આંગળી અડાડો – કિશોર શાહ

આંગળી અડાડો તો તળિયું આવે

એવા સાગર મારે તાગવા નથી

વારે વારે ફૂંફાડો માર્યા કરે

એવા કાળી નાગ મારે નાથવા નથી

.

બોલકી દીવાદાંડી બોલી ગઈ શું

કે સૂરજ પણ ભરદરિયે ડૂબી ગયો.

કોણ જાણે કેમ આજે ઊંડા આકાશમાં

કાદવિયો અંધકાર ઊગી ગયો.

ઝાંઝવાને જોઈને હરખી ઊઠે

અને જળને જોઈને સહેજ મરકે પણ નહીં

એવાં હરણાં મારે પાળવાં નથી.

.

મીણના આ માણસો ફીણફીણ થઈ ગયા

અને પૂતળાંઓ થઈ ગયા અવાક

ઊંચેરા પહાડને તો આઘે ઠેલે

અને ચપ્પટ મેદાનોનો થાક

કાખગોડી લઈને ચાલતા આ પાંગળાઓ :

મારે આંધળાને મેઘધનુષ આપવાં નથી

.

( કિશોર શાહ )

Leave a comment