હું આવું છું… – હિના પારેખ “મનમૌજી”

વાતાવરણમાં વરસાદી સાંજ ઘેરાતી ને શશિનને એક પ્રકારનો અજંપો ઘેરી વળતો. વરસાદી મોસમ એને નહોતી ગમતી એવી વાત નહોતી. પણ આકાશમાં કાળા વાદળોનું સામ્રાજ્ય છવાયેલું હોય, વીજળી વારંવાર ઝબકારા મારતી હોય અને વરસાદ ધોધમાર વરસતો હોય એવી દરેક સાંજ શશિનના હૃદયની એક એવી યાદને તાજી કરતી…જે યાદ એણે ક્યારેય મિટાવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

 .

રિમઝિમ વરસાદના અમીછાંટણા રસ્તાઓને ભીંજવી રહ્યા હતા ત્યારે શશિન અને સલીનાએ આ શહેરમાં પગ મૂક્યો. શશિનની ટ્રાન્સફર અચાનક થવાથી નવા શહેરમાં આવવું પડ્યું હતું. કંપની તરફથી જે આવાસ મળ્યું હતું ત્યાં આ દંપતિએ પગ મૂક્યો એના તરત બાદ વરસાદ ધોધમાર વરસવો શરૂ થયો અને સાથે લાઈટ પણ ગૂલ થઈ ગઈ…અજાણી જગ્યા ન ધારેલી પરિસ્થિતિ…બંને જણાં મૂંઝાઈ ગયા.

 .

“શું કરીશું હવે ? હજુ આપણો સામાન પણ પેક છે. એમાં ટોર્ચ શોધવી મુશ્કેલ છે. આમ બેસી રહીશું તો રાત કેમ પસાર થશે ? તમે બહાર જઈને કંઈક તો વ્યવસ્થા કરો.” સલીનાએ ચિંતા વ્યક્ત કરી.

 .

શશિન સલીનાની ચિંતા દૂર કરવાનો વિચાર જ કરતો હતો…ત્યાં દરવાજામાં આછેરો પ્રકાશ રેલાયો. જોયું તો એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં થર્મોસ લઈને એક છોકરી ઊભી હતી….પરિચયના શબ્દો પૂછાય તે પહેલા ટહૂકો થયો..

 .

“બા અદબ, બામુલાહિઝા હોશિયાર…રીમા રાનીકી સવારી આ રહી હૈ. હું રીમા વર્મા…તમારી બાજુમાં જ રહું છું. મેં સાંજે તમને આ ઘરમાં પ્રવેશતાં જોયાં હતાં. માટીની મીઠી મીઠી સુગંધ આવતી હોય અને ઝરમર વરસાદ પડતો હોય એવા સમયે મને નિરાંતે ગરમ ગરમ ચાની ચુસ્કીઓ લેવાનું બહુ ગમે છે. તમને બન્નેને પણ અત્યારે ચાની જરૂર છે તેવું મને લાગ્યું અને તેથી હું આપણા ત્રણે માટે ચા લઈને જ આવી છું. ચાલો હવે આપણી આ પ્રથમ મુલાકાતને મારા જેવી મીઠ્ઠી ચા પીને તેને સેલીબ્રેટ કરીએ.”

 .

પહેલી મુલાકાતમાં જ રીમાએ શશિનં-સલીના પર અધિકાર જમાવી દીધો..અલબત્ત પ્રેમપૂર્વક જ. આ અજાણી છોકરી માટે એ બન્નેએ તેમના વાત્સલ્યભર્યા હૃદય ખૂલ્લાં મૂક્યાં. રીમા બધાને ગમી જાય તેવી હતી. તેજસ્વી ચહેરો આંખોમાં અઢળક અરમાન અને નિખાલસ-નિર્મળ હૃદય. રોજ એ જોરદર પવનની માફક શશિનના ઘરમાં પ્રવેશતી અને તોફાન મચાવી દેતી. ગમ્મતભર્યા સૂરમાં જાતજાતની વાતો કરતી, હસતી અને હસાવતી.

 .

શશિન સલીના વચ્ચે મુખ્ય સામ્યતા પુસ્તકો પ્રત્યેની પ્રીતિ હતી. ઘરની દીવાલો જાણે કે પુસ્તકોની બનેલી હોય એટલા બધા પુસ્તકો હતા. પુસ્તકો જોઈને રીમાથી બોલ્યા વિના ન રહેવાતું…

 .

