એ વાત – શૈલા પંડિત

૨૩.

હે ઈશ્વર,

એ વાત હું સારી પેઠે સમજ્યો છું કે

-એ જ મા

પોતાના વહાલસોયા બાળકને

કડવાં ઓસડ કચડીને પાય છે,

જેથી તેનું સંતાન તંદુરસ્ત ને ખુશખુશાલ રહે.

 .

-એ જ હળ

જમીન પર ઉઝરડા પાડે છે,

જેથી તેમાંથી દાણાદાર પાક ઊતરે.

 .

-એ જ સર્જન

પોતાના દરદીના પેટ પર

છરી ફેરવી તે ચીરે છે,

જેથી તે શારીરિક પીડાથી મુક્ત થઈ જાય.

 

-એ જ સ્થપતિ

પોતાનાં ટાંકણાં ને હથોડી વડે

પથ્થર પર ઘા પર ઘા કરતો રહે છે,

જેથી એક સોહામણી મૂર્તિ સર્જાય.

 .

-એ જ સોની

સોનાને અગ્નિમાં તાવે છે,

જેથી તેને મનોહર આભુષણનું રૂપ સાંપડે.

કદાચ,

એ બાળકને માનું સત્કૃત્ય દુષ્કૃત્ય ભાસે,

એ દરદીને સર્જનની છરી અરેરાટી ઉપજાવે,

પણ

ઉપલક નજરે અકારા લાગતાં કૃત્યો પાછળ

હેતુ તો ઉમદા જ રહેલો છે.

 .

તે જ પ્રમાણે

કનડતી મુશ્કેલીઓ પાછળ તારો હેતુ

મને સફળતા માટે

વધુ ને વધુ લાયક બનાવવાનો હોય.

તત્ક્ષણે હું ન સમજી શકું તોય,

તારો હેતુ પામી શકું

તેટલી મારામાં સૂઝ પ્રગટાવ.

જેથી હું,

મારા જીવનસાફલ્ય માટે

વિશેષ લાયકાત સિદ્ધ કરી શકું,

ને તે સારું સાચી રીતે,

ગર્વ અને ગૌરવ અનુભવવા સમો સમર્થ બનું.

 .

૨૪.

હે ઈશ્વર,

મારે મારી સાચી ઓળખાણ કરવી છે.

હું મારે વિષે કેટલાંક સત્યો જાણવા ઈચ્છું છું.

ભલે તે મને કડવાં લાગે તો પણ

એની કડવાશ જીરવી શકું

એ સારુ મને પૂરતું બળ આપજે.

 .

મને મારા દોષ સમજવામાં સહાય કર.

પણ એ ખોજ વેળા,

હું એ વૃત્તિના ભારથી દબાઈ ન જાઉં

એવી મારી પ્રાર્થના છે,

જેથી મારી હિંમત નાહિંમત ન થઈ જાય.

હું મારા દોષને પારખતાં પારખતાં

જાતને ચાબખા ન મારી બેસું

તે માટે મને મદદ કરતો રહેજે.

તે સારું, મને યાદ આપ્યા કરજે કે

મારામાં કેટલાક સદગુણો પણ છે જ.

 .

હે પ્રભુ,

મારા દોષ સમજવા મદદ કરે ત્યારે

તેને નિવારવા મને હિંમત આપતો રહેજે.

હું મારી મર્યાદા જાણું છું એટલે

બધા દોષોથી એક સાથે મુક્ત થઈ જવાનો

મને કોઈ લોભ નથી.

એક એક કરતાં હું તેમને વેગળા કરી શકું

તો મને સંતોષ છે.

હું મારા સૌથી કનિષ્ઠ દોષને

પડકારી શકું એ પ્રકારે

મને બળ અને હિંમત આપતો રહેજે.

મને મહાત કર્યા બાદ,

બીજાને, ત્રીજાને, ચોથાને

તેમ કરી શકું એ માટે

મને પૂરતી ધીરજ આપજે.

 .

મારા દોષ છતાં,

જાત સાથેની સહિષ્ણુતા ખોઈ ન બેસું,

એટલી સમજ આપતો રહેજે.

