કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે દિવ્યભાસ્કર દૈનિકમાં સબ-ઍડિટર તરીકે (૨૦૦૯ થી ૨૦૧૧), મીડ-ડેમાં સિનિયર સબ-ઍડિટર તરીકે (૨૦૧૧ થી ૨૦૧૨), ગુજરાત સમાચારમાં સબ-ઍડિટર તરીકે (૨૦૧૨ થી ૨૦૧૩) કામ કરેલ છે. વચ્ચે તેમણે અભિયાન મૅગેઝિનમાં રિપોર્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૩ થી જુન ૨૦૧૩) પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાજકોટ ખાતે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત છે. કવિ કુલદીપ કારિયાએ સાહિત્ય સર્જનનો પ્રારંભ માત્ર તેર વર્ષની ઉંમરે કર્યો હતો. ૨૦૧૩માં તેમની ગઝલ (ઝાટક્યો પલંગ ત્યાં તરત બ્હાર નીકળ્યા, ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા) પહેલી વાર ગુજરાતના પ્રશિષ્ટ સામાયિક ‘નવનિત સમર્પણ’ માં પ્રકાશિત થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની રચનાઓ નિયમિતપણે ગુજરાતના શિષ્ટમાન્ય સામાયિકો શબ્દસૃષ્ટી, ગઝલવિશ્વ, કવિલોક, કવિતા વગેરેમાં પ્રકાશિત થતી આવી છે. તેમણે કવિતાના ગીત, ગઝલ અને અછાંદસ જેવા કાવ્યપ્રકારોમાં કામ કર્યુ છે. નવેમ્બર ૨૦૧૫માં તેમણે સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ‘યંગ રાઈટર ફેસ્ટિવલ’માં ગુજરાતી ભાષાના પ્રતિનિધી તરીકે કાવ્યપાઠ કરેલ છે.
મો. નં. 9409404796
E-Mail ID: kuldeepkaria@gmail.com