“શશિનભાઈ આટલા બધા પુસ્તકોની વચ્ચે તમે ક્યાંક ઊધઈ ન થઈ જાવ એ જોજો.”

 .

“મને ઊધઈ કહે છે એમ ઊભી રહે તું…હું તને બરબરનો મેથીપાક ચખાડું છું.” પણ શશિન ખોટો ગુસ્સો વ્યક્ત કરે તે પહેલાં તો રીમા રૂમમાંથી બહાર દોડી જતી.

 .

રોજ સાંજે શશિન ઘરે આવે એટલે ઘરના આંગણામાં ગુલમહોરની છાંયમાં શશિન-સલીના બેસતાં. એ લોકોની મહેફિલનું અવિભાજ્ય અંગ એવી રીમ પણ “બંદા હાજિર હૈ.”. બોલતી હાજર થઇ જ જાય. ક્યારેક સ્વામી વિવેકાનંદ, ક્યારેક વિનોબા, ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ તો ક્યારેક ગાંધીજી…એમ એ બૌદ્ધિક ચર્ચા બહુ મોડે સુધી જામતી. રીમાની સતત જિજ્ઞાસુ બનીને પ્રશ્નો કરવાની આદત પર, ક્યાંક કોઈ બાબત પર સંમત ન થવાય તો “આદરપૂર્વક વિરોધ” અને ” વિરોધમાં પણ આદર” દર્શાવવાની રીત પર, દરેક વાતને ઊંડાણથી સમજદારીપૂર્વક વિચારવાના સ્વભાવ પર શશિન-સલીનાને માન હતું.

 .

“શશિનભાઈ જલ્દી કરો ને…હમીરસરની આજુબાજુ ચાલતાં ચાલતાં પાંચ આંટા મારવાના છે અને હજુ તમે તૈયાર નથી?” દિવસનો શુભારંભ રીમાના ઘંટડી જેવા મધુર સ્વરથી જ થતો. હમીરસરના કિનારે ચલાવીને એ શશિનને થકવી નાખતી તો ક્યારેક વળી રસોડામાં જઈને સલીનાને કહેતી…
.
“અરે, દીદી, તમે આવી કેવી રોટલી બનાવો છો ? ખસો જોઉં, રોટલી હું બનાવું છું.”

 .

એના હાથે એ સરસ મજાની રોટલી બનાવતી. પણ રોટલી બનાવતા રીમાએ વેરેલો લોટ જોઇને સલીનાથી ટોક્યા વિના ન રહેવાતું. “રીમા, આટલો બધો લોટ વેરાય તે કેમ ચાલે ?”

 .

“તો તમે જ કરો રોટલી…હું તો આ ચાલી.”

 .
પરંતુ જીભ પર મૂકો એટલે જ ઓગળી જાય તેવી મુલાયમ રોટલી ખાતાં ખાતાં શશિન-સલીના રીમાનો પ્યારભર્યો છણકો ભૂલી જતા.

 .

જે દિવસે રીમા ન આવે તે દિવસે સૂર્ય ઊંધી દિશામાં ઉગ્યો છે એવું શશીનને અનુભવાતું. એ ચિંતિત થઇ વરંડામાં આંટા મારતો હોય, સલીના પર વિના કારણે ચિડાતો હોય ત્યારે સલીના એ અકળામણ પાછળના કારણને પારખી જતી.

 .

“આમ અહીં મારી સામે શું આંટા માર્યા કરો છો ? જઈને બોલાવી લાવોને તમારી લાડલીને!”

.

અને…સલીનાના કહેવાની જ રાહ જોતો હોય તેમ શશિન રીમાને બોલાવી લાવે અને ફરી શરુ થતી ધમાલમસ્તી.
.
દિવસો-મહિનાઓ જ નહિ…વર્ષો પસાર થઇ ગયાં. રીમા ગ્રેજ્યુએટ થઇ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે મોટા શહેરમાં એડમિશન લીધું. સફળતા રીમાના કદમ ચૂમે એવી જ શશિન-સલીનાની શુભેચ્છા હતી. છતાં રીમાનું એમનાથી દૂર જવું બન્નેને જરાય ન ગમ્યું. રીમા પણ ક્યાં એટલી ખુશ હતી ? એ બન્નેને વળગીને ખુબ રડી…જવા જરાયે તૈયાર ન હતી. જેમતેમ સમજાવીને શશિન એને હોસ્ટેલમાં મૂકી આવ્યો. હોસ્ટેલમાંથી નિયમિત રીતે રીમાના પત્રો આવતા રહ્યા…
.
“પ્રિયાતિપ્રિય શશિનભાઈ તથા દીદી,

 .

