આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અંગદનો પગ-હરેશ ધોળકિયા

માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા

કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાત સમક્ષ આ પુસ્તકો મૂક્યા ત્યારે ગુજરાતના બધા જ વાચકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. જોકે આ ઉપરાંત પણ ઘણાં અનુવાદો તેમણે કર્યા છે, મૌલિક પુસ્તકો પણ ઘણાં લખ્યા છે અને સંપાદનો પણ કર્યા છે. લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, શિવામ્બુ, આરોગ્ય વગેરે વિષયો પર પ્રવચનો આપે છે અને શિબિરો ચલાવે છે.

શ્રી હરેશભાઈ ધોળકિયા

એમની બીજી નવલકથા “અંગદનો પગ” શિક્ષણજગતમાં ચાલતી બદીઓ પર પ્રકાશ પાડે છે. જૂન ૨૦૦૬માં આ નવલકથાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. પછી આ નવલકથાને એટલો પ્રતિસાદ મળ્યો કે નવેમ્બર ૨૦૦૬, માર્ચ ૨૦૦૭, ઓક્ટોબર ૨૦૦૭ અને મે ૨૦૦૯માં પુનર્મુદ્રણ કરવું પડ્યું. આ નવલકથા વિશે ઘણાં જાણીતા લેખકો, શિક્ષણકારોએ પ્રતિભાવ આપ્યા છે. પરંતુ આજે અહીં “ગુજરાતમિત્ર”માં પ્રકાશિત થયેલ એક લેખ પોસ્ટ કરું છું.

“ગુજરાતમિત્ર”નો આ લેખ ઉપલબ્ધ કરી આપવા બદલ મારા વડિલમિત્ર શ્રી હરેશભાઈ ધોળકિયાનો હું ખાસ આભાર માનું છું.

શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ

વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે.

લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી. હવે નામ શું રાખવું તેની મૂંઝવણ શરૂ થઈ. ‘રામાયણ’માં યુદ્ધ પહેલાં સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જિતાય? ત્યારે અંગદ રાવણને દરબાર વચ્ચે કહે છે કે પોતે પગ ખોડીને ઊભો રહેશે. જો રાવણ કે કોઈ દરબારી પણ તે પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસી પડે છે. પણ પછી અંગદના પગને રાવણ સહિત કોઈ જ દરબારી ખેસવી શકતા નથી. અંગદ હસીને કહે છે કે પોતે તો સેનામાં જુનિયર વાનર છે. સેનામાં ખૂબ સિનિયર વાનરો છે. આ નાનો પગ ન ખસેડી શકાયો તો રામ જિતાશે?”

અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.

આ નવલકથામાં પણ એવા જ એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ પાત્ર કાલ્પનિક છે તેમ ન માનવું. ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી. દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ‘જ્યોતિન્દ્રો’ જોયા પણ છે. આ નવલ એક સ્પષ્ટ હેતુ માટે જ લખાઈ છે. નવલકથાનું ફોર્મ જ છે. બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા જ તે લખાઈ છે. ‘આવા’ જ લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે. જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ આ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે!

શ્રી હરેશભાઈ ધોળકિયાએ આ પુસ્તક વાચકોને મનોરંજન આપવાના હેતુથી લખ્યું નથી. એમણે આદર્શ શિક્ષક જ્યોતીન્દ્ર શાહના પાત્ર દ્વારા જે સંદેશો પાઠવવાનો હતો તે વાચકોને પાઠવી દીધો છે. નવલકથામાં એક તરફ કથાનો નાયક આદર્શ શિક્ષકના સ્વરૂપમાં જ્યોતીન્દ્ર શાહ છે તો ખલનાયક તરીકે ટ્યૂશનિયો ખટપટિયો (લેખક જેને સેકન્ડ રેટર દ્વિતિય કક્ષાનો ગણાવે છે) કિરણ દવે છે. આ દવે કિશોર અને અન્ય વિદ્યાર્થીઓને હથિયાર બનાવીને જ્યોતીન્દ્ર શાહને કઈ રીતે હેરાન કરે છે, સંચાલક મંડળના પ્રમુખની ચાપલૂસી કરી કરીને કેવી રીતે આચાર્ય બની બેસે છે તેની સમજવા યોગ્ય વાતો લેખકે નવલકથામાં ગૂંથી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ગંદા અને ખંધા શિક્ષકો દ્વારા જે રાજકારણ ખેલાય છે તેનો તાદ્રશ્ય ચિતાર શ્રી હરેશ ધોળકિયાએ કિરણ દવેનું પાત્ર સર્જીને રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા શ્રી દવે કેટલી હદે નીચે ઊતરી જાય છે, ટ્યૂશનિયો શિક્ષક પોતાને ત્યાં ટ્યૂશને આવતાં વિદ્યાર્થીઓને હાથમાં લઈ આદર્શ શિક્ષક જ્યોતીન્દ્રને ક્યાં અને કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે બધી વાતો ખૂબીપૂર્વક નવલકથાને આગળ વધારે છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા શૈક્ષણિક(?) પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો. લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. શ્રી શાહ શિસ્તમાં માને-કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દાબ દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”

પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: ‘અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઊતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતિય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતોૢ કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.” દવે આગળ નોંધે છે “આ વાત જ્યોતીન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડી “Fountainhead”ની વાતો તે કરતો. હિટલર અને ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી પરંતુ સાંભળતા સાંભળતા મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતીન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો.”

ખટપટિયો કિરણ દવે જ્યારે જ્યોતીન્દ્રની પ્રતિભાથી અકળાયો ગભરાયો અને સતત પરાજિત થયો ત્યારે તેણે જ્યોતીન્દ્રને સકંજામાં લેવા ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચાડી અને જ્યોતીન્દ્ર વર્ગમાં સાઘુ સંતોની નિંદા કરે છે ટીકા કરે છે. એમના પતનના કારણો ચર્ચે છે! ટ્રસ્ટી મંડળે જ્યોતીન્દ્રને આરોપી ઠરાવી પોતાની સભામાં ખુલાસો કરવા બોલાવ્યો. પ્રતિભાશાળી શિક્ષકે કહ્યું: “હા, મેં પતનના કારણો ચર્ચ્યા છે પરંતુ એ મારા શબ્દો નથી. ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે! પાઠ્યપુસ્તકમાં જોઈ લો. પાન નંબર પચીસ.” પ્રકરણ થયું પુરું. બીજા દિવસે જ્યોતીન્દ્રએ દવેને સીધું જ સંભળાવી દીધું, ‘દવે લોકપ્રિય થવા માટે તારી લીટી મોટી કર. બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કરે તો સારું. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. દોસ્ત લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે’. પછી આગળ બોલ્યો, ‘પણ તે તારા હાથમાં નથી ખેર! હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યૂશન કરે છે તેનો કોઈ વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ જાણું છું.. લે ને ભાઈ! આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટાભાગના તને જ વશ થશે. સમાન સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા જ છટકશે. બરાબર?’

નવલકથામાં ઠેર ઠેર જ્યોતીન્દ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલું શિક્ષણ અને જિંદગી જીવવા અંગેનું તત્વજ્ઞાન વાચકને વિચારતો કરી મૂકે તેવું છે. આદર્શ શિક્ષક બનવા ઈચ્છતા નવી પેઢીના મિત્રો માટે જ્યોતીન્દ્રનું પાત્ર રોલ મોડેલ જેવું છે. દવેનું પાત્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ખટપટિયા અને રાજકારણી, દુષ્ટ વૃત્તિ ધરાવતા શિક્ષકોથી શા માટે દૂર રહેવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યું છે. ટ્રસ્ટી મંડળના અલ્પ બુદ્ધિ ધરાવતા પ્રમુખ, સાચા શિક્ષકની પરખ ધરાવતા કિશોર જેવા વિદ્યાર્થીઓ, મહેતાજી મારે નહીં અને ભણાવે નહીં એ કહેવતને સાર્થક કરે તેવા આચાર્ય ઓઝાસાહેબ આ બધા નવલકથાના એવા પાત્રો છે જેમને મળ્યા પછી વાચકને અવશ્ય એવો વિચાર આવે કે આ સૌ પાત્રોને લઈને એકાદ સુંદર ફિલ્મ બનાવવામાં આવે તો?

