
જેટલું કોઈ ગરજતું હોય છે,
એટલું એ ક્યાં વરસતું હોય છે.
.
કોક’દિ આવી ચડે કોઈ સ્મરણ,
કેટલી પીડા સરજતું હોય છે.
.
એક પરપોટો હતો ફૂટી ગયો,
કાંઈનું ક્યાં કંઈ ઊપજતું હોય છે.
.
જીવ નાદાની કરી લે છે કદી,
મન બધી વાતે સમજતું હોય છે.
.
આયનો એકીટસે જોયા કરે,
જો કોઈ શણગાર સજતું હોય છે.
.
આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ,
શબ્દનું કેવું નીપજતું હોય છે.
.
( તુરાબ ‘હમદમ’ )