દોસ્ત! વાત મારી તું માન-અનિલ ચાવડા

દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન…
.
સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…
.
આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ પ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
.
( અનિલ ચાવડા )
Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.