ગોપાળનો મિત્ર(ભાગ-૧)

મારા બાળપણમાં પપ્પા પાસે રોજ એક વાર્તા સાંભળવાનો અમારો નિયમ હતો. અમે જાતે વાંચતા થયા એટલે અમારા માટે બાળવાર્તાના પુસ્તકો પણ ઘરમાં લવાયા. આ બધા પુસ્તકો મેં જાળવી રાખ્યા હતા. પણ અમારા પછીની પેઢીએ એમના બાળપણની નાદાનીમાં થોડા પુસ્તકો વાંચવાનું શીખતા શીખતા ફાડી નાખ્યા. પણ હવે તેઓ સમજદાર થઈ ગયા છે. જે પુસ્તકો હજુ બચ્યા છે તેને મેં ફરી મારી પાસે લઈ લીધાં છે. આવા જ એક જર્જરીત પુસ્તકમાંથી મને અત્યંત પ્રિય એવી એક બાળવાર્તા હું આજે અહીં મૂકું છું. આશા રાખું છું કે બાળકોને અને બાળકોના પપ્પા-મમ્મી, દાદા-દાદીને આ વાર્તા ગમશે.

ગોપાળનો મિત્ર

૧.

ગોપાળના પિતા ઘણા વિદ્વાન હતા. ગામના લોકોને તે રામાયણ તથા મહાભારતની કથા વાંચી સંભળાવતા. કોઈક વાર તે ગીતાનું પ્રવચન પણ કરતા. ગામના લોકો તેને ઘણું માન આપતા અને ધર્મિષ્ઠ પુરુષની માફક તેની પૂજા કરતા. ગામના લોકોએ તેને દાનમાં એક ખેતર આપ્યું હતું. આ ખેતરમાં પુષ્કળ અનાજ ઊગતું અને ઘરની બાજુના નાના બગીચામાં જોઈતાં શાકભાજી થતાં. આ પ્રમાણે ગોપાળના પિતા પોતાના નાના કુટુંબનો નિર્વાહ ચલાવતા હતા.

ગોપાળ જ્યારે છ વર્ષનો થયો ત્યારે તેના પિતા માંદા પડ્યા. માંદગી દિવસે દિવસે વધતી ગઈ અને ગામના મોટા વૈદે પણ આશા છોડી દીધી. ગોપાળની માતા બધો વખત પોતાના પતિની પથારી પાસે બેસી રહેતી. છેવટની ઘડીએ ગોપાળના પિતાએ તેને કહ્યું, “ગોપાળ નાનો છે. એની સંભાળ રાખજે. જેનું કોઈ નહિ તેનો ઈશ્વર તો ખરો જ ને?” આમ બોલતાં બોલતાં ગોપાળના પિતા મૃત્યુ પામ્યા. ગામના લોકો ગોપાળની માતાને આશ્વાસન આપવા આવ્યા. તેમણે કહ્યું, “કાકી, તમે જરાયે ચિંતા કરશો નહિ. તમારા ખેતરમાં અમે કામ કરીશું. તમને કોઈ પણ રીતે અડચણ નહિ પડે. ગોપાળ તો અમારા ભાઈ જેવો છે. ગુરુજીને માટે અમે જે કંઈ કરીએ તે ઓછું જ છે.”

ગોપાળની માતા ઘણી ધર્મિષ્ઠ બાઈ હતી. તે રોજ સવારે વહેલી ઊઠતી અને નદીએ જઈ ને સ્નાન કરી આવતી. ત્યાર પછીનો સમય તે શ્રીકૃષ્ણની પૂજામાં ગાળતી. આખો દિવસ તે ઘરકામમાં રોકાયેલી રહેતી. ફુરસદ મળે કે રેંટિયા પર સૂતર કાંતતી. સૂતર વેચવાથી જે કંઈ પૈસા આવતા તે ગોપાળને માટે તથા પોતાને માટે કપડાંલત્તાં લેવામાં વાપરતી. આ પ્રમાણે ગોપાળની માતા પોતાનો ઘરસંસાર ચલાવવા લાગી.