હું જાણું છું કે

દોષનિવારણનો પુરુષાર્થ મારે જ કરવાનો છે.

તે માટે મને

સતત શક્તિ ને બળ પૂરાં પાડતો રહે તો

મારે માટે તેટલું બસ છે.

 .

( શૈલા પંડિત )

આજે મારું મન – શૈલા પંડિત

૨૧.

આજે મારું મન

કડવાશથી ભરાઈ ગયું છે, પ્રભુ !

મેં જે ધાર્યું હતું તે કરતાં

સાવ ઊલટું જ બનવા પામ્યું છે.

 .

મારી કલ્પનાય નહોતી તેવા લોકોએ

મને નિરાશ કર્યો છે, હતાશ કર્યો છે.

મારું મન દુભાયું છે.

તેથી કટુતાએ

મારા મનનો કબજો લઈ લીધો છે.

 .

એ આઘાત અને વ્યથા

જીરવવામાં મને સહાય કર.

આ અનુભવને નિમિત્તે

તારામાં અશ્રદ્ધા ન થઈ આવે તે સારુ

તારી પાસે ધૈર્યની માગણી કરું છું.

હું એટલું સમજું છું કે

લોકોએ કઈ રીતે વરતવું એ

તેઓ પોતે નક્કી કરે છે,

એમાં તારો કોઈ દોષ ન હોઈ શકે.

 .

તો, મારા મનમાં જન્મેલી

ધિક્કાર ને ઘૃણાભરી લાગણી મંદ પાડી દેવામાં

મને સહાય કર.

લોકોમાં મારો વિશ્વાસ ટકે કે ન ટકે

તારામાં રહેલી શ્રદ્ધા ખોઈ ન બેસું

એટલી એષણા પૂરી કર.

 .

૨૨.

હે ઈશ્વર,

જીવનના નિરીક્ષણમાંથી

મેં એક વાત સમજી લીધી છે.

કોઈ માણસ,

સતત ને સતત સફળ થતો જ રહે એવું પણ નથી.

તો કોઈ માણસ,

સતત નિષ્ફળતાને વર્યા કરે એવું પણ નથી.

સફળતા ને નિષ્ફળતા

ઘટનાચક્ર રૂપે સતત ફરતાં રહે છે.

 .

મેં એ પણ જોયું છે કે,

દરેક સફળ માણસ

સફળ થતાં પહેલાં

નિષ્ફળતાની કેટલીક પછડાટ ખાતો હોય છે.

એ પછડાટ જ

તેને સફળ થવા માટે

વિશેષ અનુભવ ને બળ ઊંઝતાં રહે છે.

તેથી નિષ્ફળતાને

મેં નવા દ્રષ્ટિકોણથી મૂલવવા માંડી છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

હું નિષ્ફળ સાબિત થયો છું.

તેનો અર્થ એ થાય છે કે,

હું હજી સફળતા લગી પહોંચ્યો નથી.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

મેં કશું સિદ્ધ કર્યુઁ નથી.

પણ એનો અર્થ એ થાય છે કે,

હું કેટલીક નવી નવી બાબતો શીખ્યો છું.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

હું બુદ્ધિમંદ છું.

તેનો અર્થ એ થાય છે કે,

સફળ નીવડવા માટે

મારે મારી બૌદ્ધિક શક્તિ

હજી સુપેરે લડાવવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

તેથી મને કાળી ટીલી લાગી છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારે હજી નવતર પ્રયોગોની અજમાયેશ કરવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે

મારે મારી યાત્રા અહીં ને અહીં થંભાવી દેવાની છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારા પૂર્વ અનુભવોને આધારે

સાફલ્યપથની નવી કેડીઓ કંડારી કાઢવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

તેં મારો સાથ ત્યજી દીધો છે.

એનો અર્થ એ થાય છે કે,

તું મને નવે રસ્તે સફળતા અપાવવા ઈચ્છે છે.

.

( શૈલા પંડિત )

 

 

મને મારું – શૈલા પંડિત

૧૯.

હે ઈશ્વર,

મને મારું બાળપણ સાંભરે છે.