તમારા બન્ને વિના મને અહીં જરાયે નથી ગમતું. ક્યારેક ઉદાસીભરી સાંજ ઢળે છે ત્યારે શશિનભાઈના શબ્દો યાદ કરું છું. Live here and now, totally, joyfully… ગાઢ અંધકારમાં જેમ એક નાનકડા દીવાના આધારે મુસાફર ચાલે છે તેમ અહીં હું તમારા શબ્દોના આધારે જ જીવું છું. તમે બન્ને મારા માટે શું છો એની મને પૂરી ખબર નથી…છતાં તમે બન્ને મારા માટે એક સ્તંભ છો જેના સહારે હું ઉભી છું.

 .

આજે મારો જન્મદિવસ…આવા શુભદિવસે હું તમને બન્નેને યાદ કર્યાં વિના રહી જ ન શકું. હું ત્યાં હોત તો દીદીએ આખું ઘર સજાવ્યું હોત, શશિનભાઈ કેક લાવ્યા હોત અને હું તમારા ભાવતા રસગુલ્લા તો અવશ્ય બનાવત. ખેર, ખાસ તો એ જણાવવા પત્ર લખ્યો છે કે મને તમારા બન્ને પ્રત્યે અત્યંત પ્રેમાદર છે. છતાં હજુ સુધી મેં તમને એકેય વાર પ્રણામ નથી કર્યાં. પરંતુ આજે હું તમને આટલે દૂરથી મારા હાર્દિક પ્રણામ પાઠવું છું. શું આશીર્વાદ આપશો મને ? ના, તમે બન્નેએ મને એટલો બધો સ્નેહ આપ્યો છે કે એથી વિશેષ મને કંઈ જોઈતું પણ નથી. ઘણીવાર વિચારું છું કે તમારા આ સ્નેહનું ઋણ હું કયા જન્મમાં ચૂકવીશ ? વધુમાં દીદીને વિદિત થાય કે હું આ વીકએ ન્ડમાં આવવાની છું. મારા માટે ગરમાગરમ ચા તથા નાસ્તો તૈયાર રાખજો અને શશિનભાઈ તમે મને લેવા સ્ટેશને આવજો. તમે નહીં આવો તો જાણીતો રસ્તો પણ મને તો અજાણ્યો જ લાગશે.”
.
રીમાનો પત્ર આવે એટલે વાંચીને શશિનના ઘરમાં આનંદ પુષ્પો ખીલી ઉઠતા. શશિન-સલીના ઉત્સાહપૂર્વક રીમાના આગમનની તૈયારીમાં લાગી જતા. શશિન એને સ્ટેશન લેવા જતો…બસ આવીને અટકતી અને એ કૂદકો મારીને ઉતારી પડતી…દોડીને શશિન પાસે આવી પહોંચતી. શશિન એને કંઈ પૂછે એ પહેલા અધિકારપૂર્વક માંગણી કરતી…”

 .

શશિનભાઈ મને આઈસ્ક્રીમ અપાવો ને…”

 .
શશિન આઈસ્ક્રીમ અપાવે એટલે ખાતાં ખાતાં, સ્નેહભરી વાતો કરતાં કરતાં એ બંને ઘરે પહોંચતા. ઘરે સલીના એની ઇન્તઝારમાં આંખો બિછાવીને બેઠી જ હોય. રીમાના આવવાથી શશિનના ઘર “આશિયાના”માં રોનક આવી જતી. એની હાજરીમાં શશિન-સલીના દરેક ક્ષણને પ્રસન્નતાથી જીવતાં. રજાઓ પૂર્ણ થતી. રીમા જવાની હોય તેની આગલી રાતે એ પણ રડતી અને સલીનાદીદી પણ. શશિન વિક્ષિપ્ત મને રીમાને વહેલી સવારે બસમાં બેસાડી આવતો.

 .

બે શહેરો વચ્ચેની રીમાની અવરજવર ચાલુ રહી. ત્યાં એક દિવસ રીમાના પ્રિન્સીપાલનો ફોન આવ્યો.

 .

