ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો

૧.
શાંતિ કંઈ ક્રોધની વિપરીત
દશા નથી, જેને તમે સાધી લો.

હા, એ વાત સાચી છે કે
જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી.
શાંતિ છે ક્રોધનો અભાવ,
તેનાથી વિપરીત નહિ.

લોકો એમ માને છે કે
શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે;
માટે ક્રોધને દૂર કરશું
તો શાંતિ પ્રાપ્ત થશે.

નહિ, ક્રોધને દૂર કરવાથી
શાંતિ પ્રાપ્ત નહિ થાય;
તેમ કરવામાં તો તમે
વધુ અશાંત થઈ જશો.

આ પ્રયત્નથી તો એટલું જ બને
કે તમે શાંતિનું એક આવરણ ઓઢી લો
એક અંચળો ઓઢી લો…

અને અંદર તો બધું દબાયેલું રહે-
ઝેરની જેમ, પરુની જેમ;
જે ગમે ત્યારે ફૂટી શકે.

૨.
તમે જ્યારે કહો છો કે-
‘હું ક્રોધી છું, મારે અક્રોધી બનવું છે’
ત્યારે તે વાતનો અર્થ તમે સમજ્યા ?

તમે ક્રોધને કારણે
અત્યંત અસહિષ્ણુ થઈ ગયા છો.
તમે ક્રોધને
ધૈર્યપૂર્વક સ્વીકાર નથી કરી શકતા.

તમે મનમાં કહો છો-
‘ક્રોધ અને તે પણ મારામાં ?
મારા જેવો સજ્જન કંઈ ક્રોધ કરે ?
નહિ, આ વાત તમને ગમતી નથી.

અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
મારે ક્રોધથી મુક્ત થવું છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ…
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છું છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

( ઓશો )

સાચવી તો લે જ-કૃષ્ણ દવે

ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ,
અટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને,
લથડું કદાચ તો પણ એ સાચવી લે જ.

ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે,
પકડું કદાચ તો પણ એ સાચવી લે જ.

જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે,
સળગું કદાચ તો પણ એ સાચવી લે જ.

ખેંચાણ હર તરફથી વચ્ચે હું સ્થિર છતાંયે,
છટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હું શું કરું આ સઘળા દુ:ખને ગમું ને દુ:ખથી,
બટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

માટે જ ત્યાં ઉગું છું જાણું છું મૂળમાંથી-
ઉખડું કદાચ તો પણ એ સાચવી લે જ.

તળ હો કે ટોચ કાયમ હું મોજથી રમું ને-
ગબડું કદાચ તો પણ એ સાચવી લે જ.

સહેલું નથી ગઝલની સામેય પણ ફરકવું,
અડકું કદાચ તો પણ એ સાચવી લે જ.

( કૃષ્ણ દવે )

કાંઈ નહીં-કૃષ્ણ દવે

ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં,
ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો-
ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે,
પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

અડાબીડ એકલતામાં યે ઘટાટોપ દરબાર ભરી એ-
બાવળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

હાંફી, થાકી, ફસડતા પ્રત્યેક સમયનો વીરડો થઈ એ-
મૃગજળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

આરંભેલી એક ગઝલના મહાનૃત્યમાં શબ્દોનું દિગ્દર્શન કરવા
કાગળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

( કૃષ્ણ દવે )

એ કોણ છે ?-નીતિન વડગામા

રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ?
આંગણું ભીનું કરે, એ કોણ છે ?

હરપળે આ શ્વાસના મંદિર ઉપર,
થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ?

કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ?
આંગળી ટચલી ધરે, એ કોણ છે ?

શાંત જળમાં, આભમાં, અવકાશમાં,
શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ?

પાંદડું પીળું કરીને ખેરવે,
ને પછીથી પાંગરે એ કોણ છે ?

સાવ ખાલી થઈ જતા આ પાત્રને,
જે સ્વયં આવી ભરે એ કોણ છે ?

ઊંઘ ઉડાડીને અક્ષર પાડવા,
હાથમાં કાગળ ધરે એ કોણ છે ?

( નીતિન વડગામા )

ઈજન-જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ.

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ.

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

( જગદીપ ઉપાધ્યાય )

છત્રી-પ્રીતમ લખલાણી

૧.
છત્રી ખૂલતાં જ
તડકો
આભથી
ધોધમાર વરસે !

૨.
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય.

૩.
માણસને
છાપરા તળે
કોરોકટ ઊભેલ જોઈને
છત્રી
ટહુકતા મોરને કહે :
‘મૂવા, અભાગિયા
અવસરે પણ
ભીંજાઈ ન શક્યા !’