 .

ત્યારે હું કોઈ શરતમાં ઊતરતો નહોતો.

કારણ ? મારે હારવું નહોતું !

કોઈ હરિફાઈમાં દાખલ થતો નહોતો.

કારણ ? મારે જીતવાની મનોમન ખાતરી જોઈતી હતી.

 .

પણ એ મારી કેટલી મોટી ભૂલ હતી !

તે આજે હું સમજી શકું છું.

સાથોસાથ, મારી બીજીય સમજ ખીલી છે.

 .

હવે હું હરિફાઈમાં ઊતરીશ ખરો.

પણ

-મારા દોસ્ત સાથે નહિ

-મારા હરીફ સાથે નહિ

-મારા દુશ્મન સાથે નહિ

-મારાથી નાનકા સાથે નહિ

-મારાથી મોટેરા સાથે નહિ

હું જરૂર હરિફાઈમાં ઊતરીશ

મારી પોતાની સાથે.

હું ગયે વરસે હતો, તે કરતાં હવે

મારે વધારે શક્તિશાળી નીવડવું છે.

હું ગયે મહિને હતો, તે કરતાં હવે

મારે વધારે કાબેલ નીવડવું છે.

 .

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

હારનો કદી પ્રશ્ન નડતો નથી.

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

જીતની પરિસ્થિતિ હંમેશ નીવડી શકે છે.

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

મારે કોઈ ડર અનુભવવાનો નથી.

હું મારી સાથે શરતમાં ઊતરું ત્યારે,

મારે કોઈ નાહિંમત થવાનું રહેતું નથી.

 .

હે ઈશ્વર,

મારી હરેક ગઈકાલ સાથે

હું પ્રતિદિન હરિફાઈમાં ઊતરતો રહું,

આજનો દહાડો વિશેષ રૂડો ગાળું

એટલું સામર્થ્ય મને બક્ષજે.

 .

૨૦.

હે ઈશ્વર,

બાળક પાસેથી મળતો એક પાઠ

આત્મસાત કરવાની મને સૂઝ આપ.

 .

બાળક ચાલતાં શીખે છે ત્યારે

તે પડે છે,

તે આખડે છે,

તે પછડાય છે,

છતાં તે પોતાનો વિશ્વાસ ખોતો નથી.

તેના મનમાં એક ધ્યેય સ્થિર હોય છે :

‘મારે ચાલતાં શીખવું છે’.

અને, એ ધ્યેય સિદ્ધ કરીને જ તે જંપે છે.

કારણ કે,

તે હંમેશ

‘એક વધુ વાર’ પ્રયત્ન કરવા તૈયાર હોય છે.

 .

તે જ પ્રમાણે

કોઈક નવતર પ્રયોગ કરતી વેળા

અજાણી ભૂમિ પર ડગ માંડું ત્યારે,

મને એવું જ બળ આપજે,

એવી જ સૂઝ આપજે.

જેટલી વાર ભોંયસરસો હું પડું કે

ફરી એક વધુ વાર ઊભા થવાનું બળ આપજે.

એ પુરુષાર્થ સતત ચાલુ રાખવાની શક્તિ આપજે.

જેથી એમ ને એમ

ડગ ભરતાં રહીને

મારે નિશ્ચિત લક્ષ્યે પહોંચી જાઉં.

.

( શૈલા પંડિત )

મારી આત્મશ્રદ્ધા – શૈલા પંડિત

૧૭.

હે ઈશ્વર,

મારી આત્મશ્રદ્ધા ખીલવવામાં સહાય કર.

હું સમજું છું કે

આત્મશ્રદ્ધા

કોઈ બાબત પરત્વે અંધાપો નથી

પણ

નિશ્ચિત ને ઉચિત

જ્ઞાન પ્રત્યેનો પ્રકાશ છે.

આત્મશ્રદ્ધા

એ ગણ્યાગાંઠ્યા લોકોને નવાજાયેલી દેણ નથી.

પણ

અથાગ અને ગંભીર પ્રયાસો બાદ

સાંપડેલી આમદાની છે.

 .

