આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કુન્દનિકાબેનના હસ્તાક્ષરો

“સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી મળ્યું જે આજે પોસ્ટ કરું છું.

કુન્દનિકાબેનની આ નવલકથા જ્યારે લખાઈ ત્યારથી આજ સુધીમાં ખૂબ વંચાઈ. ઘણી ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા.  સ્ત્રી સ્વાતંત્ર્યના આ વિચારો તે સમયે પણ ક્રાંતિકારી હતા અને આજે પણ હજુ એ એટલા જ ક્રાંતિકારી  છે. આ નવલકથા સમય પહેલા લખાઈ છે. આવી કોઈ ક્રાંતિ માટે આપણો સમાજ હજુ તૈયાર નથી. કોઈ વસુધા સાચે જ કોઈ આદિત્ય સાથે ચાલી નીકળવાની હિંમત બતાવે તો તેને સમાજ સ્વીકારશે કે તેના તરફ આંગળી ચીંધશે??

આ પોસ્ટ તૈયાર કરતી હતી તે દરમ્યાન જ એક મિત્ર સાથે આ નવલકથા સંદર્ભે વાત થઈ તો એણે કહ્યું કે: “કોઈ મને પૂછે કે તારું ઘર ક્યાં?-તો હું તે વ્યક્તિને મારું ચોક્ક્સ સરનામું આપું છું. પણ મારી કોઈ મિત્ર દુ:ખી હોય અને તે મારા આશરે આવે તો હું એને પાંચ દિવસ માટે પણ આ ઘરમાં રાખી શકતી નથી. ક્યારેક મને રડવાનું મન થાય તો તારા જેવા મિત્રને મારા ઘરે બોલાવીને એના ખભે માથું મૂકી હું રડી શકતી નથી.  કારણ કે લગ્નના પંદર વર્ષ પછી પણ મારે બધી જ વાતના જવાબો, કારણો અને હિસાબો આપવા પડે છે. હું મારી મરજીનું કંઈ જ કરી શકતી નથી તો આ ઘર મારું કહેવાય?”–મારી આ મિત્રનો પ્રશ્ન વિચાર માંગી લે એવો છે.

એક બીજી સ્ત્રી પણ મને યાદ આવે છે. જેને મેં ૨૦-૨૨ વર્ષ પહેલા આ નવલકથા વાંચવા આપી હતી. તે લગભગ વસુધાના જેવી જ વ્યથાથી પીડાતી હતી. તેને પણ વ્યોમેશ જેવો જ પતિ હતો. નવલકથા વાંચ્યા બાદ પરત આપતી વખતે તેણે મને કંઈ કહ્યું તો ન્હોતું પણ ત્યારે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. એક આશા હતી કે કદાચ મારી જિંદગીમાં પણ આવો દિવસ ક્યારેક આવશે. આદિત્ય જેવું જ કોઈ મળે એવું નહીં પણ કોઈ મિત્ર કે કોઈ સગાસંબંધીની ઓથ મળે તો આ પરિસ્થિતિમાંથી છૂટવાની તેને અપેક્ષા હતી. પણ થોડા વર્ષો પહેલાં માત્ર ૪૬ વર્ષની ઉંમરમાં હ્રદયના પહેલા જ હુમલામાં તે સ્ત્રીનું મૃત્યુ થયું. સ્વતંત્રતા તો તેને મળી પણ જિંદગીના ભોગે.

સાત પગલાં આકાશમાં

 

“આનંદગ્રામ”માં વૃક્ષોથી ઘેરાયેલી સુંદર જગ્યાનું નામ હતું ફૂલઘર. સૂરજ છેક દરિયા પર ઉતરી આવ્યો હતો તે સમયે વસુધાનો અંધારાની આરપાર તેજ લિસોટો દોરતો હોય એવો પ્રશ્ન ફૂલઘરમાં ઉપસ્યો: “માણસ જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરો?” આ પ્રશ્ન પૂછીને વિચારશીલ મગજમાં ઝંઝાવાત પેદા કરનાર વસુધા એ વ્યોમેશની પત્ની તરીકે ઓળખાતી સ્ત્રી હવે ન્હોતી. એ તો હતી માત્ર વસુધા-સ્વાતંત્ર્ય મેળવવા મથતી એક સ્ત્રી…

આનંદગ્રામમાં રહેતી વસુધાના મનમાં જોરદાર ઝપાટો આવ્યો…મનમાં રહેલી બંધ બારીનાં દરવાજા ખૂલી ગયાં…ને..

ને પછી વહી ગઈ એક કથા…પ્રસંગો…ઘટના અને કેટલીક ક્ષણો…

ફૈબાના મૃત્યુના સમાચાર જાણીને પણ પાર્ટીમાં આનંદથી વર્તતા પતિ વ્યોમેશ સાથે પ્રથમ વખત દલીલ કરતી વસુધાના મુખમાંથી સરી પડ્યું કે: “માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે”. પણ શું એ પોતે જ એ રીતે જીવતી હતી ખરી?

સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની ત્રીજી દીકરી વસુધા સૌના દબાણથી એની ઈચ્છાને નેવે મૂકીને વ્યોમેશ સાથે પરણી ગઈ. વસુધાને તો આકાશમાં વિરહતા મુક્ત પંખીની જેમ મુક્ત ઉડવું હતું. પણ ત્યાં તો અનિચ્છાએ બંધાઈ ગઈ. પેલા આકાશમાંના પંખીને જોઈને એના અજાગ્રત મનની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું.. “કોઈક દિવસ હું પણ ઉડતા પંખીના જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું”.

પરણ્યા બાદ વસુધાએ ઘરકામ અને ઘરકામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું. પોતાની પાછળ સતત ચોકી રાખતા, સતત ફરમાનો છોડ્યા કરતા, રૂઢિથી બધિર બની ગયેલા ફૈબાને સહ્યા કર્યા. પણ મન તો મુક્તિ માટે જ…સ્ત્રીની સ્વતંત્રતા માટે જ મંથન કરતું. એના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા….

“પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા-ન ખાવાનાં વ્રત લેતો હશે?”

“પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? અને પુત્રીનાં માબાપ વચ્ચે નહીં?”

“પુરુષ અમુકનો વિધુર એ રીતે કદી ઓળખાયો છે?”

“માતા પોતાના બાળકને પોતાનું નામ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ આપી શકે છે?”

“પુત્રીજન્મના વધામણાં થાય છે ખરાં?”

“દહેજ એ વ્યાપારી વિચારણા નથી?”

“સ્ત્રી શા માટે લગ્ન કરે છે? લગ્ન કરીને સ્ત્રીને શું મળે છે?”

“જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સબંધાઈએ છીએ?”

“મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશ હોય?”

“દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધું કમાવું એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોય શકે?”

…પણ આ તમામ પ્રશ્નો…ઈચ્છાઓ…સમસ્યાઓને હલ કોણ કરે? એકલી વસુધા??

વસુધા લગ્ન પછી ઘણાં વર્ષો સુધી પતિનો અનાદર, ઉપેક્ષા સહન કરતી રહે છે. પરંતુ વ્યોમેશને કહી શકતી નથી કે “તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે ,પણ હું એ સ્વીકારી શકતી નથી”.

ન ઉચ્ચારાયેલ શબ્દો વસુધાની અંદર ને અંદર ગૂંગળાય છે. એના મનને ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. પણ વસુધા અન્યાયને…વેદનાને સહન કરવા માટે સર્જાયેલી સ્ત્રી ન્હોતી. એ તો હતી સ્ત્રીમુક્તિની ચેતનવંતી મશાલ….!

અચાનક વસુધાના જીવનમાં વળાંક આવે છે. વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે, આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે, મથામણ કરે છે અને તેની અંદર સંઘર્ષ જાગે છે. અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતાં કરે છે. તેણે અને વ્યોમેશે વસાવેલો સંસાર…જેમાં હર્ષ, અશેષ, દીપંકર, સુનીલા, કમલ, સલીના હતાં. એ સર્વ માહોલને છોડીને મુક્તિના રાહ પર પગલાં માંડે છે.

મુક્તિના રાહ પર માંડેલા પગલાં વસુધાને “આનંદગ્રામ”માં ખેંચી લાવે છે. ત્યાં વસે છે ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, અગ્નિવેશ, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબેન અને “અ”….બધાં મુક્તિના પંથે ડગ માંડતા વિચારશીલ, લાગણીશીલ, ઉચ્ચ આત્માઓ.

અને એક અપૂર્વ દિને એ જ “આનંદગ્રામ”માં અચાનક વસુધાનો ભેટો એના નાનપણના મિત્ર આદિત્ય સાથે થાય છે. આદિત્ય એક ભવ્ય પુરુષ…, એના હ્રદયના ધબકારે આછો આછો સચવાયેલો પુરુષ! આદિત્ય સામાજીકકાર્ય, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. હિમાલયમાં એ બહુ સાદું કામ કરતો. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવતો.

આદિત્યના આવ્યા બાદ ઘણી ઘટનાઓ બને છે. અને સમય પસાર થતાં આદિત્યને હિમાલય પાછા ફરવાનો દિન આવી પહોંચે છે. પાછા ફરવાના આગલા દિવસે આદિત્ય વસુધાને કહે છે:

”વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદધામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…”

અને વસુધા આદિત્યને ઉત્તર આપે છે: “ભલે, હું આવીશ…”

અને સાચે જ, વ્યોમેશ નામના બંધનને તોડીને સ્ત્રી મુક્તિની અદભુત મશાલ લઈને વસુધા નામનું પંખી આદિત્ય નામના જબરજસ્ત સાથના સહારે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું. કે જે પંખીને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવા કે મુક્ત રીતે ઊડતા અટકાવા માટે કોઈ સમર્થ ન્હોતું.

