સજા ભોગવવાની સફળ ચાવી હતી. આવા હતા આ સત્યાગ્રહી મહિલા.

સ્વતંત્રતા બાદ સરદાર દેશના ગૃહમંત્રી બન્યા. એમના માથે વિલીનીકરણનો વિકટ પ્રશ્ન હતો, આ સમયે મણિબહેન તેમના અંગતસચિવ તરીકે તેઓની સાથે રહ્યા. દિવસે દિવસે સરદારનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. તેઓ મણિબહેનને એક પત્રમાં લખે છે કે, “હવે મારું તેડું ગમે ત્યારે આવશે . તું તારું વિચાર. મારી પાસે તને આપવા કશું નથી. પણ તું જે કઈ કામ કરવા ઈચ્છે તે મળી શકે એટલું જરૂર કરી શકું.” ૨૫ ડિસેમ્બર ૧૯૫૦એ મહાન આત્મા સરદાર દેવલોક પામ્યા. પણ મણિબહેન જાહેરજીવનથી અલિપ્ત ના થયા.

૧૯૫૧માં તેમની નિમણૂંક નવજીવન ટ્રસ્ટ, કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, મહાદેવભાઈ દેસાઈ સ્મારક ટ્રસ્ટમાં ટ્ર્સ્ટી તરીકે કરવામાં આવી. અને ૧૯૫૨ની પ્રથમ ચૂંટણીમાં વોટ માંગ્યા વગર તેઓ જંગી બહુમતીથી ચુંટાઇ આવ્યા. ૧૯૬૪ થી ૧૯૭૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે દેશની સેવા કરી. ટ્રેનનો પહેલા વર્ગનો પાસ હોવા છતાં તેઓ હંમેશા ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા. કોંગ્રેસ દ્વારા થતી સરદારની અવગણનાથી દુ:ખી થઇ જયારે ૧૯૭૩માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એમણે કોંગ્રેસ છોડ્યું. જનતા પક્ષ તરફથી ૧૯૭૭માં ફરી એકવાર મણિબહેન મહેસાણાથી સૌથી વધુ મત મેળવી ચુંટાયા. ત્યારપછી એમને સક્રિય રાજકારણ છોડી દીધું. ૧૯૮૮માં બધાજ ટ્રસ્ટોમાંથી પણ રાજીનામું આપી. દીધું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું જ ગયું. ૨૬ માર્ચ ૧૯૯૦ માં ૮૭ વર્ષ ની ઉંમરે તેમનું અવસાન થયું.

બાપુએ આપેલા અગિયાર વ્રતોનું તેમણે આજીવન પાલન કર્યું. ભારતના રાજપથ સુધી પહોંચ્યા પણ તેઓ કદી આ વ્રત ના ચૂક્યા. રેંટિયો અને ખાદીને તેમણે આજીવન જાળવી રાખ્યા. આવા હતા આપણાં મણિબહેન પટેલ જેમણે માત્ર સરદારનો જ નહીં, ગાંધીજીના વ્રતોનો તેમજ કસ્તુરબાનો પણ સાથ ના છોડ્યો. આ પટેલપુત્રીના શિસ્તને, એમના દેશપ્રેમને, એનામાં રહેલી નારી શક્તિને સત સત વંદન.

લોહ પુરુષ નું લોઢું ટીપતાં
ગાંધીજીના વ્રતો ને પાળતાં
શિસ્તપ્રેમી મણીબહેન પટેલ
સાદગીના ગુમાને જીવન જીવી ગયાં

( દિવ્યા સોની “દિવ્યતા”)

પદ્મશ્રી અરૂણિમા સિંહા-દિવ્યા સોની “દિવ્યતા”

[અન્ય ચેનલોનો યુગ શરૂ થયા પછી દૂરદર્શન લગભગ નહીંવત જેવું જ જોવાય છે. થોડા દિવસ પહેલા એક સાંજે ટી.વી. શરૂ કર્યું અને ચેનલ સર્ફ કરતી હતી ત્યાં DD National પર એક પ્રોગ્રામ જોવા મળ્યો..” સ્ત્રી શક્તિ”. તે દિવસે પહેલી વખત અરૂણિમા સિંહાનું નામ સાંભળ્યું અને જ્યારે એના મુખેથી એના જીવન વિશે જાણ્યું ત્યારે એક તરફ પારાવાર દુ:ખ અને બીજી તરફ ગૌરવની લાગણી થતી હતી. દિવસો સુધી અરૂણિમાની કહાની મન અને મગજ પર છવાયેલી રહી. યોગાનુયોગ થોડા દિવસો પછી અરૂણિમા સાથે દિવ્યાને રૂબરૂ મળવાનો મોકો મળ્યો. અને આ લેખ સર્જાયો. “पंगुम लंघयते गिरिम”નું એકદમ સાર્થક ઉદાહરણ એટલે પદ્મશ્રી અરૂણિમા સિંહા. અરૂણિમાનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે.-હિના પારેખ “મનમૌજી”]
Arunima-1
.
Arunima-2
.
આજે ફરીવાર આ ઉગતા લેખક ને ઘણું લખવાની, વિચારવાની અને પ્રેરિત થવાની ઘટના સર્જાઈ, અનાયાસે.