હે પ્રભુ,

એવી પ્રકાશમય આત્મશ્રદ્ધા

મારામાં પ્રગટાવી શકે એવા લોકો તરફ વળવાનું

મને પ્રોત્સાહન આપતો રહેજે.

મારી આત્મશ્રદ્ધાને

વધુ સબળ ને સઘન બનાવે તેવા

સાહિત્યના વાચન તરફ હું વળતો રહું

તે દિશામાં દોરવણી આપજે.

 .

એવું પણ બનતું રહેશે કે,

મારી આત્મશ્રદ્ધાને ડગમગાવે એવી એવી,

મારા મનમાં ગૂંચ પેદા થાય

તો તે ઉકેલવાની મને સૂઝ આપજે,

જેથી મારામાં ખીલેલી આત્મશ્રદ્ધા

એના ઓછાયાથી મુક્ત રહે.

અને, મારું મન

પ્રફુલ્લતાના પ્રકાશથી ઝળહળી રહે.

 .

હું સમજું છું કે

આત્મશ્રદ્ધા એ જન્મદત્ત દેણગી નથી.

પણ એ તો,

માણસે પોતાની જાત માટે

કેળવી લેવાની સંપત્તિ છે.

તો એ સંપત્તિ હાંસલ કરવા

મને સદાયે પ્રેરણા આપતો રહેજે.

એ જ મારી તુજ પ્રત્યેની પ્રાર્થના છે.

 .

૧૮.

મેં એક સ્વપ્ન જોયું છે.

તેને સાકાર કરવાની મારી તમન્ના છે.

પણ, એ તમન્નાની આડે આવે છે :

કેટલીક શંકા-કુશંકાઓ.

સાચે જ, કોઈ પણ યોજનાના અમલનો

સૌથી કઠણ કાળ હોય તો

તે એનો આરંભ જ છે.

કારણ કે,

એના આરંભકાળે જ માણસનું મન

અનેક નકારાત્મક લાગણીઓના પ્રવાહથી

ઘેરાઈ જાય છે.

એની સફળતા અંગેની

દ્વિધા તેના મનને છલકાવી દે છે.

 .

પણ હું એટલું સમજી શક્યો છું કે

જે માણસ પ્રારંભ કરે છે તે

કદીયે પૂરેપૂરો નિષ્ફળ જઈ શકે નહિ.

કંઈ નહિ તો,

તેણે પોતાના મનની કેટલીક કુશંકા પર

વિજય તો મેળવ્યો જ છે.

તેણે પોતાના થોડાએક નકારાત્મક વિચારોને

નાથી જ લીધાં છે.

એ રીતે

હું મનની એક શૃંખલામાંથી

મુક્ત થઈ જાઉં છું કે જે

મારા આગળ વધવાને ખોરંભે પાડી દે છે.

તું મને એટલું બળ આપ કે જેથી,

હું મારા નવતર પ્રયોગ કરવાના ડરને નાથી શકું.

 .

અને,

મારો એ પ્રયોગ અસફળ નીવડે

તો તેની પુન: અજમાયેશ કરવાની

મને પ્રેરણા ને પ્રોત્સાહન આપજે.

મને સફળ નીવડવાની શ્રદ્ધા આપજે.

એવી શ્રદ્ધા કે જે,

મને નિષ્ફળતાની શંકાથી મુક્ત રાખે.

.

( શૈલા પંડિત )

હું સમજું છું કે – શૈલા પંડિત

૧૫.

હે ઈશ્વર,

હું સમજું છું કે

મારે અવનવા ને નવનવા પ્રયોગો કરવા હોય

તો અનેક અખતરામાંથી પસાર થવાનું જ છે.

 .

મારી પ્રત્યેક ભૂલ

એ મારી કેળવણીનું એક પગથિયું છે,

તો મને મારી ભૂલોનો સ્વીકાર કરવાનું,

તેમાંથી નવું નવું શીખતાં રહેવાનું,

બાદ,

નવું નવું ડગલું ભરતાં રહેવાનું બળ આપ.

 .

મારી ગફલતોને કારણે

હું નીચે પડતો આખડતો રહીશ

એ હું જાણું છું.

