હિન્દુ ધર્મમાં શ્રદ્ધાનો અર્થ છે – ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ. શ્રદ્ધા વગર કોઈ પણ પૂજા, જપ કે પ્રાર્થના પૂર્ણ મનાતી નથી.
.
ભગવદ્ ગીતા કહે છે કે જે કોઈ શ્રદ્ધાથી ભગવાનને સ્મરે છે, તેની ભક્તિ નિષ્ફળ નથી જતી. શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ નહીં, પણ હૃદયથી ઊંડો વિશ્વાસ કે ભગવાન મારા રક્ષક છે અને મારી પ્રાર્થનાને સાંભળે છે.
.
જે ભક્ત શ્રદ્ધાથી પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે, તેનાં જીવનમાં શાંતિ, શક્તિ અને આશીર્વાદનો પ્રવાહ આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે – શ્રદ્ધા વિના ભક્તિ નથી, અને ભક્તિ વિના મુક્તિ નથી.
.
આવા જ એક શ્રદ્ધા સાથે જોડાયેલા ઈતિહાસને આજે યાદ કરવો છે. વલસાડમાં સંવત ૧૮૬૨ના ભાદરવા વદ સાતમે અનાવિલ કોમના દેસાઈ રૂઘનાથજી લાલભાઈના ધર્મપત્ની મીઠીબાઈ પોતાના પતિની પાછળ સતી થયા હતા. હાલ સંવત ૨૦૮૧ ચાલી રહ્યું છે. એટલે કે આ વાતને ૨૧૯ વર્ષ થયા. પરંતુ હજુ આજે પણ વલસાડે આ સતીમાતાનું માન જાળવ્યું છે અને તેમને એક માતા તરીકે જ માનવામાં અને પૂજવામાં આવે છે.
.
તેઓ જે જગ્યાએ સતી થયા હતાં તે તરીયાવાડમાં સતીમાતાનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ છે. જેમાં સતીમાતા ઉપરાંત બાલેશ્વર મહાદેવ (જેનો ઉલ્લેખ સતીમાતાના ગરબામાં કરવામાં આવેલ છે), હનુમાનજી, ગણપતિ અને અન્ય એક સતીમાતાનું મંદિર આવેલું છે. આસો સુદ આઠમ એટલે કે નવરાત્રીની આઠમે સતીમાતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. વલસાડ અને આજુબાજુના વિસ્તારના લોકો આઠમને દિવસે સવારે પહેલા પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા જાય છે. અને વળતા સાંજે સતીમાતાનાં મેળે જાય છે.
.
સતીમાતા જ્યાં રહેતા હતા ત્યાં હનુમાન શેરીમાં હજુ પણ તેમના વંશજો રહે છે. આઠમના દિવસે તેમના ઘરે હવન અને નૈવૈદ્ય થાય છે. નવરાત્રી પછી આસો સુદ અગિયારસના દિવસે હનુમાન શેરીમાં સતીમાતાનો ગરબો ગવાય છે. શરૂઆત ગણપતિના ગરબાથી થાય છે. પછી સતીમાતાનો ગરબો ગવાય છે. જેમાં વિસ્તારથી સતીમાતાનાં જીવન વિષે અને તેમના સતી થવા વિશેના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. આ ગરબો બ્રાહ્મણો દ્વારા ગાવામાં આવે છે. અને માત્ર પુરુષો આ ગરબો રમી શકે છે. ખૂબ જ પરંપરાગત રીતે અને સાદાઈથી આ ગરબો થાય છે.
.
.
આ વિષે જરૂરી માહિતી સતીમાતા કુટુંબના જનકભાઈ, તેજશભાઈ, કેતનભાઈ, નિયતીબેન, દર્શનાબેન વગેરે પાસેથી મને મળી છે. સતીમાતાનો ગરબો તથા તેનો વિડીયો લેવાની અનૂકૂળતા કરી આપવા બદલ હું સતીમાતા પરિવારનો આભાર માનું છું.
.
આ વલસાડનો એક ઈતિહાસ છે, વારસો છે, ત્યાગ-સમર્પણ અને સતીત્વની વાત છે, શ્રદ્ધાની વાત છે. જેમાં કોઈ તર્ક કે વિચારને સ્થાન નથી. તમે માનો તો સતી એ માતા છે.
.
( હિના એમ. પારેખ )
.
શ્રી ગણપતિનો ગરબો
.
પ્રથમે ગજાનન વિનવું ને, પ્રેમે લાગું પાય રે ..