આજ સુધી ઘણી સાહસિક વાર્તાઓ, સત્ય ઘટનાઓ વિષે વાચ્યું સાંભળ્યું હતું, પણ જયારે તમે આવા કોઈ મહાન વ્યક્તિત્વને મળો અને એમના અવાજમાં એમની એનર્જી ફિલ કરો, એમનો ઠસ્સો જુઓ એની અનુભૂતિ એકદમ અનોખી જ છે.

આપણા મગજમાં આપણી જાતને સંતોષવા પૂરતી વારંવાર આવતી એક લાગણી….હું જે પરિસ્થિતિમાં છું ત્યાં હું આનાથી વધારે શું કરી શકું ? જે કરું છું એ બીજાની સરખામણી એ ઘણું છે. આપણાથી કોઈ વધારે સફળ વ્યક્તિને મળીએ એમ થાય એને જો બે છોકરા ને આખા દિવસના કામ કરવા પડતા હોય ને તો ખબર પડી જાય. સાંજે આવી ઘર ની હાલત જોઈ જો પતિ કોઇ મજાક કરે તેય ઘણીવાર લાગી આવતું હોય છે. ઘણીવાર જાત ને જ એવું સમજાવવાની કોશિશ કે આ ફિલ્ડ મારું નથી તો હું કેવી રીતે આગળ વધી શકું ? આવા બધા અને બીજા કંઈ કેટલા બહાનાઓનાં તકિયાઓ નીચે બેઠેલા આપણને સૌ રાણીઓને સ્ત્રી શક્તિ, માતા જ બેસ્ટ, બિચારી બાયડી ઘર માટે કેટલા બલિદાન આપે, પોતાની જાત ઘસી નાખે જેવા ફોરવર્ડ્સ જાણે પોતાના માટે જ લખાયાં છેની જે વિચારધારા આપણા સૌનાં મનમાં વહે છે, એ ખોટી માનસિકતાને ધારદાર જવાબ આપતો ચહેરો આજે મને મળ્યો. એજ રીતે એમનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહિ પુરુષો, બાળકો કે કોઇ પણ ઉંમરની વ્યક્તિ માટે પણ એટલું જ પ્રેરણાદાયક છે. કે જીવનનો કોઇ અભાવ તમણે નિષ્ફળ બનાવવા માટે જવાબદાર નથી. જે ચાહો એ પામવા દ્રઢ મનોબળ કેળવતા શીખો.

રવિવાર ૧૦/૦૫/૨૦૧૫ સવારે એક મિત્રને મળી સાંજે અમે ન્યુજર્સીના ગાયત્રી મંદિરમાં ગયા, ત્યાં જવાનું મુખ્ય કારણ મારો પુત્ર ત્યાં ચાલતા એક ક્લાસ માં જાય છે એને પીક અપ કરવાનું હતું. બીજા ઘણાં મિત્રો સાથે અમે પણ ત્યાં પહોચ્યાં. જેવા મંદિર માં બેઠા ત્યાં એક સંતને કહેતા સાંભળ્યા કે આ જે મારી બાજુમાં બેઠા છે એને સાંભળો, એ એક સાંભળવા જેવી પ્રેરણાદાયી વ્યક્તિ છે. અને મને એની સાથે કંઈક એવો તાર જોડાયેલો લાગ્યો કે મેં એ લેક્ચર રેકોર્ડ કરવાનું વિચાર્યું અને હું મારી જાતની ઘણી જ આભારી છું કે મેં એ વિચાર તરત જ અમલ માં મૂક્યો.

