Monthly Archives: September 2008
સવારે બાજરીના ડૂંડે – પ્રીતમ લખલાણી
Protected: સવારે બાજરીના ડૂંડે
પહેલા હતું એ – કિરાત વકીલ
પહેલા હતું એ આજનું વાતાવરણ નથી
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી
પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી
હું છું તમારી પાસ ઉપેક્ષાની રીત આ
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી
અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ
દુનિયામાં માત્ર એકલાં રેતીના રણ નથી
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી
( કિરાત વકીલ )
Protected: પહેલા હતું એ
લેવું હોય તે લઈ લ્યો – મૌલિક મહેતા
લેવું હોય તે લઈ લ્યો ને આપવું હોય તો આપો
કાં તો મને ઉથાપો ને કાં તો મને સ્થાપો
અરધીપરધી વાતમાં મારા મનને શાતા નથી
ગૂંગળાયેલા ગળે અમે ગીતને ગાતા નથી
કાં તો મારો બાગ ઉછેરો કાં તો વનને કાપો
લેવું હોય તે લઈ લ્યો ને આપવું હોય તો આપો
ઘસરકાનો થાક છે મને કટકા કરી નાંખો
શબરીનાં આ બોર નથી કે હોઠ અડાડી ચાખો
ડૂબવા આપો દરિયો અથવા તરવાને તરાપો
કાં તો મને ઉથાપો કાં તો મને સ્થાપો
( મૌલિક મહેતા )
Protected: લેવું હોય તે લઈ લ્યો
મને મંજૂર નથી.. – પન્ના નાયક
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે
જે બોલે તે બોલવાનું
ને નાગ જેમ ડોલવાનું
મને આવું અઢેલવાનું મંજૂર નથી
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય
પોતાનું આભ હોય ને પોતાનું ગીત હોય
મનની માલિક હું, મારે તે બીક શું
હું તો મૌલિક છું
હા માં હા કરીને, ઠીક ઠીક રહીને
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી
માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું
માપસર ઓઢવાનું, માપસર પોઢવાનું, માપસર હળવાનું
માપસર ભળવાનું, માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
( પન્ના નાયક )
Protected: મને મંજૂર નથી..
થઈ શકે.. – ભરત ભટ્ટ “તરલ”
મારો ખયાલ છે કે હવે યુધ્ધ થઈ શકે;
અથવા જગતનાં લોક બધાં બુધ્ધ થઈ શકે.
કહેવાનો ભાવ ત્યારે અણીશુધ્ધ થઈ શકે,
કૈં ઝંખના સિવાય તું સમૃધ્ધ થઈ શકે.
રથનાં તમામ ચક્ર મનોરથ બની જશે,
પોતાનું મન લગામની વિરુધ્ધ થઈ શકે.
પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે,
પ્રત્યેક અશ્વ એક વખત વૃધ્ધ થઈ શકે.
ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડો,
ખુદનો પહેરવેશ છે અવરુધ્ધ થઈ શકે.
( ભરત ભટ્ટ “તરલ” )