ગોપાળ સાત વર્ષનો થયો. માને થયું કે હવે ગોપાળને નિશાળે મોકલવો જોઈએ પણ નિશાળ ક્યાં? જે ગામડામાં તેઓ રહેતાં ત્યાંથી ત્રણ માઈલ દૂર ! બીજું ગોપાળને નિશાળે મોકલતાં પહેલાં તેને માટે કપડાંની ગોઠવણ કરવાની હતી. ગોપાળને માટે તેની માએ નવાં કપડાં કરાવ્યાં. સારો દિવસ જોઈને ગોપાળને નિશાળે મોકલ્યો. નિશાળે પહોંચવા માટે બાજુના જંગલમાં થઈને જવું પડતું. ગોપાળ જંગલ વટાવીને નિશાળે પહોંચ્યો. આખો દિવસ તે નિશાળમાં ભણ્યો. પહેલે જ દિવસે તેને વર્ગના બે છોકરાઓ જોડે દોસ્તી થઈ. સાંજે નિશાળ છૂટ્યા પછી બધા છોકરાઓ સાથે તે જુદી જુદી રમતો રમ્યો. તે ઘરે જવા નીકળ્યો ત્યારે અંધારું થવા આવ્યું હતું, એટલે ગોપાળ ઝપાટાબંધ ચાલી નીકળ્યો. રસ્તો ઘણો જ બિહામણો હતો. જંગલી પશુઓની ગર્જના સાંભળીને ગોપાળ ઘણો જ ગભરાયો. તે ઝડપથી દોડવા લાગ્યો અને પોતાને ઘેર પહોંચ્યો ત્યાં સુધી ઊભો રહ્યો નહિ. માની પાસે બેસી નિશાળમાં આખો દિવસ શું ભણ્યો, સાંજે કઈ કઈ રમતો રમ્યો, જંગલમાંથી આવતાં કેવી બીક લાગે એ બધું તેણે માને કહી સંભળાવ્યું. માની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. પછી વાળુ કરીને ગોપાળ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે નિશાળે જવાનો વખત થયો ત્યારે ગોપાળ માની ગોદમાં ભરાઈ ગયો. તેણે કહ્યું, ‘મા, હું નિશાળે નહિ જાઉં. મને જંગલમાંથી જતાં ઘણી જ બીક લાગે છે.’

ગોપાળની માતા ઘણી જ મૂંઝાઈ ગઈ. ગોપાળને નિશાળે મૂકવા જાય અને તેડવા જાય એવો માણસ રાખી શકે તેવી એની સ્થિતિ નહોતી. શું કરવું તે એને સૂઝ્યું નહિ. તેણે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કર્યું. ગાયોના રક્ષક શ્રીગોપાળ ઉપરથી તેણે પોતાના પુત્રનું નામ પણ ગોપાળ જ રાખ્યું હતું. તેને શ્રીકૃષ્ણ ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. સંકટમાં શ્રીકૃષ્ણ તેમને સહાય કરશે એવી તેને ચોક્કસ ખાતરી હતી. એકાએક તેના મનમાં એક વિચાર ચમકી ઊઠ્યો. તેણે ગોપાળને કહ્યું, ‘બેટા, હિંમત રાખ. નિશાળે જવા માટે ના પાડીશ નહિ. મારે એક બીજો પુત્ર છે. તે જંગલમાં જ રહે છે અને ગાયો ચરાવે છે. તું જંગલના રસ્તા પર પહોંચે ત્યારે તેને બૂમ પાડજે. એ તો તારો મોટો ભાઈ. એ જરૂર તારી સાથે આવશે.’

માને ઈશ્વરમાં શ્રદ્ધા હતી તેથી વધારે શ્રદ્ધા ગોપાળને પોતાની માના વચનમાં હતી. ગોપાળ હિંમત રાખીને નીકળ્યો.

