મારી પાસે કોરો કાગળ – રજની મહેતા

મારી પાસે કોરો કાગળ તારા હૈયા જેવો

એના પર હું લખું છું મારું નામ

તું એને ચૂમી શકે તો ચૂમ

તું એને ચૂમશે તો મારા અહીં તહીં રઝળતા

નામને જાણે મળી જશે સરનામું

ભલે પછી રઘવાઈ દુનિયા પસાર થાય

કે થંભી જાય

કોણ જોશે એની સામું?

લઈ હાથમાં હાથ હવે તું ચલ મારી સંગાથ

વિશ્વમાં ઘુમાય એટલું ઘુમ

તું એને ચૂમી શકે તો ચૂમ.

આપણાં હળુ હળુ છે બંધન

એનાં મબલખ મબલખ સ્પંદન

એને ઝીલવા માટે કદાચ હૈયું નાનું પડશે

કૂણા કૂણા કોડ લઈને એકમેકની

સોડમાં ધીમે ધીમે રાત વહે

ને પરભાત ઊઘડશે

એકમેકમાં હળતો રહેશે,

એકમેકમાં ભળતો રહેશે,

લોહીનો લય ઉછળતો રહેશે

વહાલ ભરેલી વયમાં હવે તો ઝૂમી શકે તો ઝૂમ

તું એને ચૂમી શકે તો ચૂમ

( રજની મહેતા )

2 thoughts on “મારી પાસે કોરો કાગળ – રજની મહેતા

Leave a reply to Dr. Chandravadan Mistry Cancel reply