ઉમિયા અંગથી ઉપન્યા તે, શંકર સુત કહેવાય…
ગણપતિ સેવો ને.
.
સકલ પ્રારંભે આધ્ય ગજાનન પૂજન સઘળે થાય રે–
શીશ અનૂપમ મુગર બીરાજે, પીતાંબર ધર્યું. કાય…
ગણપતિ સેવો ને.
.
ચતુર ભૂજ ચંચળ બે લોચન, લંબોદર કહેવાય રે
સીંદુર લેપન ચરચિત અંગે, પુષ્પ સેવંત સોહાય
ગણપતિ સેવો ને.
.
રૂમઝુમ ચરણે નેપુર વાગે, નાદ અનૂપમ થાય રે
મૂષક વાહન મોદિક ભોજન, સુધ્ધ બુધ્ધ નાર કહેવાય
ગણપતિ સેવો ને.
.
કૃપા કરો ગણરાય વિનાયક, કૃપાનિંધી કૃપાળ રે
સંકટ ચોથનો મોટો મહિમા, સંકટ નિવારણ થાય.
ગણપતિ સેવો ને.
.
ભાવે ભજે મનવાંછિત આપે, વિદનો દૂર પલાય રે—
સેવક જન તમ ચરણ પ્રપ્રતાપે, પ્રેમે ગરબો ગાય-~-
ગણપતિ સેવો ને.
.
વલસાડના સતી માતા શ્રી મીઠીબાઈનો ગરબો
.
પ્રથમ શિવસુત નંદકુમારને ચરણે નમું શીશ રે,
સતી તણો મહીમા વિસ્તારૂં સહાય થજો જગદીશ રે,
અંબે તું સાચી,
માંહે મોટાં રાખ્યાં રે ધીર, કાયા છે કાચી
.
આગળ કવિજન થઈ ગયા મોટા, મારી બુધ છે થોડી રે,
તેહ તણી કિરપા થઈ મુજને, આ લીલા મેં જોડી રે, અંબે….
.
ભાદરવા વદ ષષ્ઠી શનીએ, રાત રહી મધરાત રે,
સ્વામી તણી આતુર વેળાએ, મન કર્યો વિચાર.
સંવત અઢારસો બાંસેઠને ભાદરવા વદ સાત રે…
રોહિણી નક્ષત્ર ને ભાનુ સપ્તમીએ, સત ચઢ્યું નિરધાર, અંબે….
.
દેસાઈ કુંવરજી, જઈને વિનવે તમને ન ઘટે એહ રે,
આ જુગનો મહિમા છે ખોટો હાસ્ય થશે તતખેવ – અંબે….
.
વચન સાંભળી માતા વદે છે, મારે જવું નિરધાર રે,
રૂદરજી, વશનજી તમને સોપ્યાં, સહાય થજો મહારાજ; અંબે….
.
માતાનું જો વચન સાંભળી, જોશી ભટ્ટ તેડાવ્યા રે,
મારે જવું સ્વામીની સંગે, સામાન સર્વે મંગાવો રે; અંબે…..
.
નારણ ભટ્ટ તે એમ કહી બોલ્યા, કાગળ ખડીયા મંગાવો રે,
દેસાઈ કુંવરજીએ આજ્ઞા કીધી, ઘેરથી પત્ર મંગાવ્યો રે; અંબે….
.
નારણ ભટ્ટ તો ઘેર આવીને, પુસ્તક સર્વે ખોળે રે…..
વિધિ તણા જો પત્ર જ લઈને, સામાન સર્વે મંગાવ્યો રે, અંબે….
.
ચોળી, ચૂંદડી, શ્રીફળ મંગાવો, ફોફળ મંગાવો સાર રે,
અબીલ, ગુલાલ, અનુપ મંગાવો, કપૂર મંગાવો નિરધાર, અંબે…..
.
કુમકુમ નાડાછડી મંગાવો, છાબડી મંગાવો બાર રે..
અષ્ટ સૌભાગ્યનું સુપડું મંગાવો, રેજ મંગાવો બાર, અંબે…..
.
મોડ મંગાવો ને હાર મંગાવો, પોત મંગાવો સાર રે,
સિંદુરીયા કંકાવટી મંગાવો, કાંસકી મંગાવો બાર અંબે….
.
કાવરી મંગાવો, આરસી મંગાવો, ચાંલ્લા મંગાવો બાર રે
તેહ પ્રમાણે સામાન મંગાવો પત્ર લખ્યો નિરધાર, અંબે…..
