દુ:ખાન્ત એ નથી…

દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે-

દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી જિંદગીનો પત્ર હંમેશા ખરાબ દશામાં અહીં ત્યાં ફર્યા કરે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે તમારા પ્રિયજનને તમારી જિંદગીનો સમગ્ર પત્ર લખી લો અને પછી તમારી પાસેથી તમારા પ્રિયજનનું નામ-સરનામું ખોવાઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે જિંદગીના લાંબા રસ્તા પર સમાજનાં બંધન પોતાના કાંટા વેરતા રહે અને તમારા પગમાંથી આખી જિંદગી રક્ત વહેતું રહે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે લોહીલુહાણ પગથી એક એવી જગા ઉપર ઊભા હો જેની આગળ કોઈ રસ્તો તમને બોલાવતો ન હોય-

દુ:ખાન્ત એ નથી કે તમે તમારા ઈશ્કના ધ્રૂજતા શરીર માટે આખી જિંદગી ગીતોના પહેરણ સીવતા રહો-

દુ:ખાન્ત એ હોય છે કે એ પહેરણો સીવવા માટે તમારી પાસેથી વિચારોનો દોર ખોવાઈ જાય અને તમારી કલમ-સોયનું છિદ્ર તૂટી જાય…

 

( અમૃતા પ્રીતમ, અનુવાદ: જયા મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.