શું કરું ? – પન્ના નાયક

શું કરું ?

શું કરવું સમજાયું નહીં એટલે

ગણું ગણું ને ભૂલી જાઉં

એવું કામ કર્યા કર્યું.

પૂનમની રાતે (અમાસે તો સહેલા !) આંખ-મીચકારતા

તારા ગણ્યા.

પારિજાતની ખુલ્લી-અર્ધખુલ્લી

કળીઓ ગણી.

બારી બહાર ટપ ટપ ટપકતાં

વર્ષાનાં ફોરાં ગણ્યાં.

ઘડિયાળના કાંટા ખસે એ ક્ષણ

પકડવા પ્રયત્ન કર્યો.

મિનિટમાં મારી આંખો

કેટલી વાર પલકારે છે

એની અરીસામાં ગણતરી કરી.

પણ કશું બદલાયું નહીં.

 .

ત્યાં અચાનક

શું સૂઝ્યું

મારી લાલ પેનથી

પ્રિયનું નામ લખ્યું

એક વાર નહીં

અનેક વાર

એણે જ ચૂમેલી આ હથેળી પર-

ને

ક્ષણભર માટે

વ્યાપેલી એકલતા

પરપોટો થઈ ફૂટી ગઈ.

 .

( પન્ના નાયક )

Share this

4 replies on “શું કરું ? – પન્ના નાયક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.