.
ચીખલી મધ્યે માણસ મોકલો, ભાઈને કરાવો જાણ રે,
જો મળવાની ઈચ્છા હોય તો, આવી મળો નિરધાર, અબે…….
.
નિશા સર્વે વહી ગઈ, ને પ્રેમે થયુ પ્રભાત રે.
સૂર્યનારાયણ પ્રગટ થયા, ત્યારે સૌ જન કરે વિચાર, અંબે….
.
ઘરમાંથી માતાજી નિસર્યા, આવ્યા કુપની પાસ રે,
સ્ત્રીઓ સર્વે ટોળે મળીને માતાને નમે શિશ, અંબે….
.
બત્રીસ વૃક્ષના દાતણ મંગાવ્યા, નીર મંગાવ્યા સાર રે,
દંત ધાવન જો કરી ઉઠીને, સૂર્યને લાગ્યાં પાય, અંબે…
.
સ્નાન કરી રામેશ્વર જઈને પૂજા કીધી સાર રે,
મારે જવું સ્વામીની સંગે આવી થાજો સહાય, અંબે…..
.
ગોર ઘામટની પૂજા કરીને ધેનુના દીધાં દાન રે,
સાત પ્રદક્ષિણા ભાવે ફરીને મુખે વદ્યા શ્રીરામ, અંબે…..
.
સાંકરબાઈને સાડી પહેરાવી, ભટાણીને ઘરચોળું રે,
ગોરાણીને સાડી સાંગલું, આપીને લાગ્યા પાય, અંબે…
.
હાલરથી વળી વહુને તેડાવી, પુત્રી લીધી હાથ રે,
પાંચ રૂપૈયા રોકડા આપી, મસ્તક મૂકયો હાથ, અંબે….
.
માતા ઘરમાં પરવર્યાને, બેઠાં સૂર્યની સામા રે,
ગોરાણી ભટાણીને તેડી, તતક્ષણ ભોજન કીધાં રે, અંબે…..
.
નાગરવેલનાં બીડલાં પ્રાસ્યાં કુમકુમ લીધાં હાથ રે,
પૂર્વ દ્વારે છાપા દઈને, ચાલ્યાં પશ્ચિમ દ્વાર,અંબે…..
.
કર મધ્યે નાળિયેર જ લઈને, આવ્યાં સ્વામીની પાસ રે,
સાત પ્રદક્ષિણા ભાવે ફરીને, માતા નિસર્યા બહાર, અંબે…
.
કુમ કુમ કેરા છાપા દઇને, કુમ કુમ છાંટયા સાર રે,
ચાર ખુણાનો દિપક કરીને, ધીની કીધી મસાલ, અંબે…….
.
ઢોલ નાદ ને ભેરી વાજે, વૈષ્ણવ ગાય બહુ જન રે,
અબીલ ગુલાલ સૌ જન પર ઉડે, અંબાના ગુણ ગાય, અંબે…..
.
જય જય અંબે, જય જગદંબે, મોટી તું ભવાની રે,
આ કળી જુગમાં ધીરજ રાખી, સાચી તું ભવાની રે અંબે….
.
માતાજી ઘરમાંથી નિસર્યા, આવ્યા અંબાની પાસ રે,
પ્રણામ કરી વાણી ઓચરિયાં, માતા ! થાજો સહાય, અંબે…..
.
સરકાર વાડામાં આવી કરીને, ઊભાં રહ્યાં તતખેવ રે,
રણછોડદાસને જાણ કરાવ્યું, આવી મળ્યા નિરધાર, અંબે….
.
સરકાર વાડેથી ચાલી કરીને, આવ્યા ગણપતિ દ્વાર રે,
ઈષ્ટદેવ તું કહીએ સાચો, સિદ્ધ થયાં સૌ કાજ, અંબે….…
.
ઉભે ચૌટે માતા પધાર્યા, પછવાડે સહુ જન રે,
પાન ફુલ લઈ વાણિયા વધાવે, માતાને લાગે પાય, અંબે…
.
કંસારવાડેથી આગળ ચાલ્યાં, પારસી વધાવે મોતી રે,
સતી તો ઘણી સાંભળી, પણ આવી ધીરજવાન ન દીઠી રે, અંબે….
.
ચોરે જઈ બેસી કરીને, સ્વામી સન્મુખ રાખ્યા રે,
ભાઈસાને તેડી કરીને, સુરભાઈ તેને સોંપ્યો રે, અંબે….
.