“મિ. શશિન, હું રીમાના પ્રિન્સીપાલ બોલું છું. હું કેવી રીતે કયા શબ્દોમાં તમારી સાથે વાત કરું તે મને સમજાતું નથી. પણ તોયે મારે કહેવું તો પડશે જ. જરા મજબુત હૈયું રાખીને સાંભળજો…તમારી રીમા હવે આ દુનિયામાં નથી. મિત્રો સાથે જીપમાં ફરવા નીકળી હતી. રસ્તામાં જીપનો એક બસ સાથે અકસ્માત થતાં સ્થળ પર જ એનું મૃત્યુ થયું છે. અમે એના મૃત શરીર લઈને આવીએ છીએ. હિંમત રાખજો.”

 .

શશિન-સલીનાની વહાલુડી રીમાનું શબ લઈને શબવાહિની આવી. જે શરીરને લગ્નમંડપમાં સજાવવાના સ્વપ્નો એ બન્નેએ જોયા હતાં તે શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. એ મૃત શરીરને જોવાની હિંમત સલીનામાં નહોતી. એ બેભાન થઇને પડી હતી. શશિન પણ જેમતેમ હૈયે હામ રાખી રીમાના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતો જોઈ રહ્યો.

.
“આશિયાના” માંથી એક ચહેકતું બુલબુલ ઉડી ગયું…એ બન્નેના હૃદયમાં સૂનકાર વ્યાપી ગયો. રીમા એટલી બધી યાદ આવતી કે કેટલીક વાર તો કોઈ કામ ન ગમતું. ભગવાનને સતત કહેવા તલસી ઉઠતાં કે, “આ તે શું કર્યું ? એક ઉડતા પંખીને કેમ પાડી દીધું ?” હાલતું ચાલતું માણસ અચાનક તસ્વીર બનીને ભીંત પર લટકી જાય એ સ્વીકારવું જરા કઠીન હતું. રીમા વગરનું આ શહેર શશિન-સલીનાને જાણે ખાવા દોડતું. બધા રસ્તાઓ જાણે એ લોકોની એકલતાને પ્રશ્નાર્થ નજરે જોઈ રહેતા. સલીનાની તબિયત સતત ખરાબ રહેવા લાગી અને ના છૂટકે શશિને ત્યાંથી દુરના સ્થળે ટ્રાન્સફર માંગીને એ શહેર છોડ્યું.

 .

બરાબર પાંચ વર્ષ પછી ફરી એવી જ એક અંધારી રાત ઘેરાઈ…વીજળીના ઝબકારા થઇ રહ્યા હતા અને વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો. શશિન એક મેટરનિટી હોમના વેઈટીંગ રૂમમાં આંટા મારી રહ્યો હતો. લગ્નના પંદર વર્ષ બાદ સલીનાને સારા દિવસો રહ્યા અને આજે પીડા ઉપાડતા શશિન એને આ મેટરનિટી હોમમાં લાવ્યો.

 .

ડોક્ટર સલીનાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને શશિન ખુરશીમાં બેઠાં બેઠાં વિચારોના ઝોકે ચડ્યો.

 .

વિચારોની તંદ્રાને તોડતો નવજાત શિશુનો અવાજ સંભળાયો…થોડા સમય બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડોકટરે પ્રસન્નમુદ્રા સાથે જણાવ્યું, “અભિનંદન મિ. શશિન, તમારી પત્નીએ સરસ મજાની પરીને જન્મ આપ્યો છે. મા-દીકરી બન્નેની તબિયત સારી છે. તમે થોડીવાર પછી અંદર જઈ શકશો.”

 .

કેટલીક ક્ષણો પસાર થયા પછી શશિને રૂમમાં પ્રવેશ કર્યો. સલીનાની પડખે માખણ જેવું મુલાયમ નાનકડું શિશુ હતું. નજીક જઈને શશિને પોતાની દીકરીને હાથમાં લીધી. નાનકડી આંખો ખોલીને એ શશિનને જોઈ રહી. જાણે કહેતી ન હોય…”બા અદબ, બામુલાહીઝા હોશિયાર…મારી સવારી આવી ચૂકી છે. તમારો અને મારો સંબંધ એક માર્યાદિત શરીરનો નથી પણ આત્માનો છે. અને તેથી જ હું પાછી આવી છું…તમારી પાસે.” “

 .

કેટલુંક જોયા કરશો તમારી લાડલીને ?” મૌન વાર્તાલાપમાં તલ્લીન શશીને સલીનાને પૂછ્યું: “બોલો, તમારી આ દીકરીનું નામ શું પડીશું?”

 .

બન્ને ક્ષણભર અટકી પડ્યાં, અને પછી બન્નેના મોઢામાંથી એક સાથે શબ્દો સરી પડ્યાં: “રીમા”!

 .

હિના પારેખ મનમૌજી

Share this