ગોપાળનો મિત્ર (ભાગ-૨)

એક દિવસ ગોપાળના ગુરુને ત્યાં લગ્નપ્રસંગ હતો. તેમણે બધા વિદ્યાર્થીઓને કહ્યું, “બાળકો, આપણે ત્યાં આવતી પાંચમે લગ્નપ્રસંગ છે. તે પ્રસંગે તમારે જે કાંઈ ભેટ આપવી હોય તે લેતા આવજો.”

અસલના વખતમાં અત્યારના જેવી નિશાળો નહોતી. વિદ્યાર્થીઓને ફી આપવાની નહોતી. ગુરુ બાળકોને મફત શિક્ષણ આપતા. તેના બદલામાં ગામના લોકો તેમના ખેતરમાં કામ કરતા અને અનાજ ઉગાડતા. ગુરુને ત્યાં કોઈ પ્રસંગ આવતો ત્યારે બાળકો જુદી જુદી વસ્તુઓ તેમને માટે લઈ આવતા. આ પ્રમાણે ગુરુ પોતાનો નિર્વાહ ચલાવતા.

ગોપાળે સાંજે ઘેર જઈ પોતાની માને કહ્યું, “મા, ગુરુજીને ત્યાં લગ્ન છે. એ પ્રસંગે આપણે શું આપીશું? બધા છોકરાઓ તો સારી સારી ભેટ આપવાના છે.”

ગોપાળની મા મૂંઝાઈ ગઈ. ગરીબના ઘરમાં શું હોય? થોડી વાર તે બોલી નહિ પણ એકાએક તેને કંઈ યાદ આવતાં તેણે કહ્યું, “બેટા, તારા મોટાભાઈને કાલે કહેજે. તે તને એક સારી વસ્તુ જરૂર આપશે.”

બીજે દિવસે ગોપાળે મોટાભાઈને કહ્યું, “ભાઈ, મારા ગુરુને ત્યાં આજે લગ્ન છે. મારે તેમને કાંઈક ભેટ આપવી છે, માટે મને કોઈ સારી વસ્તુ આણી આપો.”

ગોવાળ તરત જ જંગલમાં દોડી ગયો અને દહીંથી ભરેલી એક માટલી લઈ આવ્યો. તેણે ગોપાળને કહ્યું, “ભાઈ, મારી પાસે હમણાં તો બીજું કાંઈ નથી, પણ આ દહીંની માટલી લઈ જા. તારા ગુરુને એ આપજે.”

ગોપાળ માટલી લઈને ગુરુને ત્યાં પહોંચ્યો. બધા વિદ્યાર્થીઓ સારી સારી ભેટો લાવ્યા હતા. એક વિદ્યાર્થી રેશમી કપડાં લાવ્યો હતો, બીજો ધોતિયું લાવ્યો હતો, ત્રીજો ફળથી ભરેલો થાળ લાવ્યો હતો, ચોથો જાતજાતની મીઠાઈઓ લાવ્યો હતો, પાંચમો પિત્તળનાં વાસણો તો છઠ્ઠો મલમલનાં વસ્ત્રો લાવ્યો હતો-એમ જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી ચીજો લાવ્યા હતા. ગરીબ બિચારો ગોપાળ ! પોતાની ભેટ ગુરુને આપવા કેટલા હોંશથી તે આવ્યો હતો. પણ બીજા છોકરાઓ ગોપાળની દહીંની માટલી જોઈને મશ્કરી કરવા લાગ્યા. ગોપાળની આંખમાં આંસુ આવ્યાં. એટલામાં ગુરુએ બધાની ચીજો વારાફરતી લેવા માંડી. ગોપાળે ગુરુને દહીંની માટલી આપી. ગુરુએ એ માટલીમાંથી બધું દહીં બીજા એક વાસણમાં કાઢી લીધું. એ વાસણ દહીંથી ભરાઈ ગયું એટલે ગુરુએ બધા છોકરાઓને દહીં ખાવા માટે આપ્યું. છોકરાઓ દહીં ખાતા જાય પણ માટલીમાં દહીં ઓછું થાય જ નહિ. જેમ જેમ ગુરુજી દહીં ઠાલવતા જાય તેમ તેમ માટલી દહીંથી ભરાતી જાય. આ જોઈને ગુરુ તથા બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત બની ગયા. ગુરુએ કહ્યું, “ગોપાળ, આ દહીંની માટલી તું ક્યાંથી લાવ્યો?”

ગોપાળે હાથ જોડીને કહ્યું, “ગુરુજી, મારા મોટાભાઈ બાજુના જંગલમાં રહે છે. તેમણે મને આ માટલી ભેટ આપી હતી.”

શિક્ષકે પૂછ્યું, “ગોપાળ, તારા મોટાભાઈ શું કરે છે?”

ગોપાળ બોલ્યો, “ગુરુજી, મારા મોટાભાઈ જંગલમાં ગાયો ચરાવે છે. તે માથા પર સોનાનો મુગટ પહેરે છે અને વાંસળી સરસ વગાડી જાણે છે. તેમણે જ મને આ દહીંની માટલી આપી હતી.”

સોનાનો મુગટ, વાંસળી અને દહીંની માટલી ! આ તો ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન લગે છે. ગુરુને નવાઈ લાગી. તે બોલ્યા, “ગોપાળ, તારા મોટાભાઈને મારે મળવું છે. તું મને તારા ભાઈ બતાવીશ?”

“ગુરુજી, તમે મારી સાથે બાજુના જંગલમાં ચાલો. જરૂર મારા મોટાભાઈ કોઈ ઝાડ પાછળથી નીકળી આવશે. પછી ખૂબ વાતો કરીશું.” ગોપાળે કહ્યું.

ગુરુ તરત જ તૈયાર થઈ ગયા. ગોપાળ તથા તેના ગુરુ જંગલમાં આવી પહોંચ્યા. જંગલમાં જઈને ગોપાળે “મોટાભાઈ ! મોટાભાઈ !” એમ બૂમ પાડી પણ કોઈ બહાર આવ્યું નહિ. ગોપાળે ફરીફરીને મોટેથી બૂમો પાડી. પણ કોઈ દેખાયું નહિ. ગુરુ ગોપાળની તરફ જોવા લાગ્યા. ગોપાળે ફરીથી બૂમ પાડીને કહ્યું, “મોટાભાઈ, તમે બહાર નહિ આવો તો મારા ગુરુજી તથી બધા છોકરાઓ જાણશે કે હું જૂઠું બોલ્યો. માટે એક વાર પણ બહાર આવો.”

જંગલના ઊંડાણમાંથી એક અવાજ સંભળાયો: “ભાઈ ગોપાળ, તું જૂઠું નથી બોલ્યો. તારી સાથે તારા ગુરુ છે એટલે હું બહાર નહિ આવું. મારા દર્શન કરવાને માટે તારા ગુરુને હજી ઘણી રાહ જોવી પડશે. તારી માતા જેવી પવિત્ર અને ધર્મિષ્ઠ વ્યક્તિઓ આ દુનિયામાં થોડી જ છે.”

શિક્ષક આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે ગોપાળને માથે હાથ ફેરવીને કહ્યું, “બેટા, શ્રીકૃષ્ણ ભગવાનની તારા પર મહેર છે ! તારી માતા પવિત્ર છે, ભગવાનની ભક્ત છે. એના પુત્ર થવું એ પણ સદભાગ્યની વાત છે !”

( મૂળ લેખિકા સિસ્ટર નિવેદિતા )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.