લૂંટ્યો છે-જિગર જોષી ‘પ્રેમ’

પહાડોએ કદી લૂંટ્યો, કદી પડઘાએ લૂંટ્યો છે,

કદી ઈચ્છા ગઈ લૂંટી, કદી શમણાંએ લૂંટ્યો છે.

.

અનોખી ભેટ આપી છે, તમે આ રાહ ચીંધીને,

દિશાઓએ કદી લૂંટ્યો, કદી નકશાએ લૂંટ્યો છે.

.

નથી અકબંધ હું જીવ્યો, સલામત હોઉં હું ક્યાંથી ?

કદી તૃષા ગઈ લૂંટી, કદી ઝરણાંએ લૂંટ્યો છે.

.

કરમ છે બેઉના સરખાં, દુઆ બંનેની સરખી છે,

કદી પાયલ ગઈ લૂંટી, કદી પગલાંએ લૂંટ્યો છે.

.

ફકીરી હાલ આ કંઈ ‘પ્રેમ’નાં અમથા નથી યારો,

કદી મંઝિલ ગઈ લૂંટી, કદી રસ્તાએ લૂંટ્યો છે

.

( જિગર જોષી ‘પ્રેમ’ )

તારી-મારી ભીતર

તારી-મારી ભીતર ભઈલા ક્યાંક મળે ના એક્કે દેરું,

તોય વાત આ નક્કી છે કે ભીતર એનું છે જ પગેરું.

પાંખો માંહે થાક લઈને નીડ ભણી આવે પંખેરું,

દૂર પણે ઝાલર વાગે છે ; નભ વેરે છે ગુલાલ ગેરુ.

શ્વાસ સમો જીવનની સાથે કાયમ એ ચાલ્યા કરવાનો,

વીત્યોકાળ નથી કંઈ ‘રજકણ’ કે બસ ઊભો થઈ ખંખેરું.

વાત ક્ષણોની એવી છે કે જેમ ઊતરતા જાઓ ઊંડા,

અજવાળાંઓ ઠરી જઈ ને સ્તબ્ધ બની પ્રગટે અંધેરું.

એક અજાયબ ઘટના સાલ્લી વરસોથી બનતી આવી છે,

સાંજ પડે ને સાવ અચાનક ‘સ્મરણ’ નામનો ડંખ એરુ.

સવાર સાથે સૂરજ છે ને વર્ષા સાથે ચાતક, એમ જ,

શબદ અમારો અમે શબદના જનમ જનમના છઈએ ભેરુ.

ન વાત કશી જ્યાં ‘પ્રેમ’ થઈ છે પ્રેમ-પદારથ પણ પીધાંની,

નામ સતત ચર્ચાયું છે આ બંદાનું તો વેંત ઊંચેરું.

(જિગર જોશી ‘પ્રેમ’)