કબીરાઈ-સલીમ શેખ ‘સાલસ’

શબદને પામવા ના કામ લાગે છે ચતુરાઈ,
મરમને તાગનારાઓ જ પામે છે કબીરાઈ.

તમારો તાજ આલીશન પણ તમને મુબારક હો,
અમે તો બાદશાહીમાં ધરી છે આ ફકીરાઈ.

વિખેરાઈ ગયો, તો લેશ પણ ના રંજ છે ભગવંત,
થયા કણકણ પછી તારી અમે પામ્યા અખિલાઈ.

પઢા પોથી, બના પંડિત, ગયા કાશી, ગયા કાબા,
છતાં આ પ્રેમ નામે ભોગવે છે કાં ગરીબાઈ ?

નથી હોવાપણું નિર્ભર ફક્ત શ્વાસો ઉપર “સાલસ”,
અહીં બેભાન પણ શ્વાસો થકી આપે સબૂતાઈ.

( સલીમ શેખ ‘સાલસ’ )

નિહાળીને-સાહિલ

નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો,
પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો.

હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે,
જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો.

કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ,
હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો.

જે તૂફાન સામે ધસી ગયો-પહોંચી ગયો એ કિનારે પણ,
એ કિનારા સામે ડૂબી ગયો જે પવન પ્રમાણે ફરી ગયો.

મને માર્ગમાં મળ્યા સાથીઓ વિશે એટલું જ કહી શકું,
જો કોઈ ઉજાસ હરી ગયો તો કોઈ ઉજાસ ભરી ગયો.

અરીસોય કોઈ અજાણ્યા જેમ જ તાકતો રહ્યો છે મને-
હરિ આવ્યો-આવીને દરમિયાની તમામ પર્દા હરી ગયો.

અમસ્તી નથી થઈ ગાઢ ‘સાહિલ’ મિત્રતા મઝધારથી,
મને જોતાંવેંત કિનારાથી કિનારો કિનારા કરી ગયો.

( સાહિલ )