દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત

કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા,
નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે !
હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું;
ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે !

સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો;
કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ?
કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ?
કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને વહે ?

કોણ ત્યાગી રહ્યું યશોધરા ‘ને રાહુલને ?
કોણ કર પાત્ર લઈ ભિખ્ખુ ભમે છે નગરે ?
ધરે છે ધ્યાન બોધિસત્વ નીચે કોણ ભલા ?
કોણ ચાહી રહ્યું છે સર્વને કૃપા નજરે ?

આ કોનાં રક્તનો પ્રવાહ થૈ ગયો છે સડક ?
કોણ ઠોકી રહ્યું છે અંગ પર અસંખ્ય ખીલા ?
કોણ સૂતું છે અહીં વૃક્ષ-થડે પીઠ દઈ ?
કોણ છોડે છે તીર ? કોણ કરે પૂર્ણ લીલા ?

આ ધરે કોણ વિષનું પાત્ર અને કોણ ગ્રહે ?
કોણ આ તરફડે છે ? કોણ એ અમૃત કરે ?
કોણ છાતીએ ધરી હાથ, મુખે ‘રામ’ વદે ?
આ કોનો હાથ ગોળી છોડીને અટ્ટહાસ્ય કરે ?

( વીરુ પુરોહિત )

રહ્યો છું-દિનેશ ડોંગરે

બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું,
હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું.

જીવન આખું એવું વિવાદીત રહ્યું કે,
નિરંતર જગતની નજરમાં રહ્યો છું.

બધાને જ આશ્ચર્ય એ વાતનું છે,
અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ?

એ માણસને રોગી નહીં તો કહું શું ?
સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું.

કદી આંખથી એના પીધી હતી મેં,
હજી પણ હું એની અસરમાં રહ્યો છું.

સૂકા વૃક્ષ પર પર્ણ જોઈને ‘નાદાન’,
હજી, આજલગ આ નગરમાં રહ્યો છું.

( દિનેશ ડોંગરે )

અનંત રાઠોડ

શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પાસ કર્યું. ત્યાર બાદ ૨૦૧૧માં તલોદ (સાબરકાંઠા)ની શ્રીમતી એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજમાં બી.એસ.સીના અભ્યાસ માટે જોડાયા. ૨૦૧૨માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવી ૨૦૧૫માં બી.એસ.સી (રસાયણ શાસ્ત્ર)ની ડીગ્રી મેળવી. ૨૦૧૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃતના અભ્યાસ માટે જોડાયા પણ કેટલાક કારણોસર અભ્યાસ અધૂરો છોડ્યો.

ધોરણ ૭માં નવલકથા અને કવિતાના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. પહેલી કવિતા ધોરણ ૭માં લખી. ધોરણ ૧૦માં પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી. તેમનું પ્રથમ કાવ્ય “જનસત્તા દૈનિક”માં પ્રગટ થયું હતું. તેમના સર્જનાત્મક વ્યક્તિત્વના ઘડતરમા હિંમતનગરના સરકારી જિલ્લા પુસ્તકાલયનો અગત્યનો ફાળો રહ્યો. કોલેજમાં આવ્યા બાદ તેમની ગઝલો અન્ય ગુજરાતી સામાયિકો ગઝલવિશ્વ, ધબક, કવિલોક, કુમાર, શબ્દસૃષ્ટી, પરબ, પરિવેશ તાદર્થ્ય, છાલક, કવિતા, કવિતાચયન-૨૦૧૩ વગેરેમાં સ્થાન પામી. ૨૦૧૩માં યોગેન્દુ જોશી સંપાદિત પુસ્તક “લઈને અગિયારમી દિશા”માં તેમની ગઝલો પ્રકાશિત થઈ. ૨૦૧૬માં મોરારીબાપુની રામકથા અંતર્ગત અબુધાબી (યુ.એ.ઈ.) કાવ્યપાઠ માટે જવાનો મોકો મળ્યો. આકાશવાણી અને દૂરદર્શનમાં તેમણે ઘણી વખત કાવ્યપાઠ કર્યો છે.

તેમના ઘડતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતેની બુધસભાનો ફાળો વિશેષ છે, જ્યાં તેઓ ૨૦૧૨માં જોડાયા. સૈદ્ધાંતિક વિવેચનનું વાંચન અને પૂર્વ-પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ તેમની રસની પ્રવૃત્તિઓ છે.

E-Mail ID: gazal_world@yahoo.com