.
કહો ને! ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો!
.
હંમેશા એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બ્હાર તો ઘોંઘાટ હોવાનો!
.
લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું;
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો!
.
કરું છું બંધ મુઠ્ઠીને, સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો!
.
ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જિવાયું છે,
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો!
.
( હિમલ પંડ્યા )
ખૂબ આભાર