લાક્ષાગૃહોની વચ્ચે હજી સાવ ક્ષેમ છું
લાગ્યા કરે છે જાણે ખુદાની રહેમ છું
પળમાં જ જીવકલ્પ કરે સ્પર્શ જેમનો
હું એમના ચરણમાં હજી એમ-નેમ છું
પળ પળ મને વિખેરવામાં વ્યસ્ત જે રહ્યાં
કહેવું પડ્યું છે એમને-હું હેમ ખેમ છું
નાનકડી એક ગૂંચ ઉકેલી શક્યો નહીં
વર્ષો પછીયે એટલે તો જેમ-તેમ છું
અંતે પૂછી પૂછીને અગ્નિ-જ્વાળાને પૂછ્યું
અવતાર આખો મીણના હાથોમાં કેમ છું
પયગમ્બરીને એટલે ‘સાહિલ’ ગમું છું હું
પહેલા પ્રણયની આંખે વિહરતો વહેમ છું
( સાહિલ )