આ વક્તા કોઈ સામાન્ય વક્તા ન હતા, એ હતા શ્રી અરુણિમા સિંહા. જેઓએ ૨૯ વર્ષની ઉંમરે પદ્મશ્રીનો ખિતાબ મેળવ્યો છે. હું એમને હાલતા ચાલતા ચમત્કાર તરીકે જ ઓળખાવીશ. એમણે બોલવાનું શરુ કર્યું. આજ દિન સુધી આ મહાન વ્યક્તિની યશગાથા મારા કાન સુધી પહોંચી ન હતી, ને જયારે એ પહેલી વાર સાંભળી ત્યારે શરીરનું શું, હૃદયનું ને મગજનું એકે એક રૂંવાડું રોમાંચિત થઈ ગયું. આ લખતા લખતા પણ એવી જ લાગણી અનુભવું છું.

એમના વિષે ટુંકમાં કહીશ તો એમનો જન્મ ૧૯૯૮ માં ઉત્તરપ્રદેશ માં થયો. તેઓ ૨૦૧૧ માં જયારે રાષ્ટ્રિય સ્તરના વોલીબોલ ખેલાડી હતા ત્યારે CIFSની પરીક્ષા ની તૈયારીના કામ અર્થે રેલ્વેની મુસાફરી કરી રહ્યાં હતાં. આ સફર દરમિયાન તેમના કોચમાં ચડી આવેલ ચોર ટોળકીને કંઈપ ણ આપવાની ના પાડતાં, એ ચોરોએ ક્ષણના વિલંબ કે પળ ના ખચકાટ વગર એમને ચાલુ ગાડીએથી બહાર ફેંકી દીધાં. એ જ સમયે બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાતાં દુર્ઘટનામાં એમણે એમનો એક પગ ગુમાવ્યો અને બીજા પગમાં તથા હાથ ખૂબ જ ખરાબ ફ્રેકચરનો ભોગ બન્યો, આવી દુ:ખદ પરિસ્થિતિમાં રેલ્વેના બે પાટાની વચ્ચે તેઓ પોતાનું શરીર સમેટી આખી રાત પડ્યા રહ્યાં. સવારે ગામના લોકો એમને એક નાના દવાખાનામાં લઇ ગયા, જ્યાં એન્સ્થેસિયા કે ઓક્સિજન વગર મુંઝવણમાં પડેલા ડોક્ટરને અરુણિમાએ કહ્યું, “જો હું આખી રાત આ હાલત માં ગુજારી શકી તો આ દર્દ પણ સહી લઈશ. તમે તમારે ટ્રીટમેન્ટ શરુ કરો.” અરુણિમા નો આવો જુસ્સો જોઇ ડૉક્ટર અને હોસ્પિટલ ના અન્ય કર્મચારીઓ એને પોતનુ લોહિ આપવા તૈયાર થયી ગયા. આ નાની હોસ્પિતલમા શક્ય હતી એટલી સર્વાર આપી અરુણિમાને નજીકનાં શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડાયા. ત્યાં સુધી મીડિયા એ તેમના પર ટીકીટ વગર સફર કરવાને લીધે ટ્રેન માંથી કુદ્યાનો ગુનો મૂક્યો હતો, જેમ તેમ કરી એની સામે અરુણિમા એ લડત આપી સાચા સાબિત થયા ત્યાં મીડિયા એ ફરી નવો તુક્કો મુક્યો કે એમણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. અરુણિમા સિંહાના અંગો જ નહિ, હૃદય પણ આ દુનિયાના અમાનુષી વ્યવહારથી થાક્યું હોય એમ એણે ચુપકીદી સાધી, પોતાના મગજમાં ચાલતી આંધીને પોતાની અંદર ધરબી દઈને એમણે એક નિર્ણય લીધો.

