ગીત ગાવા આવ્યો હતો – રવીન્દ્રનાથ ટાગોર
હું જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે !
.
મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી, હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયેલાં ગીતનું !
.
પરિમલનો ભંડાર તો અણઊઘડ્યો રહ્યોછે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !
.
મેં એ સૌન્દર્યસાગરની તો ઝાંખી પણ ક્યાં કરી છે ? કે એના શબ્દો – એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસારા થતા એના આછા પદધ્વનિને જ મેં ક્યારેક સાંભળ્યો છે !
.
સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમં જ આટલો બધો વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી, ઘરમાં અજવાળું આવ્યું નથી. એને અંદર આવવાનું કયે મોંએ હું કહું ?
.
કોઈક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું, પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !
.
( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )
Hard One.
Hard One.
Hard One.