તેમ છતાં,

મને ફરી ને ફરી ઊભા થવાનું,

અને આગળ ડગલાં માંડતાં રહેવાનું કૌવત આપ.

જેથી કરીને

 .

તેં મને બક્ષેલી મારી શક્તિઓનો

પૂરેપૂરો ઉપયોગ કરી શકું.

 .

૧૬.

હે ઈશ્વર,

આજનો દિવસ મને

ઉત્તમપણે જીવવાનું બળ આપ.

 .

મારી માગણી

સારાયે જીવન માટે નથી

આવતા મહિના માટે નથી

આવતા અઠવાડિયા માટે નથી

પણ

માત્ર આજના દિવસ પૂરતી જ છે.

તો

આજે મારા મનને

ગુણાત્મક વિચારોથી છલકાવી દેજે.

એવા એવા વિચારો કે જે

-મને સાચી દિશા તરફ વાળે.

-મને સાચા ડગ ભરવામાં સહાય થાય.

-મને સાચા નિર્ણયો કરવા પ્રેરે.

 .

બસ,

આજનો દહાડો.

આજનો જ દહાડો.

તેં મને બક્ષેલી

શક્તિનો,

બુદ્ધિનો,

પ્રાવીણ્યનો,

કુશળતાનો

ઉત્તમોત્તમ ઉપયોગ કરી શકું

એટલું મને બળ આપ.

.

( શૈલા પંડિત )

મારા દિલમાં – શૈલા પંડિત

૧૩.

હે ઈશ્વર,

અત્યારે મારા દિલમાં

એક પ્રવાહ વહી રહ્યો છે.

મેં જે નિર્ણય કર્યો છે

તે શ્રેષ્ઠ જ છે

એમ મારું અંત:કરણ કહે છે.

અને, એ સંદેશમાં મને ઈતબાર છે.

કારણ કે,

મારું અંત:કરણ આ ક્ષણે

સ્વચ્છ ને નિર્મળ છે

એ હું સમજી શકું છું.

 .

સમસ્યાઓ જેમ જેમ આવતી રહે

તેમ હું તેનો ઉકેલ કરી શકીશ

એવી મને શ્રદ્ધા છે.

જે પડકારો આવતા રહે

તેમને સ્વસ્થ ચિત્તે ઝીલતો રહીશ

એવો મને વિશ્વાસ છે.

મારે કોઈ બાબતનો ડર રાખવાનો હોય નહિ,

કારણ કે,

મને તારો સથવારો છે.

એ અંગે મને કોઈ શંકા નથી.

‘જ્યારે ઈશ્વર મારે પડખે છે ત્યારે

મારી વિરુદ્ધ શું નીવડી શકે?’

-એવી ઊંડી ઊંડી લાગણી સાથે

હું આગળ વધતો રહું

એ સિવાય મારે તારી પાસે કોઈ અપેક્ષા નથી.

 .

૧૪.

હે ઈશ્વર,

મેં તને હંમેશ મારો સધ્યારો માન્યો છે.

કારણ કે,

તું મારા માટે એવો પ્રકાશ છે કે

જે કદી વિલાતો નથી !

 .

તું મારે માટે એવા કર્ણ છે કે

જે કદી દેવાતાં નથી !

 .

તું મારે માટે એવાં ચક્ષુ છે કે

જે કદી બિડાતાં નથી !

 .

તું મારા માટે એવું મન છે કે

જે કદી નિરાશ થતું નથી !

 .

તું મારે માટે એવું હૈયું છે કે

જે કદી હતાશ કરતું નથી !

 .

તું મારે માટે એવો હાથ છે કે

જેની આંગળી ઝાલવા ઈચ્છા કરી હોય

ને એ હાથ કદી લંબાયો ન હોય !

.

( શૈલા પંડિત )

જે સફળતા સાંપડી છે – શૈલા પંડિત

૧૧.

હે ઈશ્વર,

મને જે સફળતા સાંપડી છે

તે બદલ હું તારું ઋણ સ્વીકારું છું.

 .