સાત પગલાં આકાશમાં-કુન્દનિકા કાપડીઆ  

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ: ૪૬૧

કિંમત: રૂ. ૨૫૦.૦૦

હિના પારેખ “મનમૌજી”

Copyright©HeenaParekh

Share this

6 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?”

 1. Saat pagla akashma is a true “Beyond the time” novel, I still remember watching the gujarati serial on Doordarshan few years back.

  The writeup and the whole concept itself is revolution to the not-so-acceptive society about woman and their TRUE empowerment.

  Good rememberance of the novel i have read years ago…

 2. યેસ..આ પુસ્તક વરસો પહેલા અનેક વાર વાંચ્યું હતું. ખૂબ ગમ્યું પણ હતું. પરંતુ આજે ફરીથી વાંચતા મનમાં અનેક પ્રશ્નો પણ ઉઠે છે.

  એ વાત લાંબી છે અને અહીં અસ્થાને છે..
  કુંદનિકાબહેન મારા પણ પ્રિય લેખિકા છે.એમની સૌથી પ્રિય કૃતિ પરથી જ મેં મારા બ્લોગનું નામ ” પરમ સમીપે” રાખેલ છે.

 3. પ્રિય હિના,
  પ્રેમ;
  કુન્દિકાબેન કાપડિયાના પુસ્તકો વાંચવા નથી મળ્યા, પરંતુ તેમના કેટલાંક લેખો વાંચેલા. તેમની શૈલી ખૂબજ સુન્દર છે. મકરન્દભાઈ જેવા ખૂલ્લા દિલના વિચારક અને સાધકનો તેમનો સાથ અને ઉંચા સંસ્કારોની છાપ તેમના લખાણોમાં જોવા મળે છે.સાત પગલાં આકાશમાં નવલકથા વાંચી નથી, પરંતુ અંહી આપે સંક્ષિપ્તમા જે વર્ણન કરેલ છે તેનાથી તેનો રસાસ્વાદ માણી શકાય છે. એક સ્ત્રીની મનોવ્યથા અને કથા છે, જે પોતાના સ્વતંત્ર વિચારો અને સમજ ધરાવે છે પરંતુ સામાજીક વ્યવસ્થા, લગ્નપ્રથા, અને પતિપત્નીના અહંના ટ્કરાવમાં પોતાની જાતને બંધનમા જકડાયેલી, મુંઝાતી અને મુર્ઝાતી જોઇ મુક્તિ શોધે છે, અને આ મુક્તિ તેને તેના બાળસખામાં દેખાતાં છેવટે સમાજના બંધનો ફગાવી તેની સાથે ચાલી નીકળે છે.
  વાર્તાનો તો અહીં અંત આવી જાય છે, પણ બાળસખા સાથેનુ પછીનુ જીવન જે મુક્તિની અપેક્ષા રાખી હતી તે મુજબનું રહે છે કે કેમ્ તેના વિષે કુંદનિકાબેન મૌન રહ્યા છે.પણ મને ખાત્રી છે કે સાચી સમજ વગર ક્યારે પણ મુક્તિ હોતી નથી. જે લોકો મુક્ત થયા છે તેઓ બંધનો કાપી ને નહીં, પણ બંધનોથી ઊપર ઊઠીને મુક્ત થયા છે.(કમળવત્) અને એજ કળા છે જીવન જીવવાની.
  બાકી તો લગ્નપ્રથા તો આમેય ધીમે ધીમે મ્રુત્યુના કગાર પર પહોંચી રહી છે, અને કદાચ આવનારા પચાસ વર્ષોમાં નાબૂદ થઈ જાય તો પણ નવાઈ નથી. આપણા મનનો સ્વભાવ છે જે ગમે તેની માલકિયત ભોગવવાનો. આથી જ લગ્નની સાથે જ શરુ થાય છે એકબીજા પર આધિપત્ય જમાવવાની હોડ અને સંઘર્ષ. પતિ મોટાભાગે સફળ થતા જણાય છે, કારણકે સામાજીક વ્યવસ્થાઓ નો કર્તા હર્તા પુરુષ સમાજ છે. પરંતુ થોડું અંદર જોશો તો જણાશે કે પુરુષે આવી સમાજ વ્યવસ્થા ગોઠવી છે, તેની પાછળનુ મુળભૂત કારણ છે પુરુષનો હીનભાવ (ઈન્ફિરીયારીટી કોમ્પલેક્ષ). સ્ત્રી પુરુષ કરતાં બધી રીતે ચઢિયાતી છે અને તે વાત પુરુષ અહંકાર સાંખી નથી શકતો.
  અંહી મધપુડો તો છંછેડ્યો છે, પણ સાથે સાથે સ્વાગત પણ કરું છું, અન્ય મંન્તવ્યનો.
  પ્રભુશ્રીના આશિષ;
  શરદ શાહ

 4. I remembered, in my 10th vacation,

  I read this novel 7 times in a month !

  But even that time, at the age of 15 I never feel
  it’s a book of women’s freedom

  It suggests only that now women should not depend on others !!

  May be, women of that period understand, nobody ‘men’ will understand or help them.

  but now a days, time has changed little and 10% men try to understan women.

  nice post !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.