ગામે ગામનાં લોક જ આવ્યા, માતાને સૌ મળવા રે,
પગે લાગીને આશિષ માંગે, ભવના પ્રાયશ્ચિત ખોવારે, અંબે……
.
આધ્ય ગામ તો ઉંટડી કહીએ, વલસાડમાં વિશ્રામ રે,
એના કુળમાં મીઠીબાઈ કહીએ, જુગમાં કીધાં નામ, અંબે….
.
ત્યાંથી માતા ઉઠી કરીને આવ્યાં કૃપની પાસ રે
સ્નાન કરી માતાજી પધાર્યા, શિવજી કેરી પાસ અંબે…
.
ધન શિવજી બાલેશ્વર કહીએ, ધન છે તારૂ નામ રે,
ધન લાલાજીએ દેહરૂ બંધાવ્યું, જુગમાં કીધા નામ; અંબે….
.
શિવજી કેરી પૂજા કરીને, માતા નિસર્યા બહાર રે,
વૃષભ તણા જો દાન કરીને, આયાં મઢુલી પાસ અંબે….
.
બ્રાહ્મણ કેરી પૂજા કરીને છાબડી આપી બાર રે,
સાત પ્રદક્ષિણા ભાવે ફરીને માતા લાગ્યા પાય, અંબે….
.
શલ્યાની જો પૂજા કરીને, દર્પણ લીધું હાથ રે,
મુખ જોઈ માતાજી બોલ્યા પ્રથમ થયો અવતાર, અંબે….
.
ધન ધન વલસાડ ગામ જ કહીએ. ધન બ્રાહ્મણને વાસ રે,
ધન નારાયણ દેવ જ કહીએ, તેથી ઉતર્યા પાર રે, અંબે….
.
ધન ધન ચીખલી ગામ જ કહીએ, ધન ભુલાભાઈ મોન રે,
તેની કુંવરી મીઠીબાઈ કહીએ, જુગમાં કીધાં નામ, અંબે….
.
સોમજી ભીમજીનો વંશ જ કહીએ, દેસાઈઓનાં નામ રે,
ધન રઘુનાથજી લાલા કહીએ, મોટા ભાગ્યવાન, અંબે…
.
કેશરેલ, મોગરેલ શોભતા ને કુમકુમ તપે લેલાટ રે,
મોડ મસ્તક ઉપર વળ્યો, વરત્યો જયજયકાર, અંબે…….
.
બ્રાહ્મણ કેરી આજ્ઞા લઈને પેઠાં મઢુલી માંહે રે,
અષ્ટ સૌભાગ્યનું સુપડું લઈને, મુખે વદ્યા શ્રીરામ, અંબે….
.
માતાજી મઢુલીમાં પધાર્યાં, મસ્તક લીધું હાથ રે,
હાથ કાકડા લઈ કરીને ફેરવ્યા ચારે પાસ, અંબે….
.
લોક પ્રદક્ષિણા ફરવા લાગ્યા, માતાને નમે શિશ રે,
એહ તણા જો મોટા ભાયગ, સહાય થયા જગદીશ, અંબે..
.
માણસ દશની ચોકી બેસાડી, આવ્યાં સર્વે જન રે
ઘેર આવી એકેકને કહે છે, એ માતાને ધન્ય, અંબે……
.
નિશા બે ત્યાં વહી ગઈને, ત્રીજું થયું પ્રભાત રે,
ભટ જોશી કૃષ્ણારામ કહીએ, દીક્ષિત લીધા સાથ રે, અંબે…
.
રુદ૨જી, વશનજી, સુરભાઈ આદિ માતાના સૌ ભ્રાત રે,
સ્નાન કરી, સમીપ પધાર્યા, રક્ષા લીધી હાથ…. અંબે….
.
રક્ષા લેતાં એંધાણી લાગી, ચાંદલો ને સોપારી રે,
હાથ કેરી મુદ્રિકા લાધી કાવરી, ચુંદડી સાર, અંબે….
.
દૂધ દહી ના છાંટણાં છાંટયાં, મોતીડે વધાવ્યા રે,
ફુલહાર લઈ કરીને વધાવે મહિમાનો નહિ પાર અંબે….
.
પંચ કૃપાથી ગરબો કીધો, માતાની છે સહાય રે,
ગાય શીખેને સાંભળે, તેના ભવના પ્રાયશ્ચિત જાય, અંબે….
.
.









very informative
never knew this.
Thank you for sharing.
Dr jigna Garasia
LikeLike