આજે નહીં સજન કાલે – મુકેશ જોષી

કાં તો તું આંખોથી મોજા પંપાળ

કાં તો તું છાતીમાં દરિયો સંતાડ

તોય એક લ્હેરખી ઉછળીને આવે તો ચૂંટી ખણી લેજે ગાલે.

આજે નહીં સજન કાલે…

.

આજે તો ચંદાએ એકટાણું કીધું છે,

આજે નક્ષત્રોએ મૌનવ્રત લીધું છે.

આજે તો વાયરીય મહિયરમાં ગઈ છે,

રાતરાણી થાકીને ઝટ્ટ સૂઈ ગઈ છે.

ઝાંઝરની ઘૂઘરીઓ છણકો કરે છે કે એકેય ડગલું નહીં ચાલે.

આજે નહીં સજન કાલે…

.

સૂરજ થઈને તું રાતને વખાણે છે

બુંદ બુંદ પીવાની લિજ્જત તું જાણે છે.

ઊંચા ચઢાવમાં ચાલ ધીમી રાખીએ,

મોસમ આવે ત્યારે કેરીને ચાખીએ.

તાજગીના ઊંડા હું શ્વાસ ભરી લઉં પછી કરશું પ્રવાસ એક તાલે.

આજે નહીં સજન કાલે.

.

( મુકેશ જોષી )

2 thoughts on “આજે નહીં સજન કાલે – મુકેશ જોષી

  1. હું જ આંખો થી મોજા પણ પંપાળું અને દરિયાને છાતી માં સમાવું…લહેરખી આવે તો ચૂંટી ય હું ખણી લઉં પણ એ ભીનાશ માં ભીંજાવા આખરે તો તારે આવવું જ રહ્યું મારા લગી… મારી કોર…

    Like

  2. હું જ આંખો થી મોજા પણ પંપાળું અને દરિયાને છાતી માં સમાવું…લહેરખી આવે તો ચૂંટી ય હું ખણી લઉં પણ એ ભીનાશ માં ભીંજાવા આખરે તો તારે આવવું જ રહ્યું મારા લગી… મારી કોર…

    Like

Leave a comment