એક કામ પતે-ભાવેશ ભટ્ટ

અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે
તમે મને ન બચાવો તો એક કામ પતે

કરી શક્યો નહીં સાબિત વજૂદ તું તારું
‘નથી’નો આપ પુરાવો તો એક કામ પતે

ધરા ઉપર જે પડ્યો છે યુગોનો ગુંચવાડો
કોઈ ઉકેલ જો લાવો તો એક કામ પતે

સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ
નજર તમારી હટાવો તો એક કામ પતે

ગુનો કરે ન ફરી ક્યાંય શ્વાસ બનવાનો
હવાનું નાક દબાવો તો એક કામ પતે

( ભાવેશ ભટ્ટ )

Leave a comment