૪.
જો
માણસ
છત્રીની જેમ
ઊઘડી શકતો હોત તો !
કદાચ
આભ
બારેમાસ
મન મૂકીને
વરસતું હોત !

૫.
જ્યોતિષના ઇશારે
ફૂટપાથે
નાચતો પોપટ
છત્રીના છિદ્રમાંથી
દેખાતા
આભ સામું જોઈને
ભવિષ્યનું પાનું
નહીં ખોલતો હોયને ?

( પ્રીતમ લખલાણી )

સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ

તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા,
વાર નહીં લાગે, સમજાય છે ?
આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં,
ફૂલો પણ વાગે, સમજાય છે ?

કાળી આ રાત જેવું જીવન છતાંય
હું તો તારાઓ ગણી ગણી થાકી,
તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક
હજી ચાંદનીને માણવાની બાકી.
ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,
સ્વપ્નો પણ જાગે, સમજાય છે ?

રણઝણવા ઝંખે છે આતુર આ ઉર
રાહ જુએ છે ભીતરના સૂર,
ધાર્યું’તું તમને પણ છેડતાં તો આવડશે
ખૂણે પડ્યું આ સંતૂર.
કેળવો જો કંઠને તો હજી ગાઈ ઊઠીશું,
ગીત એક રાગે, સમજાય છે ?

( મનોજ્ઞા દેસાઈ )

ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો

૧.
તમે કેટલી વખત વિચાર્યું છે કે-
હવે ક્રોધ નહિ કરીએ.

તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને;
બરાબર સમજી ગયા છો કે-
ક્રોધ પાપ છે, ઝેર છે.
તેનાથી કોઈ લાભ નથી થતો.

તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે
ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો;
સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી.

૨.
ક્રોધ જ્યારે તમારા અંતરના બગીચાને
વેરવિખેર કરીને ચાલ્યો જાય છે
ત્યારે ફરીથી ભાન આવે છે
અને તમને પસ્તાવો થાય છે.

પરંતુ હવે પસ્તાવાનો શો અર્થ
જ્યારે નુકશાન થઈ ચૂક્યું ?

આ એક જૂની કુટેવ પડી ગઈ છે.
ક્રોધ કર્યો, પછી પસ્તાવો કર્યો;
ફરીથી ક્રોધ આવ્યો, ફરીથી પસ્તાવો…

આ રીતે ક્રોધ અને પસ્તાવો
એકબીજાના સાથીદાર બની ગયા છે,
તેમાં હવે કોઈ તફાવત જ નથી રહ્યો.

તમારો પસ્તાવો તમારા ક્રોધને રોકી નથી શકતો.

આ હકીકત પરથી એક વાત સ્પષ્ટ થાય છે
કે-તમે હજુ તમારા ક્રોધને યોગ્ય રીતે
તેના વાસ્તવિક રૂપમાં જાણ્યો નથી.

તમે ક્રોધ વિષે માત્ર સાંભળી-સાંભળીને
માની લીધું છે કે – ક્રોધ ખરાબ છે.
પરંતુ તે તમારું પોતાનું આત્મદર્શન નથી.

( ઓશો )

ખિસકોલી-પ્રીતમ લખલાણી

૧.
વસંત
કઈ ડાળેથી પ્રવેશી
વૃક્ષમાં
તેની ખબર હોય છે
માત્ર
ખિસકોલીને જ !

૨.
ફળિયે
ટહુકા વીણતી
ખિસકોલીને જોઈને
કોયલ મૂંઝાઈ, કે
ખિસકોલી મારી જેમ
ટહુકવા તો નહીં માંડેને ?

૩.
કોયલને
ખિસકોલીએ જ
કહ્યું કે ;
‘વસંત આવે છે’.

( પ્રીતમ લખલાણી )

પાંદડું-પ્રીતમ લખલાણી

૧.
ડાળે
એક પાંદડું
ફરફરતું હોય છે
ત્યાં લગી
વૃક્ષને ક્યાં બીક હોય છે
પાનખરની ?

૨.
ફૂલ, ડાળ કે
પંખીથી નહીં પણ
વૃક્ષ ઓળખાય છે
પાંદડાંથી.

૩.
જે દિવસે
કાગડા અને કોયલમાંથી
વૃક્ષ લેશે
કાગડાનો પક્ષ
તે દિવસે તેની ડાળને
લીલાં નહીં પણ
ફૂટશે કાળાં પાંદડાં.

૪.
મોસમના રંગે
બદલાતા વૃક્ષને
સમજી શકે છે માત્ર
પાંદડાં.

( પ્રીતમ લખલાણી )