GopalNoMitra

તે જંગલમાં પહોંચ્યો એટલે તેણે બૂમ પાડી, “ઓ મોટાભાઈ ! અરે મોટાભાઈ !” થોડીવારમાં ગોપાળથી મોટો એક છોકરો ઝાડીમાંથી બહાર નીકળ્યો. તેના હાથમાં વાંસળી હતી. તેના માથા પર સોનાનો મુગટ હતો અને મુગટમાં મોરનું એક પીછું ખોસેલું હતું. તે ઘણો આનંદી છોકરો હતો. ગોપાળ જોડે રમતો રમતો તે બાજુના ગામ સુધી ગયો. પછી તેણે કહ્યું, “ભાઈ, સાંજે ઘેર જાય ત્યારે મને બોલાવજે. હું તારી સાથે આવીશ.” એમ બોલીને એ ગોવાળ જંગલમાં અદ્રશ્ય થઈ ગયો.

ગોપાળ આખો દિવસ નિશાળમાં ભણ્યો અને સાંજે ઘેર જવા નીકળ્યો. જંગલમાં પહોંચતાની સાથે જ તેણે મોટાભાઈને બૂમ પાડી. ગોવાળ તરત જ બહાર આવ્યો. અને ગોપાળની જોડે વાત કરતો કરતો તેના ગામ સુધી આવ્યો. તે ગામમાં દાખલ થયો નહિ. તેણે જતાં જતાં કહ્યું, “ભાઈ, મને રોજ બોલાવજે. આપણે સાથે રમતાં રમતાં જઈશું.”

ગોપાળે ઘેર જઈને માને કહ્યું, “મા, મા ! આજે તો મને ખૂબ મઝા પડી. મોટાભાઈ મારી સાથે આવ્યા હતા. તેમણે મને ખૂબ ગમ્મત કરાવી. તેઓ કેવા આનંદી છે ! નિશાળેથી આવતી વખતે તો તેમણે મને સરસ સરસ ફળો ખાવા આપ્યાં. મા, હવે તો હું રોજ નિશાળે જઈશ. મને તો બહુ મઝા પડે છે.”

આ પ્રમાણે ઘણા દિવસો નીકળી ગયા. ગોપાળ રોજ નિશાળે જતો અને ગોવાળનો છોકરો રોજ જંગલમાં મળતો.

Share this

10 replies on “ગોપાળનો મિત્ર(ભાગ-૧)”

 1. હિનાજી

  સરસ કામ કર્યુ તમે.. બે દિવસ પહેલા જ મેં તમને યાદ કર્યાહતા કે વાર્તા કયારે મૂકશે? બાય ધ વે પેલી એક વાર્તા ટાઢુ ટબુકલું ક્યાંયથી મળશે? કેમ કે કસકને મેં કહ્યુ છે કે હું તને એ વાર્તા કહીશ.

 2. હિનાજી

  સરસ કામ કર્યુ તમે.. બે દિવસ પહેલા જ મેં તમને યાદ કર્યાહતા કે વાર્તા કયારે મૂકશે? બાય ધ વે પેલી એક વાર્તા ટાઢુ ટબુકલું ક્યાંયથી મળશે? કેમ કે કસકને મેં કહ્યુ છે કે હું તને એ વાર્તા કહીશ.

 3. hi,

  i like u r blog and i am also student in bca but i want interest in gujarati book and and i like u r blogs and say to other site i want to read book and stores in gujarati.

 4. hi,

  i like u r blog and i am also student in bca but i want interest in gujarati book and and i like u r blogs and say to other site i want to read book and stores in gujarati.

 5. આદરણીય હીનાબહેન,

  આપની લિંક ઉપર આવવાની ધીરજ હું રાખી ન શક્યો.
  મને એમ લાગ્યુંકે,

  “રણની તરસમાં ભીનાશ બાકી લાગે છે..!!
  શમણે સબંઘની કુમાશ જાગી લાગે છે…!!”

  ઈશ્વર આપને શબ્દરૂપે સાક્ષાત દર્શન અર્પે તેવી પ્રાર્થના સહ.

  માર્કંડ દવે.

 6. આદરણીય હીનાબહેન,

  આપની લિંક ઉપર આવવાની ધીરજ હું રાખી ન શક્યો.
  મને એમ લાગ્યુંકે,

  “રણની તરસમાં ભીનાશ બાકી લાગે છે..!!
  શમણે સબંઘની કુમાશ જાગી લાગે છે…!!”

  ઈશ્વર આપને શબ્દરૂપે સાક્ષાત દર્શન અર્પે તેવી પ્રાર્થના સહ.

  માર્કંડ દવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.