એ નિર્ણય હતો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. લોકો અરુણિમાને ધૂની અને પાગલનો ખિતાબ આપી રહ્યા હતા, તો બીજી તરફ રેલ્વે એમને સુસાઈડ કરવાની કોશિષ કર્યાના ગુના હેઠળ જુર્માંનો ભરવાની કોર્ટ દ્વારા માંગ કરતી હતી. તેવા સમયે અરુણિમાએ પગની ટ્રીટમેન્ટ લેતાં લેતાં યુવરાજ સિંહની કેન્સર સામેની સફળ લડતથી પ્રેરણા મેળવી અને પોતાને શારીરિક ખામી હોવા છતાં એવરેસ્ટ ચડવાનું પ્રણ લીધું. એમને એ સાબિત કરવું હતું કે લોકો એમને જોઈને “આ છોકરી હવે જીવનમાં શું કરશે ?” ના સહાનુભૂતિ સભર સવાલને બદલે આવો થનગનતો પ્રશ્ન પૂછે કે, “આ છોકરી જીવનમાં શું નહીં કરી શકે ? તેઓ ટ્રીટમેન્ટની પૂરી થતાં જ હોસ્પિટલથી સીધા ભારતના એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ ને મળ્યા. એમના આ સાહસ ને સમજનારા અરુણિમાના કુટુંબ સિવાયના પહેલા વ્યક્તિ છે એવરેસ્ટ સર કરવાની અરુણિમાની મહેચ્છા છે તે જાણીને બચેન્દ્રી પાલ પણ રડી પડે છે અને કહે છે : “અરુણિમા તારી આ પરિસ્થિતિમાં તું એવરેસ્ટ જેવા પહાડ વિષે વિચારી શકી ત્યાંજ તેં તારા મનનો એવરેસ્ટ સર કરી લીધો. હવે કરીશ તે માત્ર દુનિયાને બતાવવા માટે. આ પછી અરુણિમાનું જીવન “જ્યાં ચાહ ત્યાં રાહ” કહેવતને જાણે તથાસ્તુ કરતું હોય એવું છે. એમ નથી કે એ રાહ સહેલો હતો, એ રાહ પણ કદાચ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા જેટલો જ કઠિન હતો. પણ “નો પેઇન નો ગેઇન” કહેવતને ભૂલ્યા વગર તેઓ પોતાની મંઝીલ તરફ આગળ વધતા જ રહ્યા.

જે છોકરીએ અપ્રિલ ૨૦૧૧ માં જ પગ ગુમાવ્યો છે એ પોતાના મનોબળને પ્રતાપે અપ્રિલ ૨૦૧૩માં પોતાની એવરેસ્ટ સર કરવાની ફાઈનલ ટ્રેઈનીંગ પૂરી કરી શકે છે. અને મે ૨૦૧૩ માં ૫૨ દિવસનો તનતોડ, મનતોડ અને જીગરતોડ પ્રવાસ ખેડી માઉન્ટ એવરેસ્ટની ટોચે ભગવાનનો આભાર માનવા પહોંચી જાય છે. આ ચમત્કાર નથી તો બીજું શું ?

એમનું પુસ્તકનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાતે વિમોચન કર્યું છે. “બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટન”એ પુસ્તક વાંચીને હૃદયમાં જન્મેલાં થોડાં સવાલોના જવાબ શોધવા છે. પુસ્તક વાંચી કદાચ આ વિષય ઉપર ફરી લખીશ. પણ ત્યાં સુધી મારામાંના લેખકને આ મહાન વીરાંગના ઉપર લખતાં રોકવો મારા માટે અશક્ય જ હતું. તેઓને પદ્મશ્રી એવાર્ડ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. તેઓ આટલેથી અટક્યા નથી હવે એમણે પોતનું ધ્યેય વિસ્તાર્યું છે. હવે તેઓ દુનિયાના સાત સૌથી મોટા ખતરનાક ગણાતા શિખરો સર કરવા માંગે છે. અને હું આ જયારે લખું છું ત્યાં સુધીમાં તેઓ એ સાતમાંના ચાર શિખરો તો સર કરી જ લીધા છે. તેઓ બાકીના ત્રણ શિખરો પણ જલ્દીજ સફળતાપૂર્વક સર કરે એવી શુભકામનાઓ સહ હું એમના મનોબળને હૃદયથી વંદન કરું છું. આ સાથે તેઓ સમાજનું આપેલું સમાજને અર્પણ કરતા હોય એમ કુદરતી હોનરતોમાં સહાયતા , સ્ત્રી શિક્ષણ, સલામતી , અપંગ સહાય, રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માંગતી બહેનોને સહાય જેવા બીજા ઘણા લોક સેવાના કાર્યોમાં સતત કાર્યરત રહે છે.

મને અરુણિમાના જીવનયાત્રા ના બધા જ પહેલુ ખૂબ જ ગમ્યાં. જીવનના કોઈ પાસામાં તેઓ નબળા પડતા જ નથી. તેઓ એમના જીવનનો અત્યાર સુધીનો દરેક દિવસ એ એક વીરાંગના તરીકે જ જીવ્યા. રાષ્ટ્રિય કક્ષાના વોલીબોલ પ્લયેરથી માંડીને એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. હું એમને અપંગ નહીં કહીશ કારણ કે એમના જેટલી શક્તિશાળી મનોબળ ધરાવતી વ્યક્તિને હું હજુ સુધી મળી નથી. હું એમની આ સફળતાને જ નહીં એમના દરેક દિવસને શાબાશી આપું છું. માત્ર એટલા માટે નહીં કે તેઓ એક સ્ત્રી છે, પરંતુ એટલા માટે કે એમનામાં એક દ્રઢ મનોબળ જીવે છે.

