અજમાવી ગયા

કૈં અજબ તરસીને તરસાવી ગયા,

આપણે ફાવટ વગર ફાવી ગયા.

.

કોણ ભીતર ભાવનું ભૂખ્યું હતું,

જે મળ્યું એ સર્વ અપનાવી ગયા.

.

એક પણ પાનું ન વાંચ્યું કોઈ દી,

ગ્રંથ સઘળા એ જ સમજાવી ગયા.

.

જિંદગીભર સાથ મન ઝંખ્યા કરે,

હાથ છેલ્લે એમ લંબાવી ગયા.

.

સાવ તરસી આંખમાં એનાં સ્મરણ,

આજ પણ છલક્યાં ને છલકાવી ગયા.

.

મ્હેં બચાવ્યા જેને કપરા કાળમાં,

તક મળી ત્યારે એ સપડાવી ગયા.

.

તોડતો પળપળના પથ્થર એકલો,

એ સહજ પાતાળ પ્રગટાવી ગયા.

.

એ બધા તો નીકળ્યા સપના ફક્ત,

ભરબપોરે રણમાં રઝળાવી ગયા.

.

નામ કોનાં કોનાં ગણશું ક્યાં લગી?

સૌ કલા પોતાની અજમાવી ગયા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share this

4 replies on “અજમાવી ગયા”

 1. શ્રી રાજેશ વ્યાસની શૈલીની સુંદર ગઝલ….
  આ બહુજ સુંદર વાત આવી,
  એકપણ પાનું ન વાંચ્યું કોઇ દી
  ગ્રંથ સઘળા એજ સમજાવી ગયા !
  -અભિનંદન કવિને.

 2. શ્રી રાજેશ વ્યાસની શૈલીની સુંદર ગઝલ….
  આ બહુજ સુંદર વાત આવી,
  એકપણ પાનું ન વાંચ્યું કોઇ દી
  ગ્રંથ સઘળા એજ સમજાવી ગયા !
  -અભિનંદન કવિને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.