-ને એક સત્ય

હું સારી પેઠે સમજ્યો છું.

હું સફળ થાઉં

એનો અર્થ એ નથી થતો કે

મારી બધી સમસ્યાઓનો ત્યાં અંત આવી જાય છે.

હકીકતમાં તો,

સફળતાને સથવારે

વધારે ઉગ્ર અને તીવ્ર સમસ્યાઓ આવતી રહે છે…..

ને તે મારે હલ કરવાની છે.

 .

ને મારે એનાથી હતાશ થવાનું હોય નહિ.

ખરેખર તો,

તેં મને જે શક્તિઓ બક્ષી છે

તેને વધુ પડકારરૂપ ને યશસ્વી રીતે

ઉપયોગ કરી શકું

તે માટે તું ભૂમિકા રચી આપે છે.

જેથી,

ભાવિ જીવનના અને સફળતાના વધુ પડકારને

પહોંચી વળવાની મને શ્રદ્ધા સાંપડતી રહે.

 .

૧૨.

હે ઈશ્વર,

મારાં કામ સો ટકા પરિપૂર્ણ કરવાની ઘેલછામાં

હું કશું જ ન કરું તે કરતાં,

મારી શ્રેષ્ઠતમ શક્તિ વાપર્યા બાદ

અપરિપૂર્ણરૂપે પણ સિદ્ધ કરી શકું

એ વધુ બહેતર છે.

 .

હું સમજું છું કે

આ સૃષ્ટિમાં જો કોઈ પરિપૂર્ણ હોય તો તે

એકમાત્ર ઈશ્વર જ છે,

ને દરેક માણસ

કોઈક ને કોઈક રીતે અપૂર્ણ છે.

ને જે અપૂર્ણ હોય

તેનાં કામ પરિપૂર્ણ નીવડતાં રહે

એવી અપેક્ષા એક ભ્રમણા છે.

 .

મારાં કામ પરિપૂર્ણ ન નીવડે તો ભલે.

પણ મારી શક્તિને અનુરૂપ

ઉત્કૃષ્ટપણે નીવડતાં રહે તો

તેથી મને સંતોષ છે.

ને તે માટેની મારી નિષ્ઠાનો સથવારો

ક્યાંય વેગળો ન પડે

તેટલી જ મારી માગણી છે.

.

( શૈલા પંડિત )

હું મારા – શૈલા પંડિત

૯.

હે ઈશ્વર,

હું મારા માનવભાંડુઓ પ્રત્યે

સહિષ્ણુતા દર્શાવી શકું

એટલું બળ મને આપતો રહેજે.

 .

એમને અનેક મુશ્કેલીઓ છે,

અને તેમની સમસ્યાઓનો પાર નથી

એ હું સમજું છું,

જેઓ પ્રેમ ભૂખ્યા છે

એઓ મને જરૂર આવકારશે.

પણ ઘણાની વણપુરાયેલી આકાંક્ષાઓ

એટલી બધી છે,

તેમને એટલી અધિરાઈ છે કે,

હું ત્યાં કેમ કેમ પહોંચી શકીશ ?

 .

એમના પ્રત્યે ઋજુતા દાખવતાં,

મારા મનને ધક્કા પણ લાગે.

ને એમ થાય તો પણ ભલે.

મને એમને પ્રેમ કરવાની શક્તિ આપજે,

પ્રોત્સાહન આપજે.

 .

કંઈ નહિ તો,

હું મારા એકલવાયાપણાથી

તો મુક્ત થઈ જઈશ !

 .

૧૦.

હે ઈશ્વર,

મને મારા જીવનનું લક્ષ્ય ઘડવામાં સહાય કર,

જેથી હું મારા જીવનને સાર્થક કરી શકું.

એ માટે આવશ્યક એવા

પુરુષાર્થનું મને બળ આપજે.

 .

હું સમજું છું કે,

તેં દરેક પંખી માટે ચારો સરજ્યો છે,

પણ તે તું એના માળામાં નથી નાખી આવતો.

એ ચારાની ખોજ કરવા

તેણે માળો છોડીને બહાર વીહરવાનું રહે જ છે.

 .

