બાળકની બંધ મુઠ્ઠીમાં વિસ્મય જેમ છું,
ભૂરા નિખરતા આભમાં ઉડ્ડયનની જેમ છું.
પગલા નથી એ રેતના દેખાઉં હું તને,
તારી સ્મૃતિમાં જાગતા પગરવની જેમ છું.
મારી કને છે લાગણી શંકા ને દ્વેષ પણ,
માણસ થવું કબૂલ હું માણસની જેમ છું.
નિશ્ચિંત થઈ પહાડના ખોળે રમું છું હું,
ઝરણાની જેમ દોડતા બાળકની જેમ છું.
તહેવાર થઈને આંગણે પહોંચું છું એમના,
એના જીવનમાં ખાસ હું અવસરની જેમ છું.
તારા વિચાર ઝીલતા દર્પણની જેમ છું,
ક્યારેક તારા સ્મિતમાં સંશયની જેમ છું.
( કૈલાસ પંડિત )