Monthly Archives: October 2008
મારી પાસે કોરો કાગળ – રજની મહેતા
મારી પાસે કોરો કાગળ તારા હૈયા જેવો
એના પર હું લખું છું મારું નામ
તું એને ચૂમી શકે તો ચૂમ
તું એને ચૂમશે તો મારા અહીં તહીં રઝળતા
નામને જાણે મળી જશે સરનામું
ભલે પછી રઘવાઈ દુનિયા પસાર થાય
કે થંભી જાય
કોણ જોશે એની સામું?
લઈ હાથમાં હાથ હવે તું ચલ મારી સંગાથ
વિશ્વમાં ઘુમાય એટલું ઘુમ
તું એને ચૂમી શકે તો ચૂમ.
આપણાં હળુ હળુ છે બંધન
એનાં મબલખ મબલખ સ્પંદન
એને ઝીલવા માટે કદાચ હૈયું નાનું પડશે
કૂણા કૂણા કોડ લઈને એકમેકની
સોડમાં ધીમે ધીમે રાત વહે
ને પરભાત ઊઘડશે
એકમેકમાં હળતો રહેશે,
એકમેકમાં ભળતો રહેશે,
લોહીનો લય ઉછળતો રહેશે
વહાલ ભરેલી વયમાં હવે તો ઝૂમી શકે તો ઝૂમ
તું એને ચૂમી શકે તો ચૂમ
( રજની મહેતા )
Protected: મારી પાસે કોરો કાગળ
તને સ્પર્શીને – જ્યોતિષ જાની
તને સ્પર્શીને આવેલો
પવન
મારી આંગળીઓનાં ટેરવાં ઉપર
જે લિપિ
લખી જાય છે
એને ઉકેલવા હું આકાશ સામે
હાથ ધરીને ઊભો રહું છું.
લિપિ ઊકલી રહે છે ત્યારે
આખું આકાશ
મારી આંગળીઓના ટેરવામાં
સમાઈ જાય છે.
એ આકાશમાં હું મને તો
શોધ્યો ય જડતો નથી
જ્યાં જોઉં-
સર્વત્ર તું જ તું!
( જ્યોતિષ જાની )
Protected: તને સ્પર્શીને
Protected: हो गई है पीर
મનમાં સમાવું તો ચાલશે? – આશા પુરોહિત
એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદરમાં ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?
પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યા કરું,
ને બસ પૂછ્યા કરું છું એ જ ધૂનમાં,
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યા કરું
ને બસ નીરખ્યા કરું છું તને તૃણમાં.
એય, તને બોલાવું ત્યારે તું આવશે?
લાગણીના અણદીઠા શ્વેત શ્વેત રંગ મહીં,
ઈન્દ્રધનુષી એક વાત,
સંબંધો જોડાવા ઈચ્છાઓ જન્મે,
એ ઈચ્છાનો થામી લે હાથ.
એય, મારી ઈચ્છાનો બાગ હવે ફાલશે?
ઈચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે,
ને પ્રશ્નાર્થને સમજી તો લે,
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર,
એ ભાવાર્થ સમજી તો લે
એય, સાથે રહેવું શું તને ફાવશે?
( આશા પુરોહિત )
Protected: મનમાં સમાવું તો ચાલશે?
દરિયાકાંઠે – ધર્મેશ ભટ્ટ
દરિયાકાંઠે
હાથમાં હાથ ઝાલી
ચાર આંખો નિહાળે સૂર્યને
અસ્ત થતાં બે હથેળીઓ વચ્ચે ઉષ્મા
ધબકતા નવા સહઅસ્તિત્વની
રોમેરોમમાં ફેલાય ઉષ્મા
હવે સૂર્યની શોધ
પરસ્પરની આંખોમાં
( ધર્મેશ ભટ્ટ )