હું સમજું છું કે,

માનવજાતિની ભૂખ મિટાવવા

તેં ઘઉં સરજ્યા છે.

પણ તેની રોટી બનાવવાની કામગીરી

તેં એના પર જ છોડી દીધી છે.

 .

એટલે કે,

મારું લક્ષ્ય નક્કી થઈ જાય તે પછી

તેને સિદ્ધ કરવાનો પુરુષાર્થ

મારે પોતે જ કરવાનો છે.

 .

તો બસ, તારી પાસે

મારી એટલી જ અપેક્ષા છે :

મારા ઠરાવેલા લક્ષ્યની સમીપે પહોંચી જવા

તું મને

બળ, સામર્થ્ય અને કૌશલ્ય આપજે.

તે સિદ્ધ કરતાં કરતાં

હું હેઠે પડી જાઉં તો

ફરી ફરી ઉઠવાની શક્તિ આપજે.

બાકી તો,

જે કંઈ કરવાનું છે તે મારે જ.

 .

( શૈલા પંડિત )

મને સૂરજમાં – શૈલા પંડિત

૭.

હે પ્રભુ,

મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,

ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.

 .

મને બીજના અસ્તિત્વ વિષે

કોઈ શંકા નથી,

ભલે તે જમીન હેઠે

મારાથી અણદીઠું પડ્યું હોય.

 .

મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,

ભલે મને છેહના અનુભવો થયા હોય.

 .

પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,

ભલે મને

કેટલીયે વાર જાકારો મળ્યો હોય.

 .

અને,

ભલે તારા તરફથી

મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,

ભલે તું મૌન રહ્યો હોય,

તો પણ

મને તારામાં પૂરી શ્રદ્ધા છે.

 .

૮.

હે પ્રભુ,

તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.

 .

હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,

ત્યારેમને પૂરતું બળ આપજે.

 .

હું મારી વ્યથા ભોગવતો હોઉં

ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.

 .

હું નાસીપાસ થઈ જાઉં

ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.

 .

મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,

મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.

 .

( શૈલા પંડિત )

જ્યારે મારી સામે – શૈલા પંડિત

૫.

જ્યારે મારી સામે

કોઈ અડીખમ પર્વત ખડો હોય ત્યારે

મને ત્યાંથી વિદાય લેવા દઈશ નહિ.

મને તેની ઉપર ચઢવા જેટલું બળ આપજે.

જેથી શિખરે પહોંચ્યાની હું તૃપ્તિ અનુભવી શકું.

 .

એ પર્વત ચઢતાં ચઢતાં

મને વચ્ચે કેડીઓ સાંપડેલી રહે

એ જ મારી તારી પાસે અરજ છે.

ને જ્યાં કેડી ન દેખાય

ત્યાં મને બેસી પડવા દઈશ નહિ.

બલ્કે,

નવી કેડી ચાતરી લેવાની

સૂઝ ને સામર્થ્ય પૂરાં પાડજે.

 .

અને, શિખરે પહોંચી જવાની

તૃપ્તિ હું માણી શકું તે સારુ

મને તારી પ્રેરણા જોઈએ છે.

ને મને શ્રદ્ધા છે કે,

એ પ્રેરણાનો પ્રવાહ તું કદી સુકાવા નહિ દે.

 .

૬.

હે ઈશ્વર,

મને ક્યારેક ક્યારેક

–     મારી જાત માટે

–     મારા કાર્યો માટે

–     મારી શક્તિ માટે

–     મારી આવડત માટે

–     મારી સમજશક્તિ માટે

–     મારી દિશાસૂઝ માટે

શંકા સતાવતી રહે છે.

 .

ભલે મને શંકા થાય,

પણ તું એને ગુણાત્મક બળમાં

ફેરવી નાખજે એવી મારી પ્રાર્થના છે.

 .

મને એટલું શાણપણ આપ કે જેથી

મને મારી શંકા પરત્વે શંકા પેદા થાય

અને

મારી શ્રદ્ધા પરત્વે શ્રદ્ધા જાગ્રત થાય.

 .

( શૈલા પંડિત )