સંસ્કાર બિંદુ

‘કિશોર, હું કહેતો હતો કે અંદરનું જગત પૂર્ણ અને અનંત છે. તેનો આનંદ અવર્ણનીય છે. અને દોસ્ત, જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે. બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ. તે માટે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ. પણ જો સમાંતરે અંદરની સ્વસ્થતા વધશે તો તેટલી બહારની સફળતા પણ વધશે. કિશોર અંદરની સ્વસ્થતા વધે તે માટે ત્રણ પ્રયોગ કરી શકે. એક દરરોજ રાત્રે સૂવા જાય ત્યારે જાતને પૂછ્ કે આજે કોઈને ઉપયોગી થવાય તેવું શું કર્યું? બીજું જે કંઈ કરે તે પ્રત્યે જાગ્રત રહે….તારા દ્વારા થતી દરેક ક્રિયા તારા ધ્યનમાંથી છટકવી ન જોઈએ. પૂરો સજાગ રહે. અદ્દભુત અનુભવો કરીશ. અને ત્રણ, બેટા સવાર સાંજ થોડો સમય ધ્યાનમાં ગાળજે. તે તને અકલ્પ્ય રીતે આગળ વધારશે.’

(શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ-એકલવ્ય, “ગુજરાતમિત્ર”, તા.૨૧/૧૧/૨૦૦૬)

અંગદનો પગ – હરેશ ધોળકિયા

પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

પૃષ્ઠ: ૧૮૮

કિંમત: રૂ. ૧૦૦.૦૦

નોંધ : શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં આ પુસ્તક રૂ. ૩૫/- માં પ્રાપ્ત થશે.


Share this

16 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?”

 1. શિક્ષક, ડોક્ટર અને નેતા એક જમાનામા જે આદરપાત્ર ગણાતા તે હવે ઘૃણા પાત્ર બની રહ્યા છે. નેતાઓના નામનુ તો લોકોએ નાહી નાખ્યું છે. કારણ કે સુધરવાનો કોઈ અવકાશ દેખાતો પણ નથી. પરંતુ હજી શિક્ષકો અને ડોક્ટરો માટે પરિસ્થિતી સાવ જ વણસેલી નથી. મને લાગે છે આજના સમજદાર શિક્ષ્કો અને ડોક્ટરોએ આ સમસ્યા વિષે ગંભિરતાથી વિચારવાની જરુર છે. નહીતો આજે દિકરો કે દિકરી શિક્ષક કે ડોક્ટર હોવાનો ગર્વ લેતા મા-બાપને કહેતાં પણ શરમ આવશે કે, ” મારો દિકરો/દિકરી શિક્ષક કે ડોક્રટર છે.”
  હરેશભાઈનો આ દિશામા પ્રયત્ન સરાહનીય છે.

 2. શ્રી હરેશભાઈના અનુવાદ કરેલા બે પુસ્તકો મેં વસાવી વાંચ્યા છે જેમાં હમેશાં શકય છે કિરણ બેદીનું અને બીજું 3 મીસ્ટેક્સ ઓફ માય લાઈફ ચેતન ભગતનું આ અંગદનો પગ વિષે માહિતિ નહિ હતી પરંતુ હવે લાવવું પડ્શે અને વાંચી પ્રતિભાવ જણાવીશ્ શ્રી હરેશભાઈને જ્યારે મારી બદલી ભૂજ થયેલી ત્યારે મારાં દીકરાના હાઈ-સકૂલમાં પ્રવેશ અપાવતી વખતે અને ત્યાર બાદ ભુજના મારા 4 વર્ષના રોકાણ દરમિયાન અનેક પ્રસંગોએ રૂબરુ પણ મળ્યો છું અલબત્ત આ વાતને 20-25 વર્ષનો સમય વીતી ગયો છે. ખેર !

 3. હિનાબહેન સરસ પુસ્તક નો પરિચય કરાવ્યો.
  હરેશભાઈ ના પુસ્તકોને ઓનલાઈન પણ callliabrary પરથી વાંચવા મંગાવી શકાય છે તેની લીંક http://www.calllibrary.com/Guj_BrowseByAuthor.aspx?BookName=%E0%AA%B9%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE

 4. સરસ માહિતી…..
  પુસ્તક વાંચવું પડશે…..
  શ્રી હરેશભાઈના અનુવાદ કરેલા બે પુસ્તકો મેં વાંચ્યા છે જેમાં હમેશાં શકય છે કિરણ બેદીનું અને બીજું 3 મીસ્ટેક્સ ઓફ માય લાઈફ ચેતન ભગતનું તેમનું ત્રીજું પુસ્તક બિન્દાસ પણ વાંચ્યું છે. આ અંગદનો પગ વિષે માહિતિ ન હતી પરંતુ હવે વાંચવું પડશે.

 5. Indeed a worth value for the precious choice and collection and precious time spent. Keep it up. God grant serenity to accept the things you can’t change and the courage to change things which you can

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.