અરુણિમાના જીવનમાંથી થોડી પ્રેરણા લઈએ, અને આપણી કમજોરીઓને આગળ ધરવાને બદલે એને જ આપણી તાકાત બનાવીએ તો ચોક્કસ આપણે આપણું જીવન અનેરાં આત્મવિશ્વાસથી જીવી શકીશું.

એમણે કહેલી થોડી વાતો મને ખૂબ જ ગમી ગઈ છે જે હું અહીં ટાંકુ છું.

• “હું પગથી ક્યારેય ચાલી જ નથી, હું હમેશા મારા હ્રદયથી, મારા મનોબળથી ચાલું છું”.

• “આપણાં જીવનનું સૌથી મોટું જોખમ એ છે જયારે આપણે જીવનમાં કોઈ જોખમ નથી લેવા માંગતા”.

• “જો એવરેસ્ટ સર કરવો હોય તો પહેલા મનોબળ દ્રઢ કરવાનો એવરેસ્ટ ચઢો ”

• “જ્યારે તમે પરિસ્થિતિ સામે લડશો ત્યારે જ તમારા માટે માર્ગો ખૂલશે અને ત્યારે જ ભગવાન તમારો હાથ ઝાલશે”.

• “શરીરની વિકલાંગતા કરતા મનની વિકલાંગતા ખરાબ છે”.

• “જયારે સમાજ પર તમારા કહેવાની અસર થતી નથી ત્યારે જે કહો છો એ કરીને બતાવો ”

અને મારા જેવા સ્ટ્રગલર માટે થોડાં અમૂલ્ય મોતીઓ જે એમનાં મોઢેથી સર્યા…

• “લોકોની નિંદા ને તમને હસી કાઢનારાઓના પેંતરાઓને ઈંટ માની એનાથી જ તમારા સપનાની દુનિયા રચો”.

• “જયારે દુનિયા તમારા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોને જોઈ તમને ગાંડામાં ખપાવે ત્યારે સમજો એ ધ્યેય તમારાથી બહુ દૂર રહ્યું નથી”

• “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો”

અભી તો ઇસ બાઝ કી અસલી ઉડાન બાકી હે
અભી તો ઇસ પરીંદે કી ઇમ્તિહાન બાકી હે
અભી અભી તો મેને લાંઘા હૈ સમુન્દરોં કો
અભી તો પૂરા આસમાન બાકી હે.

( દિવ્યા સોની “દિવ્યતા” ‌)

ઘટના-રશીદ મીર

હવાની પીઠ પર ખુશ્બુ સવાર થઈ ગઈ છે
ન જાણે રાત પણ ક્યારે પસાર થઈ ગઈ છે

તમામ રાત તિખારા સમી હતી ઘટના
અને એ વહેલી સવારે તુષાર થઈ ગઈ છે

અમેય દર્દની મર્યાદા જાળવી છે, મગર
પડી ના ચીસ તો એની પુકાર થઈ ગઈ છે

બધાય ઝખ્મ અમે એમ દૂઝતા રાખ્યા
ખબર પડી જ નહીં સારવાર થઈ ગઈ છે

મળે તો ‘મીર’ મળે ક્યાંથી કાફલાના સગડ
ચરણની છાપ હવામાં ગુબાર થઈ ગઈ છે

( રશીદ મીર )

ખબર જ છે-ભાવેશ ભટ્ટ

મળવાની છે ચોમેરથી નફરત ખબર જ છે
શ્વાસોય મળે છે મને ઉદ્ધત, ખબર જ છે

અફસોસ નથી, થાય જો અપમાન અહિંયા
મારી હતી ત્યાં કેટલી ઈજ્જત ખબર જ છે !

એ રોજ કહે છે કે ‘હું સિદ્ધાંત ન તોડું’
ને રોજ કરાવે છે મરમ્મત, ખબર જ છે !

નાદાન હશે એનાથી અંજાઈ જવાના
આપણને તો અજવાશની આદત ખબર જ છે !

કોઈએ જગત નામે કરેલી છે મજાક આ
આ તો ફક્ત બે ઘડી ગમ્મત, ખબર જ છે !

( ભાવેશ ભટ્ટ )