કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા

રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે,
ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે,
એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે.

છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે,
વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે.

કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે,
રંગે લથબથ આંગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ફૂલો એનું વળગણ છે, રંગો એનું પહેરણ છે,
રંગ-રસીલો સાજણ છે, આ કેસૂડાનાં કામણ છે.

નહીં ઓળખે, ડૂબ્યો છું, આખો યે ખોવાયો છું,
રંગોના આ સગપણ છે, આ કેસૂડાનાં કામણ છે.

( હર્ષદ ચંદારાણા )

સાચવી તો લે જ-કૃષ્ણ દવે

ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ,
અટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને,
લથડું કદાચ તો પણ એ સાચવી લે જ.

ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે,
પકડું કદાચ તો પણ એ સાચવી લે જ.

જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે,
સળગું કદાચ તો પણ એ સાચવી લે જ.

ખેંચાણ હર તરફથી વચ્ચે હું સ્થિર છતાંયે,
છટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હું શું કરું આ સઘળા દુ:ખને ગમું ને દુ:ખથી,
બટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

માટે જ ત્યાં ઉગું છું જાણું છું મૂળમાંથી-
ઉખડું કદાચ તો પણ એ સાચવી લે જ.

તળ હો કે ટોચ કાયમ હું મોજથી રમું ને-
ગબડું કદાચ તો પણ એ સાચવી લે જ.

સહેલું નથી ગઝલની સામેય પણ ફરકવું,
અડકું કદાચ તો પણ એ સાચવી લે જ.

( કૃષ્ણ દવે )

કાંઈ નહીં-કૃષ્ણ દવે

ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં,
ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો-
ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે,
પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

અડાબીડ એકલતામાં યે ઘટાટોપ દરબાર ભરી એ-
બાવળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

હાંફી, થાકી, ફસડતા પ્રત્યેક સમયનો વીરડો થઈ એ-
મૃગજળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

આરંભેલી એક ગઝલના મહાનૃત્યમાં શબ્દોનું દિગ્દર્શન કરવા
કાગળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

( કૃષ્ણ દવે )

એ કોણ છે ?-નીતિન વડગામા

રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ?
આંગણું ભીનું કરે, એ કોણ છે ?

હરપળે આ શ્વાસના મંદિર ઉપર,
થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ?

કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ?
આંગળી ટચલી ધરે, એ કોણ છે ?

શાંત જળમાં, આભમાં, અવકાશમાં,
શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ?

પાંદડું પીળું કરીને ખેરવે,
ને પછીથી પાંગરે એ કોણ છે ?

સાવ ખાલી થઈ જતા આ પાત્રને,
જે સ્વયં આવી ભરે એ કોણ છે ?

ઊંઘ ઉડાડીને અક્ષર પાડવા,
હાથમાં કાગળ ધરે એ કોણ છે ?

( નીતિન વડગામા )

ઈજન-જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ.

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ.

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

( જગદીપ ઉપાધ્યાય )

છત્રી-પ્રીતમ લખલાણી

૧.
છત્રી ખૂલતાં જ
તડકો
આભથી
ધોધમાર વરસે !

૨.
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય.

૩.
માણસને
છાપરા તળે
કોરોકટ ઊભેલ જોઈને
છત્રી
ટહુકતા મોરને કહે :
‘મૂવા, અભાગિયા
અવસરે પણ
ભીંજાઈ ન શક્યા !’

૪.
જો
માણસ
છત્રીની જેમ
ઊઘડી શકતો હોત તો !
કદાચ
આભ
બારેમાસ
મન મૂકીને
વરસતું હોત !

૫.
જ્યોતિષના ઇશારે
ફૂટપાથે
નાચતો પોપટ
છત્રીના છિદ્રમાંથી
દેખાતા
આભ સામું જોઈને
ભવિષ્યનું પાનું
નહીં ખોલતો હોયને ?

( પ્રીતમ લખલાણી )

સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ

તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા,
વાર નહીં લાગે, સમજાય છે ?
આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં,
ફૂલો પણ વાગે, સમજાય છે ?

કાળી આ રાત જેવું જીવન છતાંય
હું તો તારાઓ ગણી ગણી થાકી,
તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક
હજી ચાંદનીને માણવાની બાકી.
ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,
સ્વપ્નો પણ જાગે, સમજાય છે ?

રણઝણવા ઝંખે છે આતુર આ ઉર
રાહ જુએ છે ભીતરના સૂર,
ધાર્યું’તું તમને પણ છેડતાં તો આવડશે
ખૂણે પડ્યું આ સંતૂર.
કેળવો જો કંઠને તો હજી ગાઈ ઊઠીશું,
ગીત એક રાગે, સમજાય છે ?

( મનોજ્ઞા દેસાઈ )

ખિસકોલી-પ્રીતમ લખલાણી

૧.
વસંત
કઈ ડાળેથી પ્રવેશી
વૃક્ષમાં
તેની ખબર હોય છે
માત્ર
ખિસકોલીને જ !

૨.
ફળિયે
ટહુકા વીણતી
ખિસકોલીને જોઈને
કોયલ મૂંઝાઈ, કે
ખિસકોલી મારી જેમ
ટહુકવા તો નહીં માંડેને ?

૩.
કોયલને
ખિસકોલીએ જ
કહ્યું કે ;
‘વસંત આવે છે’.

( પ્રીતમ લખલાણી )

પાંદડું-પ્રીતમ લખલાણી

૧.
ડાળે
એક પાંદડું
ફરફરતું હોય છે
ત્યાં લગી
વૃક્ષને ક્યાં બીક હોય છે
પાનખરની ?

૨.
ફૂલ, ડાળ કે
પંખીથી નહીં પણ
વૃક્ષ ઓળખાય છે
પાંદડાંથી.

૩.
જે દિવસે
કાગડા અને કોયલમાંથી
વૃક્ષ લેશે
કાગડાનો પક્ષ
તે દિવસે તેની ડાળને
લીલાં નહીં પણ
ફૂટશે કાળાં પાંદડાં.

૪.
મોસમના રંગે
બદલાતા વૃક્ષને
સમજી શકે છે માત્ર
પાંદડાં.

( પ્રીતમ લખલાણી )

એટલે તો-બરકત વીરાણી ‘બેફામ’

એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા,
જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા.

જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો,
જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા.

ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.

ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત,
દિલની અંદર લાગણીઓનાંય લીરા થઈ ગયા.

એમ તો સૌએ રડ્યા બેફામના મૃત્યુ ઉપર,
દાટવા માટે પરંતુ સૌ અધીરા થઈ ગયા.

એ મર્યા તો એમ ઊંચકવા પડ્યા બેફામને,
કોઈ મોટા ઘરના જાણે કે નબીરા થઈ ગયા.

( બરકત વીરાણી ‘બેફામ’ )